- National
- સુપ્રીમ કોર્ટે દરગાહના 'દીપથૂન' પર એકવાર દીવો પ્રગટાવવાની આપી મંજૂરી, પરંતુ ખૂબ શરતો લગાવી દીધી
સુપ્રીમ કોર્ટે દરગાહના 'દીપથૂન' પર એકવાર દીવો પ્રગટાવવાની આપી મંજૂરી, પરંતુ ખૂબ શરતો લગાવી દીધી
દિવાળીના લગભગ 15 દિવસ પછી એટલે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે તમિલનાડુમાં 'કાર્તિગાઈ દીપમ' નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર દિવાળી જેવો જ છે; લોકો સાફ-સફાઇ કરે છે. ઘરો અને ગલીઓમાં દીવા પ્રગટાવીને પ્રકાશ કરે છે. આ વર્ષે આ તહેવાર 24 નવેમ્બરે આવે છે, અને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણૂ ચુકાદો આપ્યો છે. તિરુપ્પરનકુંડ્રમ ટેકરી પર આવેલા વિવાદાસ્પદ 'દીપથૂન' (દીપ સ્તંભ) પર આ વર્ષે પરંપરાગત 'કાર્તિગાઈ દીપમ'ના દીવા પ્રગટાવી શકાશે. આ નિર્ણયથી એ હિન્દુત્વ સંગઠનો ખુશ થયા છે જેમણે આ સ્થળે દીવા પ્રગટાવવાની માંગ કરી હતી.
જોકે, આ મંજૂરી કેટલીક શરતોને આધીન છે. સુપ્રીમ કોર્ટે આ મંજૂરી માત્ર એક વખત દીપ પ્રગટાવવા માટે આપી છે. 'કાર્તિગાઈ દીપમ' વિવાદ પરનો કોર્ટનો આ અંતિમ ચૂકાદો નથી; સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં ટેકરી પર આવેલી દરગાહ નજીકના સ્તંભ પર દીપ પ્રગટાવવાની મંજૂરી આપી હતી. 1 ડિસેમ્બર, 2025ના રોજ, મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જી.આર. સ્વામીનાથને આદેશ આપ્યો હતો કે, મંદિર પ્રશાસનને તમિલ પરંપરા મુજબ 'દીપથૂન' પર દીપ પ્રગટાવે. તેના ત્રણ દિવસ પછી, તમિલનાડુની તત્કાલીન DMK સરકારે સુપ્રીમ કોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો. આના પર સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો આવ્યો છે. જો કે, કોર્ટે દીપ પ્રગટાવવાની પરંપરા અને તે સ્થળની માલિકીના દાવાઓને ન્યાયિક કાર્યવાહી માટે ખુલ્લા રાખ્યા છે.
સુપ્રીમ કોર્ટે ટેકરી પર 'કાર્તિગાઈ દીપમ'ના દીપ પ્રગટાવવાની પરવાનગી શરતોને આધીન આપી છે. સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ સામાન્ય નાગરિક દીપ પ્રગટાવવા માટે નહીં જાય. તેના માટે, એક ટીમ બનાવવી પડશે, અને માત્ર આ ટીમને જ સ્થળ પર જવાની મંજૂરી હશે. આ ટીમમાં મંદિર દ્વારા નક્કી કરવામાં આવેલા લોકો અને કેટલાક સરકારી અધિકારીઓનો સમાવેશ થશે. કોર્ટના નિર્દેશો અનુસાર, મદુરાઈ જિલ્લા કલેક્ટર મંદિરના એક્ઝિક્યુટિવ ઓફિસર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) અને પોલીસ કમિશનર સાથે પરામર્શ કરીને એ નક્કી કરશે કે દીપ પ્રગટાવનારી ટીમમાં કોણ-કોણ અને કેટલા લોકો હશે.
આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર પરંપરાગત ધાર્મિક વિધિઓની વ્યવસ્થાઓ પર દેખરેખ રાખશે, જ્યારે પોલીસ સુરક્ષા પૂરી પાડશે. જરૂર પડવા અને શક્ય જણાય, તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને પણ તૈનાત કરી શકાય છે. કોર્ટે અધિકારીઓને એવો પણ નિર્દેશ આપ્યો છે કે તહેવાર પૂર્ણ થયાના ત્રણ દિવસની અંદર એક અહેવાલ રજૂ કરીને જણાવવામાં આવે કે, આદેશનું પાલન કરવામાં આવ્યું કે નહીં.
કોર્ટના જણાવ્યા અનુસાર, વિવાદાસ્પદ સ્થળે દીવા પ્રગટાવવાની પરવાનગી માત્ર 24 નવેમ્બરે થનાર 'કાર્થિગાઈ દીપમ' માટે જ છે અને તેનાથી કોઇને પણ પહાડી પર પ્રવેશ કરવા, કબજો કરવા કે નિયંત્રણ મેળવવાનો અધિકાર નહીં મળે. આટલું જ નહીં, પહાડી પર આવેલી દરગાહ અને મસ્જિદમાં થતી પરંપરાગત ધાર્મિક પ્રથાઓ કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે; ત્યાં નમાઝીઓના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
શું છે વિવાદ?
તિરુપ્પરનકુંડ્રમની પહાડી પર દીપ પ્રગટાવવાને લઈને સર્જાયેલો વિવાદ નવો નથી. આ વિવાદના કેન્દ્રમાં એક દરગાહ અને તેની બાજુમાં આવેલો દીપ સ્તંભ છે, જ્યાં અગાઉ દીપ પ્રગટાવવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવે છે. હિન્દુત્વવાદી સંગઠનો આ સ્તંભ પર દીવા પ્રગટાવવાની પરંપરાને પુનઃજીવિત કરવાની માંગ કરી રહ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે તો આ માંગ સ્વીકારી લીધી છે અને સ્તંભ પર દીપ પ્રગટાવવાની મંજૂરી આપતો આદેશ જાહેર કર્યો હતો. જોકે, રાજ્યની DMK સરકારે સાંપ્રદાયિક તણાવના જોખમનો ઉલ્લેખ કરીને કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો અને દરગાહ નજીકના સ્તંભ પર દીવા પ્રગટાવવા પર પ્રતિબંધ લગાવી દીધો. આનાથી વિવાદ વધુ વકર્યો.

