- Business
- ડીઝલ વેચાણને લઈને સરકારનો મોટો નિર્ણય, વ્યક્તિદીઠ હવે આટલા લીટર ડીઝલ મળશે
ડીઝલ વેચાણને લઈને સરકારનો મોટો નિર્ણય, વ્યક્તિદીઠ હવે આટલા લીટર ડીઝલ મળશે
સરકાર દ્વારા ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકો પર છૂટક પંપો (રિટેલ આઉટલેટ્સ) પરથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર આદેશ અનુસાર આવા ગ્રાહકો હવે માત્ર કંપનીઓના સ્પેશિયલ સપ્લાય ચેનલ (બલ્ક સપ્લાય) દ્વારા જ ઇંધણ મેળવી શકશે અને તેઓ આ ઇંધણનું ફરીથી વેચાણ પણ નહીં કરી શકે.
આ આદેશમાં વધુમાં જણાવાયું છે કે, છૂટક પેટ્રોલ પંપો કોઈ પણ એક ગ્રાહક અથવા વાહનને એક દિવસમાં 200 લીટરથી વધુ ડીઝલ આપી શકશે નહીં. સાથે જ આ રીતે ખરીદેલા ઇંધણનું ફરીથી વેચાણ કરવા પર પણ સખત પ્રતિબંધ રહેશે. સરકારનો આ નવો નિયમ આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે, જોકે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિયત તારીખ પહેલાં તેને રદ પણ કરવામાં આવી શકે છે.
સરકારનો આ નિયમ આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે, જોકે પરિસ્થિતિ સુધરતાં તેને વહેલો પાછો પણ ખેંચવામાં આવી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી છૂટક પેટ્રોલ પંપો પરથી ઇંધણના વેચાણમાં અસાધારણ અને મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેને નિયંત્રિત કરવા માટે આ કડક પગલું લેવાયું છે. મિડલ ઈસ્ટની તંગદિલીને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ મોંઘું થયું છે. આ દરમિયાન કંપનીઓ સીધું જે ઇંધણ ઉદ્યોગોને વેચે છે અને જે પંપ પર સામાન્ય જનતા માટે વેચાય છે, તે બંનેના ભાવમાં બહુ મોટો તફાવત આવી ગયો છે.
હાલમાં ઔદ્યોગિક ડીઝલ છૂટક પંપ પર મળતા ડીઝલ કરતાં લીટર દીઠ આશરે ₹40 જેટલું મોંઘું છે. આ જ કારણે મોટી કંપનીઓ અને વ્યાપારી એકમો પોતાના વાહનો કે પ્લાન્ટ માટે પંપ પરથી સસ્તું ડીઝલ ખરીદવા લાગ્યા હતા.
સરકારી આંકડા મુજબ ગત 27 મેના રોજ જોવા મળ્યું હતું કે ઉદ્યોગોને સીધા વેચાતા ઇંધણમાં ૨૯% નો ઘટાડો થયો હતો, કારણ કે આ તમામ ગ્રાહકો છૂટક પંપ તરફ વળ્યા હતા. સરકારનું માનવું છે કે જો ઉદ્યોગો આ રીતે પંપ ખાલી કરવા લાગશે, તો સ્થાનિક સ્તરે અછત ઊભી થઈ શકે છે અને સામાન્ય માણસની રોજીંદી જરૂરિયાતો તેમજ આવશ્યક સેવાઓને મોટી અસર પહોંચી શકે છે.

ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે તાજેતરમાં જ સરકારે અલગ-અલગ હપ્તામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટર દીઠ આશરે ₹7.5નો વધારો કર્યો છે. આ વધારા છતાં ભારતની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) હજુ પણ મોટી ખોટનો સામનો કરી રહી છે. હાલની સ્થિતિએ કંપનીઓને ડીઝલ પર લીટર દીઠ આશરે ₹30 ની ખોટ થઈ રહી છે. પેટ્રોલ પર લીટર દીઠ આશરે ₹6 ની ખોટ થઈ રહી છે.
બીજી તરફ, સરકારી પ્રોવિઝનલ ડેટા અનુસાર એપ્રિલ અને મે મહિનાની વચ્ચે દેશમાં ઇંધણના વપરાશમાં પણ મોટો વધારો થયો છે. ઔદ્યોગિક અને છૂટક બંને વપરાશ મેળવીને આ બે મહિનામાં ડીઝલના વપરાશમાં આશરે 4.7% અને પેટ્રોલના વપરાશમાં આશરે 6% નો ઉછાળો નોંધાયો છે. આ વધતા વપરાશ અને ખોટ વચ્ચે બજારમાં ઇંધણની સપ્લાય સરખી જાળવી રાખવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે.

