- Business
- અદાણીના NDTVને મોટો ઝટકો, નફો 50 ટકા ઘટ્યો, શેરના ભાવમાં ઉપલી સર્કીટ લાગી
અદાણીના NDTVને મોટો ઝટકો, નફો 50 ટકા ઘટ્યો, શેરના ભાવમાં ઉપલી સર્કીટ લાગી

અદાણી ગ્રુપની માલિકી વાળી કંપની નવી દિલ્હી ટેલીવિઝન લિમિટેડ (NDTV)ના કોન્સોલિડેટેડ પ્રોફિટમાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો થયો છે. ઓકટોબરથી ડિસેમ્બર મહિનાના પુરા થતા ત્રિમાસિક ગાળામાં NDTVનો નફો 15.05 કરોડ રહ્યો છે. જો કે પ્રોફિટમાં 50 ટકાનો ઘટાડો થવા છતા શેરના ભાવમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
NDTVએ શેરબજારોને મોકલેલી માહિતીમાં કહ્યું છે કે ડિસેમ્બર 2022ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીના કોન્સોલિટેડ પ્રોફીટમાં 49.76 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે આ સમાન ગાળામાં કંપનીનો નફો 29.96 કરોડ રૂપિયા હતો.નફામાં ઘટાડો થવાની જાહેરાત છતા બુધવારે NDTVના શેરનો ભાવ 217 રૂપિયાથી વધીને 227 રૂપિયા પર પહોંચી ગયો હતો.
મીડિયા કંપનીની ઓપરેટીગં આવકમાં ડિસેમ્બર 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં 9.44 ટકા ઘટીને 105.37 કરોડ રૂપિયા થઇ છે. ગયા વર્ષે આ જ સમાન ગાળામાં ઓપરેટીંગ આવક 116.36 કરોડ રૂપિયા હતી. જો કે 2022ના ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં NDTVનો ખર્ચ 4.93 ટકા વધીને 88.27 કરોડ થયો છે. જે ગયા વર્ષે આ ત્રિમાસિક ગાળામાં 84.12 કરોડ રૂપિયા હતો.
NDTVના શેરની 52 સપ્તાહની વધઘટ પર એક નજર નાંખીએ તો શરેનો ભાવ 573 રૂપિયાની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો છે જ્યારે સૌથી નીચો ભાવ 112 રૂપિયા હતો.
જો કે NDTV પ્રણવ રોય અને તેમના પત્ની રાધિકા રોયની માલિતીનું હતું જેને ગૌતમ અદાણીએ હજુ નવેમ્બર 2022માં જ હસ્તગત કર્યું છે. ગૌતમ અદાણીએ NDTVનો એક શેર 342.65ના ભાવે ખરીદ્યો હતો કુલ 602.30 કરોડ રૂપિયાની ડીલ થઇ હતી.
એટલે આમ જોવા જઇએ તો NDTVના જે પરિણામો જાહેર થયા છે તે ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ 3 મહિનાના સમયગાળાના છે. એટલે અદાણી ગ્રુપનું આ સમયગાળામાં યોગદાન ખાસ હતું નહીં.
હિંડનબર્ગના 24 જાન્યુઆરી 2022ના રિપોર્ટ પછી ગૌતમ અદાણીની બધી લિસ્ટેડ કંપનીઓના શેરોના ભાવ તુટ્યા હતા તેમાં NDTVના ભાવો પણ તુટ્યા હતા. પરંતુ હવે ધીમે ધીમે અદાણી ગ્રુપની કંપનીઓના શેરો ફરી રિકવર થઇ રહ્યા છે અને ફરી ઉંચાઇએ પહોંચી રહ્યા છે. NDTVના પરિણામમાં નફો ઘટવા છતા શેરનો ભાવ 5 ટકા જેટલો વધી શક્યો હતો અને ઉપલી સર્કીટ લાગી હતી