- National
- 11 વર્ષ પછી મા જીવતી પાછી મળી, શ્રાદ્ધ કરી ચૂકેલા પુત્રો DJ બોલાવીને નાચ્યા
11 વર્ષ પછી મા જીવતી પાછી મળી, શ્રાદ્ધ કરી ચૂકેલા પુત્રો DJ બોલાવીને નાચ્યા
બાગપતના દોઝા ગામમાં એક સાંજ લોકો કદાચ ક્યારેય ભૂલી શકશે નહીં. આથમતો સૂર્ય, ગામની શેરીઓમા ખુબ હલચલ અને એક ઘરની બહાર જોરથી વાગતું DJ... આ ઉજવણીમા આનંદ, આશ્ચર્ય અને એક ચમત્કારના આંસુ નીકળી રહ્યા હતા, જેણે આખા ગામને લાગણીથી તરબોળ કરી દીધું હતું. જે માતા 11 વર્ષ પહેલાં આ દુનિયામાંથી જતી રહી હોવાનું માનવામાં આવતું હતું... જેમનું શ્રાદ્ધ પણ કરી નાખવામાં આવ્યું હતું... તે અચાનક જીવતી ઘરે પાછી આવી.
આ 80 વર્ષીય લીલાવતીની વાર્તા છે... એક માતા જેના જીવનમાં એક એવો વળાંક આવ્યો, જે સાંભળીને ગામના દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. વર્ષ 2015 હતું... ફેબ્રુઆરી મહિનો. દોઝા ગામમાં લીલાવતીના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. 9 ફેબ્રુઆરીએ તેના પતિનું અવસાન થયું. ઘરનો પરિવાર શોક્ગ્રસ્ત હતો. પરિવાર આ ઊંડા આઘાતમાંથી માંડ માંડ બહાર આવ્યો હતો, ત્યારે ત્રણ મહિના પછી બીજી ઘટના બની. લીલાવતી અચાનક ગાયબ થઈ ગઈ.

શરૂઆતમાં તો પરિવારને લાગ્યું કે તે ક્યાંક આજુ બાજુમાં ગઈ હશે, પરંતુ જેમ જેમ કલાકો દિવસોમાં અને દિવસો અઠવાડિયામાં બદલાતા ગયા, તેમ તેમ તેમની ચિંતા વધતી ગઈ. દીકરાઓ, પુત્રવધૂઓ અને સંબંધીઓ, બધા તેને શોધવા નીકળ્યા. ગામે ગામ, પછી શહેર, સંબંધીઓના ઘરે, હોસ્પિટલો અને ત્યાં સુધી કે, આસપાસના જિલ્લાઓમાં પણ શોધખોળ કરવામાં આવી, પરંતુ લીલાવતીની કોઈ ખબર મળી નહીં.
જ્યારે મહિનાઓ સુધી શોધખોળ કરવાથી કંઈ મળ્યું નહીં, ત્યારે પરિવારની આશા ધીમે ધીમે તૂટવા લાગી હતી. જ્યારે તેઓ જે પણ દરવાજો ખટખટાવતા હતા ત્યાંથી નિરાશા જ હાથ લાગતી હતી, ત્યાર પછી થાકી હારીને આખરે તેમણે સ્વીકાર્યું કે લીલાવતી હવે આ દુનિયામાં નથી રહી.
તેઓના દિલ ભારે થઇ ગયા, પરંતુ પરંપરાઓનું પાલન તો કરવાનું જ હતું. પરિવારે ભારે હૃદયથી તેનું શ્રાદ્ધ કરી દીધું. તે દિવસે ઘરમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો હતો, જાણે કોઈએ તેમની આશાનું છેલ્લું કિરણ ઓલવી નાખ્યું હોય.
સમય પસાર થતો ગયો...દિવસો મહિનાઓમાં, મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા...અને ધીમે ધીમે, જીવન તેની ગતિ પકડવા લાગ્યું. પરંતુ દિલના કોઈક એક ખૂણામાં ક્યાંક, તેમની માતાની યાદ જીવંત રહી હતી.
આ બાજુ, હજારો કિલોમીટર દૂર, જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં, એક અલગ જ વાર્તા ચાલી રહી હતી. એક દિવસ, ભારતીય સેનાના સૈનિકોને એક ત્યજી દેવાયેલી હાલતમાં એક વૃદ્ધ મહિલા મળી. તે કમજોર પડી ગઈ હતી, થાકેલી હતી અને પોતાની ઓળખ આપી શકતી ન હતી. પરંતુ સૈનિકોએ તેને એને એમ જ છોડી ન દીધી. તેઓએ તેની સંભાળ રાખી, તેને ખાવાનું આપ્યું, તબિયતની સાર સંભાળ રાખી, અને સૌથી અગત્યનું, તેની ઓળખ શોધવાનો પ્રયાસ શરૂ કર્યો.
દિવસોની સખત મહેનત અને સતત પ્રયાસો પછી, તેની ઓળખ ધીમે ધીમે બહાર આવતી ગઈ, તે બીજું કોઈ નહીં પણ ઉત્તર પ્રદેશના બાગપતની રહેવાસી લીલાવતી હતી.
પછી તે ક્ષણ આવી જેણે બધું બદલી નાખ્યું. સૈન્યના સૈનિકોએ લીલાવતીના પરિવારનો સંપર્ક કર્યો. ફોનની ઘંટડી વાગી, અને બીજી બાજુથી સમાચાર આવ્યા, તેની માતા સુરક્ષિત છે.
પરિવારને શરૂઆતમાં તો વિશ્વાસ ન બેઠો. જે સ્ત્રીને તેઓ મૃત માનતા હતા અને બધી ધાર્મિક વિધિઓ કરી હતી અને તે જીવતી છે. જ્યારે સત્ય બહાર આવ્યું, ત્યારે તેમના આનંદનો કોઈ પાર નહોતો.
પરિવાર તરત જ રાજૌરી જવા રવાના થયો. તેમના દિલમાં હજાર પ્રશ્નો, આંખોમાં આશા અને ભય પણ હતો, શું તેઓને ખરેખર તેમની માતા મળશે? અને પછી તે ક્ષણ આવી. લીલાવતીને જોતાં જ, દરેકની આંખોમાં આંસુ આવી ગયા. 11 વર્ષ પછી, તેમની માતા ત્યાં સામે હતી. સમય જાણે સ્થિર થઈ ગયો હોય તેવું લાગતું હતું. લીલાવતીએ પણ તેના પુત્રોને ઓળખી લીધા, બસ પછી તો શું, તે ક્ષણે બધી પીડા અને વર્ષોની જોયેલી રાહનો અંત આવ્યો.
જ્યારે લીલાવતી તેના ગામ, દોઝા પરત ફર્યા, ત્યારે દ્રશ્ય સંપૂર્ણપણે અલગ હતું. સમાચાર ફેલાઈ ગયા, તેની માતા પાછી આવી ગઈ હતી. ગામલોકો ભેગા થયા. ઘરની બહાર એક DJ વગાડવાનું શરૂ કર્યું. દીકરાઓ, પુત્રવધૂઓ અને પૌત્રો, બધા ખુશ થઈને નાચવા લાગ્યા. આંસુઓ વચ્ચે હાસ્ય હતું, પીડા પછીની આ ઉજવણી. 80 વર્ષીય લીલાવતી પોતે પણ ઉજવણીમાં જોડાઈ. તે હસતી હતી અને નાચતી હતી... જાણે જીવને તેને બીજી તક આપી હોય.
લીલાવતીનો પૌત્ર બિલ્લુએ બતાવ્યું કે, તેની દાદી 11 વર્ષ પહેલાં ગુમ થઈ ગઈ હતી. 'અમે તેમને મૃત માની લીધી હતી અને શ્રાદ્ધ પણ કરી નાખ્યું હતું. જ્યારે અમને લશ્કરી જવાનો તરફથી ફોન આવ્યો કે તે જીવિત છે, ત્યારે અમે વિશ્વાસ કરી શક્યા નહીં. આજે, અમે ખૂબ ખુશ છીએ.' તેમના પુત્ર સતીષ કહે છે, 'જ્યારે અમને ખબર પડી કે, અમારી માતા જીવિત છે, ત્યારે અમે તરત જ રાજૌરી દોડી ગયા. માતાએ અમને ઓળખી લીધા... હું તે ક્ષણને શબ્દોમાં વર્ણવી શકતો નથી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી.'
આ વાર્તામાં સેનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સૈનિકોએ વૃદ્ધ મહિલાની સંભાળ રાખી અને તેને તેના પરિવાર સાથે ફરીથી મેળવી દીધી. તે માનવતાનું સૌથી સુંદર ઉદાહરણ હતું.
ક્યારેક જીવન એક એવો વળાંક લે છે, જ્યાં એવું લાગતું હોય કે બધું સમાપ્ત થઈ ગયું છે... પરંતુ ક્યાંક, એક નવી શરૂઆત આપણી રાહ જોતી હોય છે. લીલાવતીનું પુનરાગમન સાબિત કરે છે કે, કેટલીક વાર્તાઓ ક્યારેય સમાપ્ત થતી નથી... તે સમય સાથે ફરી જીવંત થાય છે.

