- Gujarat
- 'મેટ્રોમોનિયલ સાઇટ પર 'આદિત્ય પટેલના નામે વિધવાઓને ફસાવતો કરીમ ઝડપાયો
'મેટ્રોમોનિયલ સાઇટ પર 'આદિત્ય પટેલના નામે વિધવાઓને ફસાવતો કરીમ ઝડપાયો
અમદાવાદમાં વિધવાઓને મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રફાઇલ બનાવીને ફસાવતો વિધર્મી ઝડપાયો છે. અમદાવાદમાં રહેતી એક વિધવા મહિલાનો મેટ્રિમોનિયલ સાઈટ પર 'આદિત્ય પટેલ' નામના વ્યકિત સાથે સંપર્ક થયો હતો. આદિત્ય પટેલે પણ પોતે વિધૂર હોવાની ઓળખ આપી હતી. પોતાને પ્લાસ્ટિકનો સારો બિઝનેસ હોવાનો અને ઉચ્ચ અભ્યાસ કર્યો હોવાનો દાવો કરાયો હતો. પાનકાર્ડ, આધારકાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ પણ આદિત્ય પટેલ નામના રજૂ કરાયા હતા. મહિલા અને આદિત્ય પટેલ 4-5 મહિના એકબીજાના સંપર્કમાં રહ્યા હતા.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ,મહિલાની આદિત્ય સાથે ફોન પર વાત થતી રહેતી હતી. એક દિવસ આદિત્યએ જ્યારે મહિલાને ફોન કર્યો ત્યારે તેના ફોન પર ટ્રૂ કોલરમાં કરીમ નામ પ્લે થતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મહિલાને શંકા જતા આદિત્યના ડોક્યૂમેન્ટ પર જે એડ્રેસ હતા તેના પર જઈ તપાસ કરતા ત્યાં આદિત્ય નામની કોઈ વ્યકિત જ રહેતી ન હોવાની જાણકારી મળી હતી. છેતરાયાનો અહેસાસ થયા બાદ મહિલાએ બેસી રહેવાના બદલે કરીમનો ભાંડો ફોડવાનું મન બનાવી લીધું હતુ અને બજરંગદળનો સંપર્ક કર્યો હતો.

બજરંગ દળ દ્વારા આદિત્ય પટેલની તપાસ કરવામાં આવી ત્યારે તેનું નામ કરીમ સિપાઈ હોવાનું અને તે કડીનો રહેવાસી હોવાનો ખુલાસો થયો. તે પોતે પરિણીત હોવા છતા વિધૂર ગણાવી વિધવા મહિલાઓને મેટ્રિમોનિયલ સાઈટ પર ફસાવતો હોવાનું સામે આવ્યું છે. આદિત્ય સામે અમદાવાદ પશ્ચિમ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. આદિત્યના કબજામાંથી આદિત્ય પટેલ નામના બોગસ ઓળખપત્રો પણ મળી આવ્યા છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજરંગ દળ દ્વારા જ્યારે તેનો મોબાઇલ ફોન તપાસવામાં આવ્યો ત્યારે મોબાઈલમાંથી મહિલાઓ સાથેના 8,000 જેટલા આપત્તિજનક ફોટા-વીડિયો પણ મળી આવ્યા છે. જેમાં કેટલીક મહિલાઓ સાથેની ચેટ પણ મળી આવી છે. કોઈ કારણોસર અત્યાર સુધી કોઈ મહિલા દ્વારા ફરિયાદ કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.

બજરંગદળના જ્વલિત મહેતાએ દાવો કર્યો છે કે, જ્યારે કરીમ ઉર્ફે આદિત્યના ફોનની તપાસ કરવામાં આવી ત્યારે અનેક મહિલાઓ સાથેની ચેટ અને કઢંગી હાલતમાં ફોટો-વીડિયો મળી આવ્યા હતા. એવો પણ દાવો કરાયો છે કે, કરીમના કબજામાંથી બોગસ પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, આધારકાર્ડ અને રાશન કાર્ડ પણ મળી આવ્યા છે. જ્વલિત મહેતાએ આક્ષેપ કરતા કહ્યું કે, આદિત્ય ઉર્ફે કરીમના મોબાઈલમાંથી 20થી વધુ મહિલાઓને પ્રોફાઈલ મળ્યા છે. તે વિધવા અને ડિવોર્સી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો.
બજરંગદળના નેતા જ્વલિત મહેતાએ કહ્યું હતું કે, મેટ્રિમોનિયલ સાઈટે પણ ધ્યાન રાખવાની જરુરિયાત છે કે, તેઓ જે પ્રોફાઈલ મૂકે છે તેને પહેલા વેરિફાઈ કરવી જરુરી છે. જે આ કિસ્સામાં ન થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે પણ અપીલ કરી છે કે,કોઈપણ મેટ્રિમોનિયલ સાઈટ કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે સંપર્ક કરતી વખતે સાવચેતી રાખવી અને તેમના દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની પૂરતી ચકાસણી કર્યા બાદ જ આગળ વધવું.
અમદાવાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તાત્કાલીક કરીમ રફીકભાઈ સિપાઈને ઝડપી પાડ્યો છે. આ પહેલા કેટલી મહિલાઓ આ રીતે ભોગ બની છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

