- Astro and Religion
- કાબુલના 'મહાવિનાયક': અફઘાનિસ્તાનમાં ક્યારે અને કેવી રીતે મળ્યા પ્રાચીન ગાર્દેઝ ગણપતિ?
કાબુલના 'મહાવિનાયક': અફઘાનિસ્તાનમાં ક્યારે અને કેવી રીતે મળ્યા પ્રાચીન ગાર્દેઝ ગણપતિ?
મે 1956ની વાત છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગની એક ટીમ સંશોધન હેતુસર અફઘાનિસ્તાન ગઈ હતી. કાબુલમાં, ટીમને એવી માહિતી મળી, જેણે એક ભારતીય દેવતાની કથામાં એક નવો અને મહત્ત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો. ટીમના સભ્યોને ગણેશજીની એક પ્રતિમા વિશે જાણકારી આપવામાં આવી. આરસપહાણમાંથી બનેલી આ પ્રતિમા 20મી સદી દરમિયાન કાબુલથી લગભગ 70 કિલોમીટર દૂર ગાર્દેજ પાસે મળી આવી હતી. આ પ્રતિમા કાબુલૂમાં આવેલી દરગાહ 'પીર રતન નાથ'માં રાખવામાં આવી હતી, જ્યાં સ્થાનિક હિન્દુઓ તેની પૂજા પણ કરતા હતા.
1956માં અફઘાનિસ્તાનની મુલાકાત લેનારી ટીમમાં પુરાતત્વ વિભાગના બે અધિકારીઓ ટી.એન. રામચંદ્રન અને વાય.ડી. શર્માનો સમાવેશ થતો હતો. બંને અધિકારીઓએ નવી દિલ્હીમાં આ પ્રતિમા અંગેનો તેમનો અહેવાલ રજૂ કર્યો. આ અહેવાલમાં પ્રતિમાના કદ અને તેની કલાત્મકતાની વિગતો આપવામાં આવી હતી. મૂર્તિ નીચે લખેલા શિલાલેખનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, અફઘાનિસ્તાન અને ખાસ કરીને તેના પૂર્વીય પ્રદેશ પર સંશોધન કરતા અનેક પુરાતત્વવિદોએ આ પ્રતિમા વિશે લખ્યું હતું.
ઇતિહાસકાર અને પુરાતત્વવિદ્ મધુકર કેશવઢધવલીકરે આ પ્રતિમાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, આ પ્રતિમા ઈન્ડો-અફઘાન કલાનું એક ઉદાહરણ છે. તેને ઓછી ગુણવત્તાવાળા આરસપહાણમાંથી બનાવવામાં આવી છે. તેની ઊંચાઈ 24 ઇંચ અને પહોળાઈ 14 ઇંચ છે. આ પ્રતિમામાં દેવતાને ઊભેલી મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે. તેમનું મસ્તક હાથીનું છે; જોકે સૂંઢ તૂટેલી છે, પરંતુ તેના દેખાવ પરથી જણાય છે કે તે મૂળરૂપે ડાબી બાજુ વળેલી હતી. દેવતાને ચાર હાથ છે, પરંતુ તે પણ તૂટેલા છે. કમ પર વાઘના ચામડાનું વસ્ત્ર બાંધેલું છે અને ગળામાં જનોઈની જેમ સાપ ધારણ કરેલો છે. પ્રતિમામાં વિશાળ પેટ દર્શાવવામાં આવ્યું છે, જે ગણપતિના 'લંબોદર' સ્વરૂપ સાથે મળે છે.
પ્રતિમાના મજબૂત હાથ અને પહોળા ખભા ઈન્ડો-ગ્રીક કલાની અસર દર્શાવે છે. બીજી તરફ, માથા પર ધારણ કરેલો મુકુટ પર્શિયન અથવા ઈરાની કલા સાથે સંબંધિત છે; તે એક પ્રકારનો મુકુટ છે જેને રિબન વડે બાંધવામાં આવે છે. આ જ કારણ છે કે પુરાતત્વવિદો અને કલા-ઇતિહાસકારો આ પ્રતિમાને અત્યંત મહત્ત્વપૂર્ણ માને છે. આ પ્રતિમા ભારતીય, ગાંધાર (ઈન્ડો-ગ્રીક) અને પર્શિયન સંસ્કૃતિઓના સંગમનું પ્રતીક છે.
સૌ પ્રથમ આપણે એ સમજીએ કે આ પ્રતિમા કયા દેવતાની છે તેની ઓળખ કેવી રીતે કરવામાં આવી. પ્રતિમાના નીચેના ભાગમાં બે લીટીનો શિલાલેખ કોતરેલો છે. ઇતિહાસકાર અને શિલાલેખોના જાણકાર ડી.સી. સરકારે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમના મતે, આ શિલાલેખ સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી-સિદ્ધમાતૃકા લિપિમાં લખાયેલો છે. તેમાં કેટલીક વ્યાકરણની ભૂલો છે. તસવીરોના આધારે, અમુક શબ્દોનો અર્થ સમજવો પણ મુશ્કેલ છે. જોકે, આ શિલાલેખનો મુખ્ય સાર નીચે મુજબ છે: મહારાજાધિરાજ શાહી ખિંગલે તેમના શાસનના આઠમા વર્ષમાં, મહાજ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષના તેરમા દિવસે વિશાખા નક્ષત્ર અને સિંહ લગ્ન હેઠળ મહાવિનાયકની આ પ્રતિમા સ્થાપિત કરાવી હતી. પુરાતત્વવિદો એ વાતને લઇને એકમત નથી કે રાજા ખિંગાલ કોણ છે.
આ વિસ્તારમાં પાંચમી અને છઠ્ઠી સદી દરમિયાન ખિંગાલ નામનાં ઓછામાં ઓછા બે રાજાઓએ શાસન કર્યું હતું. તેના પુરાવા મળ્યા છે. તે સમયે અહીં હૂણોનું શાસન હતું. પ્રતિમાની કલાત્મક શૈલી અને શિલાલેખની લિપિના આધારે, નિષ્ણાતોનું અનુમાન છે કે આ પ્રતિમા પાંચમી અથવા છઠ્ઠી સદીની હોઈ શકે છે.
ઇતિહાસકાર અને પુરાતત્વવિદ મધુકર કેશવ ઞવલીકરના જણાવ્યા અનુસાર, આ પ્રતિમા કદાચ પાંચમી સદીના અંતિમ વર્ષોની હોઈ શકે છે. પરંતુ, કાબુલમાં પુરાતત્વવિદોને મળેલી ગણેશની આ એકમાત્ર પ્રતિમા નહોતી. 1956માં તૈયાર કરાયેલા એક અહેવાલમાં અન્ય એક પ્રતિમાનો ઉલ્લેખ છે. આ બીજી પ્રતિમા જે કાબુલથી લગભગ 10 માઈલ ઉત્તરે 'સાકર ધાર' (ઐતિહાસિક રીતે જેને 'શંકર ધાર' માનવામાં આવે છે) નામના સ્થળેથી મળી આવી હતી. બાદમાં તેને કાબુલના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. ઢવલીકરનું અનુમાન છે કે આ પ્રતિમા ચોથી સદીના મધ્યકાળની હોઈ શકે છે.
સકર ધાર અને ગાર્દેઝ ખાતે મળેલી ગણેશની પ્રતિમાઓની કહાની વાંચતા તે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય છે કે આજે આ પ્રતિમાઓ ક્યાં છે? દુર્ભાગ્યથી, આ અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. એવા અહેવાલો છે કે અફઘાનિસ્તાન પર સોવિયેત આક્રમણ બાદ, ગાર્દેઝની પ્રતિમાને કાબુલના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ખસેડવામાં આવી હતી. જોકે, 1996 પછી તાલિબાનના શાસનકાળ દરમિયાન આ સંગ્રહાલયને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘણી મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો અથવા ચોરી લેવામાં આવી; એવામાં, હવે આ મૂર્તિની માત્ર તસવીરો જ ઉપલબ્ધ છે.
આ મૂર્તિઓની ગણના ગણપતિની સૌથી જૂની જાણીતી પ્રતિમાઓ અને શિલ્પોમાં થાય છે. આજે ભારતના મોટાભાગના વિસ્તારોમાં પૂજવામાં આવતા ગણપતિના સ્વરૂપ કરતા તે કદાચ થોડી અલગ દેખાઈ શકે છે. એવામાં એક પ્રશ્ન છે કે, શું ગણપતિ ભારતથી ત્યાં પહોંચ્યા હતા, કે પછી ગણેશ પૂજાની પરંપરા ત્યાં શરૂ થઈ અને ભારત સુધી ફેલાઈ? ગણપતિની પૂજા ક્યાં શરૂ થઈ તે અંગે કોઈ ચોક્કસ જવાબ નથી. પરંતુ, સમય જતાં તેની પૂજા અને પૂજાની પદ્ધતિમાં બદલાવ આવ્યો, તેના કેટલાક સંકેતો ધાર્મિક ગ્રંથોમાં મળે છે.
ગણપતિની આરતી પછી જે મંત્રોનો પાઠ કરવામાં આવે છે તેમાં ઋગ્વેદના કેટલાક શ્લોકોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે સૌથી પહેલાં જે મંત્રનો પાઠ કરવામાં આવે છે તેમાં ગણપતિનું નામ આવે છે. તમે પણ ક્યારેક ને ક્યારેક આ મંત્ર સાંભળ્યો હશે: ‘ગણાનાં ત્વા ગણપતિં હવામહે.’ પરંચુ, ઋગ્વેદમાં ઉલ્લેખિત ગણપતિ એ હાથીના મસ્તકવાળા 'ગજાનન' નથી જેને આપણે આજે ઓળખીએ છીએ; ત્યાં ગણપતિનો અર્થ બૃહસ્પતિ દેવતા સાથે છે. ઋગ્વેદ મુખ્યત્વે કુબેર, ઇન્દ્ર અને અગ્નિ જેવા દેવતાઓનું વર્ણન કરે છે. પરંતુ ઋગ્વેદ પછી લખાયેલા ગ્રંથોમાં અન્ય વિવિધ દેવતાઓનો પણ ઉલ્લેખ થવા લાગ્યો. ઈ.સ. પૂર્વે 5મી સદીમાં ધાર્મિક વિધિઓ પર માનવગૃહ્યસૂત્ર' નામનો ગ્રંથ લખાયો હતો. તેમાં 4 'વિનાયકો'નો ઉલ્લેખ છે. તેમના નામ હસ્તિમુખ, વક્રતુંડ, દંતિન અને લંબોદર છે. ઘણા વિદ્વાનોનું માનવું છે કે સમય જતા આ ચાર વિનાયકોનાં સ્વરૂપો એક જ વિનાયકમાં ભળી ગયા.
નિષ્ણાતો એમ પણ કહે છે કે ગણપતિ સાથે સંકળાયેલા વર્ણનો અને ગુણોમાં બદલાવ આવ્યો છે. પુરાતત્વવિદ્ અને માનવશાસ્ત્રી કુરુશ એફ. દલાલ કહે છે કે, શરૂઆતમાં, ગણપતિ 'વિઘ્નહર્તા' એટલે કે મુશ્કેલીઓ દૂર કરનાર દેવતા નહોતા. તેમને 'વિઘ્નકર્તા' એટલે કે અવરોધો ઊભા કરનાર માનવામાં આવતા હતા. એવી માન્યતા હતી કે જો તમે તેમને મહત્ત્વ ન આપો, તો તેઓ તમારા માર્ગમાં અવરોધો ઊભા કરશે. તેથી, તેમને પહેલાં પ્રસન્ન કરવા આવશ્યક હતા. પરંતુ, સમય જતા ગણપતિના સ્વરૂપમાં પરિવર્તન આવતું ગયું.
લેખક અને પૌરાણિક કથાઓના જાણકાર દેવદત્ત પટનાયકે તેમના પુસ્તક 99 Thoughts on Ganeshaમાં ગણપતિના સ્વરૂપ અને તેમની પૂજા-પદ્ધતિઓમાં આવેલા ફેરફારો વિશે લખ્યું છે. પટનાયક જણાવે છે કે પહેલા હિંદુઓ 'યજ્ઞ' કરતા હતા. મંત્રોના ઉચ્ચારણ દ્વારા દેવતાઓને બોલાવવામાં આવતા હતા અને અગ્નિમાં હવન સામગ્રી ચઢાવવામાં આવતી હતી. પરંતુ ધીમે ધીમે, સામાન્ય લોકોમાં પૂજાની એક નવી પદ્ધતિ લોકપ્રિય બની. લોકો મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા પટ્ટનાયક લખે છે કે, ઈ.સ. પૂર્વે 326માં સિકંદરે ભારત પર આક્રમણ કર્યું. તેના થોડા વર્ષો બાદ, મૌર્ય સામ્રાજ્યનો દેશના વિશાળ વિસ્તારમાં વિસ્તાર થયો. તે યુગના ઘણા ઈન્ડો-ગ્રીક સિક્કાઓ પર હાથી જેવી આકૃતિઓ જોવા મળે છે. આ કારણોસર, ઘણા લોકો માને છે કે ગણેશની મૂર્તિનું સ્વરૂપ કદાચ ગ્રીક સંસ્કૃતિની અસરથી ઠળ અસ્તિત્વમાં આવ્યું હશે.
પટ્ટનાયક વધુમાં લખે છે કે ભારતમાં આવતા પહેલાં ગ્રીકોએ ઇજિપ્ત પર વિજય મેળવ્યો હતો. ઇજિપ્તમાં, એવા વિવિધ દેવતાઓના ચિત્રણો જોવા મળે છે જેમના શરીર મનુષ્ય જેવા હોય છે પરંતુ અમુક ભાગો પ્રાણીઓ જેવા બતાવવામાં આવ્યા છે. શક્ય છે કે વિવિધ સંસ્કૃતિઓની અસરથી હાથીના મસ્તકવાળા દેવતાની પૂજાની શરૂઆત થઈ હોય. તેઓ લખે છે કે, ત્યારબાદ, રોમન સામ્રાજ્યના સમયગાળા દરમિયાન, રોમન લોકો પણ વેપારના માધ્યમથી ભારતના સંપર્કમાં આવ્યા. રોમન દેવતા Janus અને ગણપતિના ગુણો વચ્ચે ખૂબ સમાનતાઓ છે; બંનેને બાધાઓ અને પરિવર્તને જોડીને જોવામાં આવે છે.
પટનાયક કહે છે કે, ગ્રીક, રોમન અને ઇજિપ્તીયન પૌરાણિક કથાઓના દેવતાઓએ ભારતીય વિચારધારા અને ગણેશની કલ્પના પર પ્રભાવ પાડ્યો હતો કે નહીં, તે વિશે આપણે માત્ર અનુમાન જ કરી શકીએ છીએ. આઠમી સદીમાં શંકરાચાર્યના સમયગાળા દરમિયાન હિંદુ ધર્મમાં ઘણા ફેરફારો થયા હતા. આ સમયગાળા દરમિયાન શિવ, શક્તિ, વૈષ્ણવ, સૂર્ય અને ગણેશ સાથે સંકળાયેલા પાંચ સંપ્રદાયોની અસર જોવા મળવા લાગી. દસમી સદી પછી, ગણપતિને સર્વોચ્ચ દેવતા માનનાર ગણપત્ય સંપ્રદાયનો વ્યાપ વધ્યો. કુરુશ દલાલ કહે છે કે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ગણપતિને સમર્પિત મંદિરોનું નિર્માણ શરૂ થયું,. તેની સાથે સાથે જ, આ દેવતાના સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું. તેઓ કહે છે, ગણપતિ 'સાત્વિક' પણ થઇ ગયાર્યું. મહારાષ્ટ્રમાં, તેઓ પેશ્વાઓ અને બ્રાહ્મણો માટે મુખ્ય દેવતા બન્યા. શિવ-પાર્વતીના પુત્ર ગણપતિને શાકાહારી પણ માનવામાં આવવા લાગ્યા.
બૌદ્ધ ધર્મના અમુક સંપ્રદાયોમાં પણ વિનાયકનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને તિબેટના વજ્રયાન બૌદ્ધ સંપ્રદાયમાં વિનાયકને વિઘ્ન ઉત્પન્ન કરનાર માનવામાં આવ્યા છે. એવી કહાની પણ પ્રચલિત છે જેમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે બોધિસત્વ અવલોકિતેશ્વરે વિનાયક પર વિજય મેળવ્યો હતો. બૌદ્ધ ધર્મના માધ્યમથી આ દેવતા પૂર્વીય દેશો સુધી પહોંચ્યા; અહી સુધી કે ગણેશની પૂજા જાપાનમાં પણ થવા લાગી. નિષ્ણાતો ગણેશના સ્વરૂપમાં જોવા મળતા વિવિધ સંસ્કૃતિઓના આ મિશ્રણને અત્યંત મહત્ત્વપૂર્ણ માને છે.
કાનિટતક સંપ્રદાય હેરિટેજ મેનેજમેન્ટ સર્વિસીસ'ના નિયામક છે. તેમણે અફઘાનિસ્તાનના બામિયાન અને હેરાતમાં યુનેસ્કો (UNESCO)ના પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું છે. તેઓ કહે છે કે, ભારતના ઇતિહાસને જોતી વખતે, આપણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે આજે આપણે જે સરહદો જોઈએ છીએ તે તે સમયે અસ્તિત્વમાં નહોતી. મગધથી લઈને ગાંધારના તક્ષશિલા સુધીનો વિસ્તાર વેપાર માર્ગો દ્વારા પહેલેથી જ જોડાયેલો હતો.
ગાંધારથી લઈને ઉત્તર અફઘાનિસ્તાનના બલ્ખ સુધીનો વિસ્તાર પણ વેપાર માર્ગો દ્વારા જોડાયેલો હતો. ઘણી વખત, આ તમામ પ્રદેશો એક જ શાસન હેઠળ હતા. એટલે, ત્યાં ભારતીય સંસ્કૃતિના અવશેષો જોવા મળે તેમાં કોઈ નવાઈ નથી. કાનિટકર એ વાત તરફ ધ્યાન દોરે છે કે બલ્ખથી પાટલિપુત્ર સુધી શાસન કરનારા કુષાણ રાજાઓના સિક્કાઓ પર ઈરાની, ભારતીય અને ગ્રીક દેવી-દેવતાઓના ચિત્રો જોવા મળે છે. તેઓ કહે છે કે, પ્રાચીન ઇતિહાસ પર નજર નાખતા જણાય છે કે કોઈ પણ બાબત સંપૂર્ણપણે અલગ કે બંધ હિસ્સામાં વહેંચાયેલી નહોતી.
અફઘાનિસ્તાનમાં પશ્ચિમથી આવેલી ઈરાની સંસ્કૃતિ, સ્થાનિક ગ્રીક રાજાઓની ગ્રીક સંસ્કૃતિ, ઉત્તરથી આવેલી મધ્ય એશિયાઈ સંસ્કૃતિ અને દક્ષિણ-પૂર્વથી આવેલી ભારતીય સંસ્કૃતિ પરસ્પર મળતી હતી. આ જ કારણ છે કે ગાર્દેઝની આ ગણેશ પ્રતિમામાં ગ્રીક અને ઈરાની કળાની અસર જોવા મળે છે.

