- Entertainment
- આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી
આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી
ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ જયના હવે ગ્લેમરની દુનિયામાં પદાર્પણ કરી રહી છે. સંસ્કૃતિ આગામી ફિલ્મ 'કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ' (Krishnavataram Part 1: The Heart) માં મુખ્ય ભૂમિકા સાથે બોલિવૂડમાં પોતાનું ભવ્ય ડેબ્યૂ કરવા જઈ રહી છે.
ફિલ્મમાં સંસ્કૃતિ જયના 'સત્યભામા'નું મહત્વનું પાત્ર ભજવી રહી છે. સંસ્કૃતિ એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેના માતા અનાર પટેલ એક જાણીતા સોશિયલ આંત્રપ્રિન્યોર છે, જેઓ 'ક્રાફ્ટરૂટ્સ' અને 'ગ્રામશ્રી' જેવી સંસ્થાઓ દ્વારા મહિલા સશક્તિકરણ અને કારીગરો માટે કાર્યરત છે.

ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા બાદ અનાર પટેલે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી નોંધ શેર કરી હતી. તેમણે લખ્યું કે ‘મારું હૃદય અપાર કૃતજ્ઞતા અને ઊંડી લાગણીઓથી ભરાઈ આવ્યું છે. આ ક્ષણ પાછળ અગણિત સંઘર્ષો, અતૂટ સમર્પણ અને અતૂટ વિશ્વાસ રહેલો છે. એક માતા તરીકે, મેં તેના દરેક ઉતાર-ચઢાવ અને પડકારોને હિંમત અને ગરિમા સાથે જોયા છે.’
સંસ્કૃતિ અગાઉ આદિત્ય સીલ સાથે મ્યુઝિક વીડિયો 'રૂપ રાધા કા'માં જોવા મળી હતી. જોકે, 'કૃષ્ણાવતારમ' સાથે તેનું જોડાણ માત્ર અભિનય પૂરતું મર્યાદિત નથી. મળતી માહિતી મુજબ, આ ફિલ્મના પ્રોડક્શનમાં સંકળાયેલી એક સંસ્થા 'અથાશ્રીકથા મોશન પિક્ચર્સ LLP' છે, જેની સાથે તેનું જોડાણ હોવાનું મનાય છે.

સામાન્ય રીતે આવી ભવ્ય અને મોટા બજેટની ફિલ્મો મુંબઈની ફિલ્મ સિટી અથવા હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં શૂટ થતી હોય છે. પરંતુ 'કૃષ્ણાવતારમ' આ બાબતમાં અપવાદ છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના વિસનગર નજીક આવેલા એક વિશાળ મેદાનમાં કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ અને તેના માતા અનાર પટેલે વિસનગરમાં શૂટિંગ પ્રક્રિયા કોઈપણ અવરોધ વગર સરળતાથી પૂર્ણ થાય તે માટે વિશેષ પ્રયત્નો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, વિસનગરની જે જગ્યાએ શૂટિંગ થયું છે તે સ્થળ અત્યારે ગૂગલ મેપ્સ પર 'અથાશ્રીકથા સ્ટુડિયો' (Athashreekatha Studio) તરીકે નોંધાયેલું છે.
ફિલ્મની ભવ્યતા અને તેના સ્કેલને લઈને અત્યારથી જ ફિલ્મ જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે. આનંદીબેન પટેલની દોહિત્રીને મોટા પડદા પર 'સત્યભામા' તરીકે જોવી એ પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

