- Entertainment
- મુંબઈમાં જ્ઞાનેશ કુમારના વિરોધમાં પ્રદર્શન કરનાર ઇમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા આદેશ
મુંબઈમાં જ્ઞાનેશ કુમારના વિરોધમાં પ્રદર્શન કરનાર ઇમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા આદેશ
મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ, અમેરિકી નાગરિક હોવાનો દાવો કરનાર અભિનેતા ઇમરાન ખાનને મુંબઈ સ્થિત ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ ફરિયાદ કરી હતી કે અભિનેતા પાસે અમેરિકાનો પાસપોર્ટ અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ હોવા છતા તેણે 10 ઓક્ટોબરે મુંબઈ સેન્ટ્રલના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ ફરિયાદ બાદ FRRO દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, FRRO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને OCI કાર્ડ પર ભારતમાં રહેતા અભિનેતા ઇમરાન ખાનને નોટિસ ફટકારવામાં આવી છે. બોલિવૂડ સ્ટાર આમીર ખાનનો ભાણેજ એવો આ અભિનેતા ખારમાં રહે છે અને તેમને આ નોટિસ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, FRRO એ વિદેશી નાગરિકોના રજિસ્ટ્રેશન, હિલચાલ, રોકાણ, દેશ છોડવા અને વીઝા લંબાવવાની પ્રક્રિયાનું નિયમન કરતી એજન્સી છે. તે ગૃહ મંત્રાલયના બ્યુરો ઓફ ઇમિગ્રેશન હેઠળ કામ કરે છે અને પોલીસ તંત્ર સાથે ગાઢ સંકલનથી કામ કરે છે. BJP નેતા કિરીટ સોમૈયાએ મુંબઈ પોલીસને ઇમરાન ખાનની નાગરિકતાની ચકાસણી કરવા વિનંતી કરી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે શું કોઈ વિદેશી નાગરિકે રાજકીય આંદોલનમાં ભાગ લેવો જોઈએ?
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે અભિનેતાનો જન્મ અને અભ્યાસ અમેરિકામાં થયો છે, પરંતુ તે સરકાર વિરોધી રાજકીય અને રાજદ્વારી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને ભારતમાં પોતાની આજીવિકા કમાઈ રહ્યો છે.

સોમૈયાએ જણાવ્યું, મેં ઇમરાન ખાન કેટલા સમયથી અમેરિકી નાગરિક છે તે અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. તેમણે ઉમેર્યું કે તેઓ આ મામલે કાર્યવાહી કરવા બદલ સત્તાવાળાઓનો આભાર માને છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન ઇમરાન ખાને કહ્યું હતું કે તેઓ કોઈ ચોક્કસ માંગણીઓ સાથે પ્રદર્શનમાં હાજર નહોતા, પરંતુ એક નાગરિક તરીકે આગળ આવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ એ સમજવા માગે છે કે હલનચલનની સ્વતંત્રતા પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને લોકોના અવાજને કેમ દબાવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થયેલા વીડિયોમાં અભિનેતાએ કહ્યું હતું કે, મારી કોઈ માંગણીઓ નથી. હું અહીં એક નાગરિક તરીકે, આ શહેરમાં રહેતી વ્યક્તિ તરીકે આવ્યો છું. હલનચલનની સ્વતંત્રતા પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે તે જોવા માટે હું અહીં આવ્યો છું. લોકોના અવાજને કેમ દબાવવામાં આવી રહ્યો છે? એટલા માટે જ હું અહીં છું.

ચૂંટણી યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં કથિત અનિયમિતતાઓને કારણે CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન આ અભિનેતા, તેમની ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટન, તેમની માતા નુસ્રત અને ભત્રીજી ઝૈન સહિત આશરે 400 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ ઝૈને એક વીડિયોમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા તેમની સાથે મારઝૂફ અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને અટકાયત દરમિયાન તેમને થયેલી ઇજાઓ તથા ડાઘ પણ વીડિયોમાં બતાવ્યા હતા.

