આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા
રાજસ્થાનના અજમેર જિલ્લાના બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીરામપુરા ગામમાં એક કૌટુંબિક વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. અહીં, એક મહિલાએ તેના બે બાળકો સાથે મળીને પોતાના જ પતિ, સાસુ અને તેના પતિની બીજી પત્ની અને અન્ય એક સંબંધીનો જીવ લઇ લીધો. ઘટનાને અંજામ આપ્યા બાદ, આરોપીએ પુરાવાનો નાશ કરવાના પ્રયાસમાં 4 મૃતદેહોને કારમાં રાખીને આગ લગાવી દીધી. પોલીસે થોડા કલાકોમાં જ આ જઘન્ય હત્યાનો કેસ ઉકેલી નાખ્યો.
અજમેરના SP હર્ષવર્ધને જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે શ્રીરામપુરા ગામમાં ઘરથી આશરે 500 મીટર દૂર મુખ્ય માર્ગ પર એક કાર સળગી રહી છે, જેમાં ચાર મૃતદેહો છે. આ માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. મૃતકોની ઓળખ માજી સરપંચ રામ સિંહ, તેની માતા પુસી દેવી, રામ સિંહની બીજી પત્ની સુરજ્ઞાન અને તેની ફોઇ મહિમાના રૂપમાં થઇ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રામ સિંહનો તેની પહેલી પત્ની સુનિતા સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને એક જ ઘરમાં રહેતા હતા, અને વારંવાર બોલાબોલી થતી રહેતી હતી. બુધવારે મોડી સાંજે પરિવારમાં વિવાદ થયો હતો, જેના પગલે પરિસ્થિતિએ હિંસા સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
પોલીસ તપાસ મુજબ, સુનિતાએ તેની પુત્રી સરિતા અને સગીર પુત્ર સાથે મળીને આ ગુનો કર્યો હતો. એવો આરોપ છે કે ત્રણેય લોકોએ રામ સિંહ, તેની માતા, તેની બીજી પત્ની અને તેમના સંબંધી મહિમા પર તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો, જેમાં ચારેયના જીવ જતા રહ્યા હતા. હત્યાઓ બાદ, સમગ્ર ઘરમાં અફરાતફરી મચી ગઇ અને ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું હતું.
આ ઘટનાને અકસ્માત બતાવવા માટે, આરોપીઓએ મૃતદેહોને ઘરથી દૂર લઈ જઇને તેનો નિકાલ કરવાની યોજના બનાવી. ચારેય મૃતદેહો રામ સિંહની કારમાં મૂકવામાં આવ્યા હતા, જેને પછી ઘરથી થોડે દૂર લઈ જઈને આગ લગાવી દેવામાં આવી હતી. આરોપીનો પ્રયાસ હતો કે હત્યાઓને આકસ્મિક દુર્ઘટના અથવા આગ લાગી જવાનો કેસ બતાવવાનો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવા માટે વિવિધ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. FSL અને MOB ટીમોએ ઘટનાસ્થળેથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા હતા, અને સમગ્ર ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
SP હર્ષવર્ધને જણાવ્યું હતું કે સ્થાનિક ગ્રામજનોએ કેસને ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગ્રામજનો દ્વારા મળેલી નાની-મોટી વિગતોને જોડતા, પોલીસે તેમની તપાસમાં કડીઓ મજબૂત કરી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા હાંસલ કરી.
ત્વરિત કાર્યવાહી કરતા પોલીસે મુખ્ય આરોપી સુનિતા, તેની પુત્રી સરિતા અને તેના સગીર પુત્રને કસ્ટડીમાં લીધા છે. હાલમાં ત્રણેયની ઘટના અંગે સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ કરી રહી છે, અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

