- Business
- ક્રૂડ ઓઇલની કિંમતમાં મોટો ઘટાડો, 80 ડોલર નજીક પહોંચ્યું, શું સરકાર પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટાડશે?
ક્રૂડ ઓઇલની કિંમતમાં મોટો ઘટાડો, 80 ડોલર નજીક પહોંચ્યું, શું સરકાર પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટાડશે?
વૈશ્વિક બજારમાં આજે ડબલ્યુટીઆઈ (WTI) ક્રૂડ ઓઇલનો ભાવ ઘટીને બેરલ દીઠ આશરે 80 ડોલર પર આવી ગયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પણ લગભગ 4% ના ઘટાડા સાથે બેરલ દીઠ 83.82 ડોલરની આસપાસ પહોંચી ગયું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં આ મોટો ઘટાડો તે અહેવાલો પછી આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ ગઈ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવા પર સહમતિ બની છે. આ વૈશ્વિક ઘટનાક્રમને કારણે વિશ્વભરમાં ઉર્જા પુરવઠામાં અવરોધ આવવાની ચિંતા હળવી થઈ છે અને ઇંધણના ભાવ ઘટવાની આશા જાગી છે.
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ બહારથી મગાવે છે અને તે મધ્ય પૂર્વના દેશો પર ખૂબ નિર્ભર છે. દેશમાં આયાત થતા ક્રૂડ ઓઇલ અને LPGનો એક મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈને ભારત આવે છે. આથી, ત્યાં તણાવ ઓછો થવાથી અને આ દરિયાઈ માર્ગ ફરી ખુલવાથી સપ્લાય સુધરશે અને આયાત ખર્ચ ઘટશે, જેનો સીધો ફાયદો ભારતને મળી શકે છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધતાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવમાં વધારો કર્યો હતો.

જો કે, આ સાનુકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ મુખ્ય પ્રશ્નો એ ઊભા થાય છે કે: શું ભારતમાં ખરેખર પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ ઘટશે? અને શું રોકાણકારોએ આ બદલાતા પ્રવાહને જોઈને પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો જોઈએ?
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓની આર્થિક સ્થિતિ ચોક્કસ સુધરશે, પરંતુ સામાન્ય ગ્રાહકોને ઇંધણના ભાવમાં તરત જ રાહત મળવાની શક્યતા ઓછી છે.
વેલ્થ મેનેજમેન્ટ ફર્મ 'ડિઝર્વ'ના કો-ફાઉન્ડર વૈભવ પોરવાલે જણાવ્યું હતું કે સરકાર હાલ પૂરતા રિટેલ ઇંધણના ભાવ વર્તમાન સ્તર પર જ જાળવી રાખવાનું પસંદ કરી શકે છે. તેમણે ઉમેર્યું કે, ‘જ્યારે વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવ વધ્યા હતા, ત્યારે સરકારે તેનો પૂરો બોજ ગ્રાહકો પર નાખ્યો નહોતો. તેથી, કિંમતોમાં ઘટાડો કરતા પહેલાં, સરકાર ભાવને વર્તમાન સ્તરે જ સ્થિર રાખીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભૂતકાળમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાની તક આપી શકે છે.’
બજારની સ્થિતિ દર્શાવે છે કે ભલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો હોય, પરંતુ જ્યાં સુધી આ ઘટાડો લાંબા સમય સુધી ટકી નહીં રહે, ત્યાં સુધી પેટ્રોલ, ડીઝલ અને LPGની કિંમતોમાં તાત્કાલિક કાપ મૂકવામાં આવશે નહીં.
'આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સ' ના ડાયરેક્ટર અને હેડ થોમસ સ્ટીફને પણ આ જ પ્રકારનો મત વ્યક્ત કર્યો છે. તેઓ માને છે કે ઇંધણના ભાવ નક્કી કરવા માટે તાજેતરમાં 120 ડોલરને પાર કરી ગયેલા ભાવ નહિ, પરંતુ વિવાદ શરૂ થયો તે પહેલાંની 60 થી 72 ડોલરની રેન્જ વધુ યોગ્ય માપદંડ છે.

થોમસ સ્ટીફને વિગતવાર સમજાવતા કહ્યું કે, ‘જૂના ભાવોની સરખામણીએ જોવામાં આવે તો 80 ડોલરનું ક્રૂડ હજી પણ ઘણું મોંઘું છે, જેના કારણે રિટેલ ભાવો તાત્કાલિક ઘટાડવાની આશા મર્યાદિત બની જાય છે. ક્રૂડ સસ્તું થવાનો ફાયદો સૌથી પહેલાં ઓઇલ કંપનીઓ મેળવશે, જેથી તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી પડતર કિંમત કરતાં ઓછા ભાવે ઇંધણ વેચવાને કારણે થયેલા નુકસાનને સરભર કરી શકે. આ ઉપરાંત, યુએસ ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે સ્થિતિ વધુ જટિલ બની છે. હાલમાં એક્સચેન્જ રેટ ડોલર દીઠ ₹94 થી ₹95 ની આસપાસ હોવાથી, ક્રૂડના ભાવ ઘટવા છતાં આયાત ખર્ચમાં અંશતઃ જ રાહત મળી રહી છે.’
સ્ટીફને બજારના અંદાજોને ટાંકીને જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં દર 1 ડોલરના ઘટાડા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ આશરે 50 થી 60 પૈસાનો ઘટાડો થઈ શકે છે. ‘પરંતુ વર્તમાન સ્તરે, આ ફાયદાનો ઉપયોગ પેટ્રોલ પંપ પર ભાવ ઘટાડવાને બદલે કંપનીઓની આંતરિક ખોટને પૂરી કરવા માટે થવાની સંભાવના વધુ છે.’ તેમના મતે, ઇંધણના ભાવ ઘટાડવા અંગેની સાર્થક ચર્ચા ત્યારે જ શરૂ થઈ શકે જો ક્રૂડ ઓઇલ ઘટીને 65 થી 70 ડોલરની રેન્જમાં આવી જાય અને લાંબા સમય સુધી તે સ્તરે સ્થિર રહે.
'મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીસ' ના કોમોડિટી એનાલિસ્ટ માનવ મોદીએ જણાવ્યું હતું કે, બજારમાંથી ભૌગોલિક-રાજકીય તણાવનું જોખમ ઓછું થતાં ક્રૂડ ઓઇલના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.
માનવ મોદીએ જણાવ્યું કે, ‘અમેરિકા અને ઈરાન વચ્ચે દુશ્મનાવટ ખતમ કરવા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવા માટે પ્રારંભિક સમજૂતી થઈ હોવાના અહેવાલો પછી ક્રૂડના ભાવ ઝડપથી તૂટ્યા છે. આ ઘટનાક્રમને કારણે બજારમાં જે વધારાના જોખમના નામે ભાવો ઊંચકાયા હતા તે હવા નીકળી ગઈ છે અને હવે મધ્ય પૂર્વમાંથી ઓઇલ અને એલએનજી (LNG) નો પુરવઠો ધીમે-ધીમે સામાન્ય થવાની અપેક્ષા છે.’ જો કે, તેમણે એમ પણ ઉમેર્યું કે, ‘જો હોર્મુઝમાંથી સપ્લાય યુદ્ધ પહેલાંના સ્તરે પહોંચી જશે તો વૈશ્વિક તંગીની ચિંતા દૂર થઈ જશે. પરંતુ આ સમજૂતીના અમલીકરણ દરમિયાન જો કોઈ નવી અડચણો આવશે, તો નજીકના ભવિષ્યમાં ભાવ વધુ ઘટતા અટકી પણ શકે છે.’
આ બાબતે થોમસ સ્ટીફને ચેતવણી આપતા કહ્યું કે, ‘શાંતિ સમજૂતી ભલે આશાસ્પદ હોય, પણ તે હજી સંપૂર્ણ રીતે અમલમાં આવી નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની પ્રક્રિયા હજી ચાલુ છે. જે વૈશ્વિક શિપિંગ કંપનીઓએ મહિનાઓ સુધી લાંબા રૂટ પર જહાજો દોડાવ્યા, યુદ્ધના જોખમનું પ્રીમિયમ ચૂકવ્યું અને મોંઘું નૂર (ભાડું) સહન કર્યું, તેઓ રાતોરાત પોતાના જૂના રૂટ પર પાછા નહીં ફરે. વળી, પર્સિયન ગલ્ફના જે ઉત્પાદક દેશોએ નાકાબંધી દરમિયાન ઉત્પાદન ઘટાડી દીધું હતું, તેમને સપ્લાય પુનઃસ્થાપિત કરવામાં અઠવાડિયાનો સમય લાગશે. તેથી જો આ ડીલના અમલમાં કોઈ વિલંબ થશે, તો ક્રૂડના ભાવ ફરી પાછા ઉપર જઈ શકે છે.’


આ સેક્ટર્સ અને રોકાણકારોને થશે મોટો ફાયદો
પેટ્રોલ પંપ પર ભલે સામાન્ય લોકોને તરત ફાયદો ન થાય, પરંતુ ક્રૂડ ઓઇલ સસ્તું થવાથી દેશના અર્થતંત્રના કેટલાક ચોક્કસ ક્ષેત્રો માટે મોટી તકો ઊભી થશે.
વૈભવ પોરવાલના જણાવ્યા મુજબ, જે કંપનીઓ મોટા પાયે કોમોડિટી અને કાચા માલનો ઉપયોગ કરે છે તેમને સૌથી વધુ ફાયદો થશે. કાચા માલના ભાવ ઘટવાથી આ કંપનીઓના માર્જિન પર હકારાત્મક અસર જોવા મળશે.
થોમસ સ્ટીફને આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે એરલાઇન્સ કંપનીઓને સૌથી મોટો ફાયદો થશે, કારણ કે ઇંધણ (Aviation Turbine Fuel) એ તેમના ઓપરેટિંગ ખર્ચનો બહુ મોટો હિસ્સો છે. પેઇન્ટ ઉત્પાદકોને પણ ફાયદો થશે કારણ કે ક્રૂડ ઓઇલમાંથી બનતી પ્રોડક્ટ્સ (Crude-based derivatives) તેમનો મુખ્ય કાચો માલ છે. કેમિકલ કંપનીઓ માટે કાચા માલનો આયાત ખર્ચ ઘટશે, જેનાથી તેમનો પ્રોફિટ માર્જિન સુધરશે. FMCG, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટ અને ઓટોમોબાઇલ જેવા ગ્રાહક-લક્ષી ઉદ્યોગોને નૂર અને વિતરણ ખર્ચ ઘટવાથી પરોક્ષ ફાયદો થશે.
એકંદરે, જો ક્રૂડ ઓઇલના ભાવ નીચા અને સ્થિર રહેશે તો દેશમાં મોંઘવારી અંકુશમાં રાખવામાં મદદ મળશે, લોકોની ખરીદશક્તિ વધશે અને બજારમાં વપરાશ વધવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે.

