- Business
- એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો
એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો
જાપાને ભારતમાંથી આયાત થતી કેરીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. તેનું કારણ એ છે કે ભારતમાં કેરીને જીવાત અને ચેપથી બચાવવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાં ખામીઓ મળી આવી હતી. જાપાનના આ નિર્ણયથી અલ્ફોન્સો, કેસર, લંગડા અને બંગનાપલ્લી જેવી પ્રખ્યાત ભારતીય કેરીની જાતો પર અસર પડી છે, જેની જાપાની બજારમાં સારી માંગ રહે છે. આ પ્રતિબંધ એવા સમયે આવ્યો છે જ્યારે કેરીની નિકાસ સામાન્ય રીતે ચરમસીમાએ હોય છે.
જાપાનના યોકોહામા પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશને એક સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે કે 25 માર્ચ, 2026ના રોજ અથવા તે પછી ભારત દ્વારા જાહેર કરાયેલ નિરીક્ષણ પ્રમાણપત્રો સાથેની કેરીઓ હવે સ્વીકારવામાં આવશે નહીં. જાપાને સ્પષ્ટપણે કહ્યું છે કે આ પ્રતિબંધ ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી ભારતીય કેન્દ્રો તેમની કાર્યકારી પ્રક્રિયાઓ અને ગુણવત્તામાં સુધારે નહીં.
જાપાને ખામીઓ કેવી રીતે શોધી કાઢી?
જાપાનનું કહેવું છે કે ભારતના અમુક કેન્દ્રો પર જીવાત અને ચેપથી કેરીના રક્ષણ અંગેના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. અહેવાલો અનુસાર માર્ચ 2026માં, જાપાની અધિકારીઓએ ઉત્તર પ્રદેશના રહેમાનપુરમાં સ્થિત વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT) કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. VHT એક એવી પ્રક્રિયા છે જેમાં કેરીને ગરમ અને ભેજવાળી હવામાં રાખવામાં આવે છે, જેથી તેમાં રહેલી કોઇ પણ જીવાતોનો નાશ થાય અને ફળ નિકાસ માટે સલામત રહે. પરંતુ, તાજેતરના નિરીક્ષણ દરમિયાનના સ્વચ્છતા અને જીવાત નાબૂદી પ્રોટોકોલમાં ઘણી ખામીઓ જોવા મળી હતી, જેના કારણે જાપાને ભારતમાંથી કેરીની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો.
પ્રીમિયમ ભારતીય કેરીઓ પર જોખમ!
આ નિર્ણયની સૌથી વધુ અસર તે ભારતીય કેરીની જાતો પર પડી છે જેની જાપાનમાં સારી માંગ રહે છે. આમાં અલ્ફોન્સો, કેસર, લંગડા અને બંગનપલ્લી જાતોનો સમાવેશ થાય છે. 2025-26 સીઝન દરમિયાન, ગુજરાતની કેસર કેરી જાપાનમાં નિકાસ કરવામાં આવતી ભારતીય કેરીની જાતોમાં સૌથી આગળ રહી. મનીકન્ટ્રોલના એક અહેવાલ મુજબ, તાજી અને પ્રોસેસ્ડ કેરીની નિકાસ આશરે 1.54 મિલિયન ડૉલર (આશરે ₹14.73 કરોડ) જેટલી હતી, જેમાં એકલા કેસર કેરીનો હિસ્સો લગભગ 0.2 મિલિયન ડૉલર (આશરે ₹2 કરોડ) જેટલો હતો.
જોકે, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)ના ડેટા અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વૈશ્વિક સ્તરે આશરે 29,938 મેટ્રિક ટન તાજી કેરીની નિકાસ કરી હતી, જેની કુલ કિંમત 56.5 મિલિયન ડૉલર (આશરે ₹537 કરોડ) હતી. ભારતના સૌથી મોટા બજારો UAE, US, UK, કુવૈત અને કતાર હતા, જ્યારે જાપાન ટોચના ખરીદનાર દેશોની યાદીમાં સામેલ નહોતું.એટલે કે જાપાન મોટો બજાર નથી, પરંતુ ભારતીય કેરીઓવી એક અલગ ઓળખ અને પ્રીમિ વેલ્યૂ માનવામાં આવે છે.
આ પહેલી વાર નથી જ્યારે જાપાને ભારતીય કેરી પર પ્રતિબંધ લાદ્યો હોય. અગાઉ, 1986માં, જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે જાપાનને ડર હતો કે કેરીના શિપમેન્ટ દ્વારા ફળની માખીઓ જેવા જીવાત દેશમાં પહોંચી શકે છે. આ પ્રતિબંધ લગભગ 20 વર્ષ સુધી અમલમાં રહ્યો. ત્યારબાદ, ભારતે વૈજ્ઞાનિક નિરીક્ષણ, સર્વેક્ષણો અને સલામતી પ્રક્રિયા પૂર્ણ કરી, જેના પગલે જાપાને 2006માં પ્રતિબંધ ઉઠાવી લીધો. તે સમયે, જાપાને અલ્ફોન્સો, કેસર, લંગડા, ચૌસા અને અન્ય ભારતીય કેરીની જાતોની આયાત માટે પરવાનગી આપી હતી.

