- Entertainment
- રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો
રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો
બોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેના 'ડોન 3' ફિલ્મના વિવાદને હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) સમક્ષ પહોંચાડ્યો છે. બંને વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી આ ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રણવીર સિંહ આ ફિલ્મમાંથી બહાર થઈ ગયા બાદ, ફરહાને કથિત રીતે તેની સામે કાનૂની દાવો માંડ્યો છે અને આ મામલો FWICE સમક્ષ પણ રજૂ કર્યો છે. હવે, આગામી સોમવારે FWICE એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ મુદ્દે પોતાનો નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે.
FWICE દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, આ ફરિયાદ ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) દ્વારા સબમિટ કરવામાં આવી હતી, જેમાં ફરહાન અખ્તર સભ્ય છે. 'ન્યૂઝ18' ના અહેવાલ મુજબ, આ ફિલ્મ સંસ્થાએ જણાવ્યું છે કે તેઓએ ફરિયાદ અને તેની પાછળના સંજોગોની બારીકાઈથી તપાસ કરી છે અને તેઓ એક નિર્ણય પર પહોંચ્યા છે, જે સોમવારે સાંજે લગભગ 4 વાગ્યે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, FWICE સત્તાવાર રીતે આ બાબતને સંબોધિત કરશે અને ફરિયાદ તેમજ સંબંધિત સંજોગોની તપાસ કર્યા પછી પોતાનું વલણ અને નિર્ણય જાહેર કરશે.’
શું છે 'ડોન 3' નો વિવાદ?
રણવીર સિંહ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના નિર્માતાઓ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની વચ્ચેનો આ વિવાદ પહેલીવાર ડિસેમ્બર 2025 માં સામે આવ્યો હતો. ફરહાનની 'ડોન' અને 'ડોન 2' માં મુખ્ય ભૂમિકા ભજવનાર શાહરૂખ ખાનના સ્થાને જ્યારે રણવીર સિંહને 'ડોન 3' ના મુખ્ય અભિનેતા તરીકે જાહેર કરવામાં આવ્યો, તેના થોડા સમય બાદ જ રણવીરે અચાનક આ ફિલ્મમાંથી વોકઆઉટ કરી લીધો હતો.

રણવીરનો આ નિર્ણય તેની ફિલ્મ 'ધુરંધર' ની ભવ્ય સફળતા બાદ તરત જ આવ્યો હતો. ચર્ચા એવી હતી કે અભિનેતાએ સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારો કરવાની માંગ કરી હતી, જે નિર્માતાઓને પસંદ આવી નહોતી. એવી પણ અફવાઓ હતી કે રણવીરે ફરહાન પર એવો આરોપ લગાવ્યો હતો કે ફરહાનના કરિયરમાં ચાલી રહેલા નબળા તબક્કાને કારણે ફરહાન તેને હૃતિક રોશન સાથે રિપ્લેસ કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ 'ધુરંધર' ની જબરદસ્ત સફળતા બાદ ફરહાને તેને જ ફિલ્મમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. (માહિતી માટે જણાવી દઈએ કે હૃતિક રોશને 2011 માં આવેલી 'ડોન 2' માં એક મહત્વનો કેમિયો કર્યો હતો).
ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફરહાન અખ્તરે નુકસાની પેટે ₹40 કરોડની માંગણી કરી છે. ફરહાનનો આરોપ છે કે તેણે ફિલ્મના પ્રી-પ્રોડક્શન પાછળ ઓલરેડી ₹40 કરોડ ખર્ચ કરી દીધા હતા અને રણવીરે દરેક તબક્કે સ્ક્રિપ્ટને મંજૂરી આપી હતી. આ મામલો પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા (Producers Guild of India) સમક્ષ પણ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ગિલ્ડે બંને પક્ષોને કાનૂની રસ્તો અપનાવવાને બદલે પરસ્પર સહમતિથી આ વિવાદ ઉકેલવાની સલાહ આપી હતી.

વિવાદ પર ફરહાન અખ્તરે શું કહ્યું?
ફરહાન અખ્તરે તાજેતરમાં જ 'ધ હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયા' સાથેની વાતચીતમાં આ વિવાદ વિશે મન ખોલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હું એ શીખ્યો છું કે હંમેશા અણધારી બાબતોની અપેક્ષા રાખવી જોઈએ. જ્યાં સુધી કોઈ વસ્તુ ફિલ્મ પર (કેમેરા સામે) ન આવી જાય, ત્યાં સુધી તમે કોઈ પણ બાબતને ગેરંટી તરીકે ન લઈ શકો. તમને કોઈક તબક્કે અહેસાસ થાય છે કે એવો સમય પણ આવશે જે થોડો પડકારજનક હશે. અત્યાર સુધી તમારો સમય સારો રહ્યો છે, તેથી આ મુશ્કેલ સમયને પણ સહજતાથી સ્વીકારો. કેટલીકવાર, જ્યારે આવા અવરોધો આવે છે, ત્યારે મને લાગે છે કે મારે બધું છોડીને બસ ફરીથી એક્ટિંગ (અભિનય) તરફ વળી જવું જોઈએ. જેથી મારે આ બધી બાબતોનો સામનો ન કરવો પડે.’

