- Gujarat
- કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લ...
કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...
ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ પ્રેમ લગ્નને કારણે છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી લેવાના આક્ષેપ સાથે કાજલ મહેરિયાના પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેના પગલે મહેરિયા સમાજ અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. 19 એપ્રિલે મહેરિયા પરિવાર સહિત સમાજના 70 જેટલાનું ટોળું કાજલની સાસરી શેરથા પહોંચી જતા પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, કાજલના ભાઈ સંદિપ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે. જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે. બંનેએ 6 મહિના અગાઉ લગ્ન કર્યા હતા, તેનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. જેમાં મેરેજ સર્ટિફિકેટ મુજબ 10 ઓક્ટોબર, 2025ના કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલે મહેરિયા પરિવાર અને સમાજના લોકો અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતાં. જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યાં હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા છે. 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કર્યા હતા. કાજલની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું હતું કે, ‘કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ સોશિયલ મીડિયા મારફતે વીડિયોમાં જણાવ્યું છે કે, મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેરથા ગામમાં ગયા હતા. હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી, ત્યાં ગયા એટલે અમે કહ્યું કે ભાઈ મારી છોકરી અમને સોંપી દો એટલે અમને અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતા.’
https://www.instagram.com/reel/DXXaNVuDAub/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
શારદાબેન મહેરિયાએ કહ્યું કે, ‘મારી સમાજને અને મારી અઢારે આલમને મારી એટલી જ નમ્ર વિનંતી કે મારી છોકરી એક સિંગર છે. હવે કઈ રીતે આ બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. આ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહ્યો છે. તો મારી દલિત સમાજ અને અઢારે આલમને અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો.’
જ્યારે અલ્પેશ ઠાકોરના માતા તારાબેન ઠાકોરે ગઈકાલે એક પ્રાઈવેટ મીડિયાને જણાવ્યું હતું કે, ‘છોકરી પાછી લઈ જવા માટે બે ગાડીઓ ભરીને માણસો આવ્યા હતા. મેં તેમને કહ્યું કે, તમારી છોકરી પાછી આવતી હોય તો લઈ જાઓ, અમે અમારો છોકરો વાળી લઈએ, પરંતુ તમારી છોકરી જવા માંગતી નથી.’
કાજલ મહેરિયાના જેની સાથે લગ્ન થયા એ અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે 20 એપ્રિલે જણાવ્યું હતું કે, કાલે (19 એપ્રિલ) 20-25 લોકો આવ્યા હતા. તમારા છોકરાને બોલાવો અને પાછો વાળી લો અને અમારી છોકરી ભલે મરી જતી. અમે ફરિયાદ નોંધાવી છે. 6-7 મહિનાથી અમદાવાદમાં સાથે રહે છે. હાલ આ મામલે કાજલ-અલ્પેશનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
ત્યારબાદ આજે એટલે કે 21 એપ્રિલના રોજ, લોકગાયિકા કાજલ મહેરિયાએ વીડિયોના માધ્યમથી ખુલાસો કર્યો છે. કાજલના જણાવ્યા અનુસાર, તેણે અલ્પેશ સાથેના દોઢ વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. આ સાથે જ તેણે ધમકી આપનારાઓ અને અભદ્ર ટિપ્પણી (કોમેન્ટ) કરનારાઓને ચેતવણી આપી છે કે, હવે તે કોઈ જવાબ નહીં આપે, પરંતુ ન્યાયતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરશે.
કાજલે પોતાની વાત ‘જય હિન્દ, જય ભીમ, જય વિહત મા!’થી શરૂ કરી હતી. તેણે કહ્યું કે, ‘હું લોકગાયિકા કાજલ મહેરિયા. ઘણા સમયથી ચર્ચાનો જે મુદ્દો છે, જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારેય રજૂઆત નથી કરી. પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે આ વીડિયોના માધ્યમથી જણાવું છું કે ગત 10-10-2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વસ્થ અવસ્થામાં, ભારતીય સંવિધાનના નિયમો અનુસાર અને ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ ધાક-ધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા દોઢ વર્ષથી હતું. આ વાતની જાણ મેં મારા પરિવારને કરી હતી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી અને મહત્ત્વપૂર્ણ નિર્ણય મેં મારી જાતે લીધો છે. એ બાબતે મારો પહેલો ગણો કે છેલ્લો ગણો, જવાબ આજ રહેશે અને આ જ હશે.’
તેણે કહ્યું કે, ‘તો ખાસ જણાવું છું કે અમે બંને રાજીખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મપ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માંગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહીશ એનું કારણ કે હું સનાતની છું. અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ-અલગ ધમકીઓ મારી નાખવાની, ઉપાડી લેવાની... આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જે કંઈ પણ બોલી અને ધમકીઓ આપી છે, એ બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વીડિયો દ્વારા જણાવું છું.’
કાજલે કહ્યું કે, ‘આ જ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ, આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પરંતુ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભીમ, જય વિહત મા!’
આ અંગે ગાંધીનગરમાં સૂત્રોએ જણાવ્યું કે, ચારેક દિવસ બાદ કાજલનો પ્રોગ્રામ મહેસાણાના વિજાપુર ખાતે યોજાશે. ત્યારબાદ આવતા મહિને કાજલ ઓસ્ટ્રેલિયા જવાની છે. અડાલજ પોલીસ મથકના PI એસ.જી.દેસાઈએ જણાવ્યું કે, કાજલ મહેરિયાના લગ્નનું સર્ટિફિકેટ 20 એપ્રિલે મળી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, કિંજલ દવે, આરતી મહેરિયા, કિંજલ રબારી જેવી સુપરસ્ટાર ગાયિકાઓ બાદ હવે કાજલ મહેરિયાના અંગત જીવનના વિવાદે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. એક તરફ ચાહકો આને કાજલનો અંગત નિર્ણય ગણાવી રહ્યા છે. તો બીજી તરફ મહેરિયા પરિવાર આને સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવી વિરોધ કરી રહ્યો છે. હાલ કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
કોણ છે કાજલ મહેરિયા
કાજલ મહેરિયા મૂળ વિસનગરના ગોઠવા ગામની વતની છે, જેનો જન્મ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે. કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતમાં લોકગાયિકા તરીકે સારી એવી ખ્યાતિ ધરાવે છે. તે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. તે લોકગીતો, ભજન કે લગ્ન ગીતો ઉપરાંત હાલના નવા ગુજરાતી ગીતોને તેનો અવાજ આપીને સુમધુર બનાવી દે છે.
કાજલના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. જ્યારે કાજલ મહેરિયાના ‘મળ્યાં માના આશીર્વાદ’ સોંગે ગુજરાતમાં ધૂમ મચાવી હતી. જે સમયે કાજલે આ સોંગ ગાયું ત્યારબાદ કાજલ ગુજરાતમાં ફેમસ થઈ ગઈ હતી.

