ટ્રેન બંધ...મેટ્રો બંધ...બોર્ડર બંધ... કોકરોચોને રોકવા સરકારે એવી તૈયારી કરી છે, જે દિલ્હીએ આજ સુધી નહીં જોઈ હોય
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના શનિવારે યોજનારા પ્રદર્શનને લઈને દર્શાવાયેલી અતિશય કડકાઈ બદલ સુપ્રીમ કોર્ટે સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે, તમારે કેટલીક બાબતો પર અંકુશ મૂકવો જ પડે, પરંતુ તે રોકવા માટે માત્ર એટલી જ કાર્યવાહી કરો જેટલી જરૂર હોય. એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરવા લાગો. આ બાબતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. મેટ્રો સેવાઓને આ રીતે સંપૂર્ણપણે બંધ ન કરી શકાય.

CJP ના શનિવારના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આજે રાત્રે 9 વાગ્યાથી 57 મેટ્રો સ્ટેશનો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આ સાથે જ નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશને આવનારી તમામ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો શનિવારે રદ રહેશે. રેલવે દ્વારા આ ટ્રેનોને તેમના પ્રારંભિક સ્ટેશનો પરથી જ રદ કરી દેવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ રેલવેએ પણ દિલ્હી જતી 13 ટ્રેનો બે દિવસ માટે રદ કરી દીધી છે. ટ્રેનો રદ થવાના કારણે જમ્મુ-કાશ્મીર રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જમા થઈ છે અને મુસાફરો ટ્રેનોની રાહ જોઈને બેઠા છે.
https://twitter.com/Cockroachisback/status/2108490872862163054
દિલ્હીના જંતર-મંતર ખાતે 10 ઓક્ટોબરે યોજાનારા પ્રદર્શન પહેલાં હરિયાણામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાણીપતથી દિલ્હી સુધીના રેલવે સ્ટેશનો બહાર નાકાબંધી કરાઈ છે, જ્યારે ટીકરી, બદરીપુર, કાપાસહેડા અને સિંઘુ બોર્ડર પર તમામ વાહનોનું ચેકિંગ કર્યા બાદ જ આગળ જવા દેવામાં આવી રહ્યા છે. જંતર-મંતર પરના પ્રદર્શન અને મેટ્રો સેવાઓ પ્રભાવિત થવાને કારણે દિલ્હીની કેટલીક શાળા-કોલેજોએ 10 ઓક્ટોબરના વર્ગો ઓનલાઈન કરી દીધા છે, વાલી-શિક્ષક બેઠકનો સમય બદલ્યો છે અને પરીક્ષાઓ સ્થગિત કરી છે. આ ઉપરાંત દિલ્હી-નોઈડા બોર્ડર પર સિમેન્ટના બેરિકેટ્સ ખડકી દેવામાં આવ્યા છે.
https://twitter.com/ANI/status/2108466753718079745
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મેટ્રો સેવાઓ પર સંપૂર્ણ રોક ન લગાવી શકાય. અધિકારીઓએ મેટ્રો અને ટ્રેનોની અવરજવરનું નિયમન એવી રીતે કરવું જોઈએ જેથી સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે. આ નિર્ણયની માહિતી વ્યાપકપણે પ્રસિદ્ધ કરવામાં આવે અને મુસાફરોની સુવિધા માટે છાપાં તેમજ વેબસાઈટ પર એડવાઈઝરી જાહેર કરવામાં આવે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અર્વિંદ કેજરીવાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ 10 ઓક્ટોબરે પોતાના પરિવાર સાથે જંતર-મંતર ખાતે CJP ના પ્રદર્શનમાં જોડાશે. તેમણે દેશભરના લોકોને મોટી સંખ્યામાં એકઠા થવા અપીલ કરી હતી. વિરોધ પ્રદર્શનને પગલે જંતર-મંતર, ટોલસ્ટોય માર્ગ અને જનપથ ખાતે પોલીસ અને RAF ના જવાનો તૈનાત કરી દેવાયા છે. દરમિયાન CJP ના સહ-સંયોજક સૌરવ દાસે આક્ષેપ કર્યો હતો કે, દિલ્હીમાં સંપૂર્ણ બંધ જેવી સ્થિતિ સરકારે પોતે ઊભી કરી છે. સરકારને ડર છે કે જો જ્ઞાનેશ કુમાર જશે તો બધાએ જવું પડશે. ભારત સરકારે કાલે એક રીતે દિલ્હી બંધનું આહ્વાન કરી દીધું છે.
https://twitter.com/PeekTV_in/status/2108504543873077712
પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું હતું કે, અમારું આંદોલન થઈને જ રહેશે. જંતર-મંતર પ્રદર્શન માટે નક્કી કરાયેલું સ્થળ છે. બંધારણની કલમ 19 આપણને વિરોધ દર્શાવવાનો મૂળભૂત અધિકાર આપે છે, તો પછી મંજૂરી લેવાની શું જરૂર છે? ચૂંટણી પંચ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, શું 13 કરોડ મતદારોના નામ હટાવતા પહેલાં મંજૂરી લેવાઈ હતી? શું તમે એવું ઈચ્છો છો કે ચૂંટણીમાં ગડબડ કરનારાઓ સામે અમે પ્રદર્શન પણ ન કરીએ? એવું ન બની શકે. દેશ આ રીતે ન ચાલી શકે, દેશને બચાવવા અમે પ્રદર્શન કરીશું.

બેંગલુરુમાં પ્રદર્શન પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિજીત દીપકે સરકાર સામે નિશાન સાધ્યું હતું કે, સત્તા તમારી પાસે હોઈ શકે છે, પરંતુ રસ્તાઓ અમારા છે. અહીંથી જ અમે અમારું લોકશાહી પાછું મેળવીશું. અન્ય એક પોસ્ટમાં તેમણે દાવો કર્યો હતો કે 10 ઓક્ટોબરના પ્રદર્શન પહેલાં મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. મોદીને લાગે છે કે લોકોને જેલમાં પૂરીને વિરોધનો અવાજ દબાવી શકાશે. જેટલા વધુ લોકોની અટકાયત થશે, તેટલા જ વધુ લોકો આ પ્રદર્શનમાં જોડાશે.
https://twitter.com/EasternRailway/status/2108435649326207456
ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરના પ્રદર્શનને પગલે દિલ્હીમાં 26 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. વર્ષ 2020 ના દિલ્હી રમખાણો પછી સુરક્ષા દળોનો આ સૌથી મોટો બંદોબસ્ત માનવામાં આવી રહ્યો છે, જેમાં પેરામિલિટ્રી ફોર્સના જ આશરે 15 હજાર જવાનો સામેલ છે.

બીજી તરફ, દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર નૂપુર પ્રસાદે સ્પષ્ટ કર્યું છે કે જંતર-મંતર પર ધરણા પ્રદર્શનની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. નિયમો મુજબ કોઈ પણ આયોજિત પ્રદર્શન માટે 10 દિવસ પહેલાં સૂચના આપવી જરૂરી છે. વિસ્તારમાં BNSS ની કલમ 163 લાગુ હોવાથી 5 થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં અને જો આ જોગવાઈનું ઉલ્લંઘન થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

