- Education
- શું ડમી સ્કૂલિંગ કરતા વિદ્યાર્થીઓ ધો. 12 બોર્ડની પરીક્ષા નહીં આપી શકે?
શું ડમી સ્કૂલિંગ કરતા વિદ્યાર્થીઓ ધો. 12 બોર્ડની પરીક્ષા નહીં આપી શકે?
ગુજરાત અને દેશભરમાં આજે એક મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે. એક બાજુ દરેક વાલી પોતાના બાળકને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માંગે છે. અને આ માટે NEET અને JEE જેવી પરીક્ષાઓ આપવી અનિવાર્ય બની ગઈ છે. બીજી બાજુ આ પરીક્ષાઓ એટલી અઘરી અને સ્પર્ધાત્મક બની ગઈ છે કે માત્ર સ્કૂલના ભણતરથી તેમાં સફળ થવું લગભગ અશક્ય લાગે છે. માત્ર એક પ્રશ્નનો જવાબ ખોટો જાય તો રેન્કમાં મોટો ફેરફાર આવી શકે છે. એક પ્રમાણમાં હોશિયાર વિદ્યાર્થી પણ ફુલ ટાઈમ તૈયારી વગર આ એન્ટ્ર્ન્સ ટેસ્ટમાં સારા માર્ક્સ લાવી શકતો નથી.
આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી એક નવો રસ્તો નીકળ્યો છે — ડમી સ્કૂલિંગ. જ્યાં વિદ્યાર્થીનું નામ સ્કૂલમાં નોંધાયેલું હોય છે, પરંતુ તેના સમયનો મોટો ભાગ એન્ટ્રન્સ એક્ઝામના કોચિંગ ક્લાસમાં જાય છે. સ્કૂલમાં હાજરી ફક્ત પ્રેક્ટિકલ કે ફોર્માલિટી માટે જ રહે છે. આ પરિસ્થિતિની જાણ સીબીએસઇ અને રાજ્ય બોર્ડોને છે. તે માટે સીબીએસઇ સક્રિય પણ છે. તે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવા જઇ રહી છે.

કાયદા મુજબ CBSE અને ગુજરાત બોર્ડ બંનેમાં બોર્ડની પરીક્ષામાં બેસવા માટે કુલ 75% હાજરી ફરજિયાત છે. કેટલાક ખાસ કિસ્સાઓમાં મેડિકલ કારણોસર બોર્ડ 25 ટકા સુધીની છૂટછાટ આપે છે. પરંતુ હકીકત કંઇક જુદી જ છે. ઘણી સ્કૂલ્સમાં 75 ટકા હાજરીના આ નિયમોન અભરાઇએ ચડાવી દીધા છે. આ પરિસ્થિતિ વકરે તે પહેલા સીબીએસઇ એક્શનમાં આવી છે. તાજેતરમાં CBSE દ્વારા થયેલી રેડ અને એક્શન પછી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૂંચવણ વધી છે.
સીબીએસઇના સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ટૂંક જ સમયમાં સીબીએસઇ બોર્ડ તેના પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. બોર્ડ દ્વારા કરાતા ચેકિંગ વખતે જો વિદ્યાર્થી ગેરહાજર મળી આવે તો તેને ધો. 12 બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આવી સ્કૂલો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવા નિયમો લાવવાની તૈયારી છે. આવા વિદ્યાર્થીઓએ પછીથી એનઆઇઓએસ એટલે કે ઓપન સ્કૂલિંગમાંથી પરીક્ષા આપવી પડશે. સીબીએસઇ બોર્ડ પરીક્ષા આપવા નહીં દે. જો આવા નિયમો આવ્યા તો હાલ ડમી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું શું થશે. સીબીએસઇની આ તૈયારીના ન્યૂઝ આપવા જ ડમી સ્કૂલિંગ કરતા વાલી-વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
બીજી તરફ જો આપણે ગુજરાત બોર્ડની વાત કરીએ તો આપણું શિક્ષણ વિભાગ આવા ડમી મોડલ પર ખાસ કોઈ કાર્યવાહી જોવા મળતું નથી. એટલે કદાચ એવું થઇ શકે કે સીબીએસઇની ડમી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અટવાઇ જાય અને ગુજરાત બોર્ડની ડમી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને કોઇ વાંધો નહીં આવે. એટલે એક જ રાજ્યમાં બે અલગ અલગ વાસ્તવિકતા સર્જાઈ શકે છે.

આ સ્થિતિ વચ્ચે હાલમાં જુદી જુદી સ્કૂલ્સ પોતપોતાના રીતે રસ્તો કાઢી રહી છે. ગુજરાત બોર્ડની ઘણી સ્કૂલ્સમાં ખુલ્લેઆમ ડમી સ્કૂલિંગ ચાલે છે. CBSE સ્કૂલ્સ “સેમી ડમી” મોડલ અપનાવી રહી છે — જેમાં વિદ્યાર્થી થોડા કલાકો માટે સ્કૂલમાં આવે છે અને અઠવાડિયામાં થોડા દિવસ હાજરી આપે છે. કેટલીક સ્કૂલ્સમાં ઇન્ટિગ્રેટેડ મોડલ શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં બોર્ડ અને એન્ટ્રન્સ બંનેની તૈયારી સાથે થાય.
પરંતુ અહીં મૂળ પ્રશ્ન કંઈક બીજો જ છે. કાયદો કંઈક કહે છે અને પ્રેક્ટિસ કંઈક બીજી છે. અને આ ગેરસમજણ વચ્ચે સૌથી વધુ નુકસાન કોને થાય છે? તે વિદ્યાર્થીને જે નિયમોનું પાલન કરે છે. જે 75% હાજરી રાખે છે, જે સ્કૂલમાં નિયમિત આવે છે — તે ઘણીવાર સ્પર્ધામાં પાછળ રહી જાય છે, જ્યારે નિયમ તોડનાર આગળ નીકળી જાય છે. એટલે જે કાયદાનું પાલન કરશે તેને નુક્સાન થશે અને જે મનમાની કરશે તેને ફાયદો થશે.
તો હવે સવાલો ઊભા થાય છે. શું ડમી સ્કૂલિંગ કાયદેસર છે ખરી ? શું માત્ર 3 કલાકમાં બોર્ડની પરીક્ષા માટેનું પૂરું ભણતર થઈ શકે? શું ડમી સ્કૂલ્સ બંધ થશે? અને સૌથી મહત્વનું — શું આપણે બાળકોને શિક્ષિત કરી રહ્યા છીએ કે ફક્ત એક પરીક્ષા માટે ટ્રેઇન કરી રહ્યા છીએ?
આ સમસ્યાનો ઉકેલ ‘હા’ કે ‘ના’માં નથી. કારણ કે હકીકત એ છે કે ડમી સ્કૂલિંગ મોડેલ ગેરકાયદેસર હોવા છતાં એક મજબૂરી તરીકે ઉભું થયું છે. જો સરકાર તેને સંપૂર્ણપણે બંધ કરવા માંગે છે તો તેના બદલે એક વાસ્તવિક વિકલ્પ આપવો પડશે. ઇન્ટિગ્રેટેડ સ્કૂલિંગને સત્તાવાર માન્યતા આપવી પડશે, જ્યાં સ્કૂલ અને કોચિંગ વચ્ચેનો વિસંગતતા દૂર થાય. અને જો એવું શક્ય ન હોય, તો પછી આ અડધી અમલવારી — જ્યાં કાયદો એક છે અને પ્રેક્ટિસ બીજી — તે બંધ કરવી પડશે.
આજે સૌથી મોટો ખતરો ડમી સ્કૂલિંગ નથી. સૌથી મોટો ખતરો છે અસમાનતા. જ્યાં એક બાળક નિયમો પાળે છે અને પાછળ રહી જાય છે, અને બીજું નિયમ તોડીને આગળ વધી જાય છે. અને અંતમાં એક જ વિચાર મનમાં આવે છે —શું આપણે બાળકોને જીવન માટે તૈયાર કરી રહ્યા છીએ… કે ફક્ત એક રેટ રેસ માટે?

