- National
- સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંદનામું, કહ્યું SIR પર જ્ઞાનેશ કુમારે સર્વસંમતિથી લીધા હતા નિર્ણય,...
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંદનામું, કહ્યું SIR પર જ્ઞાનેશ કુમારે સર્વસંમતિથી લીધા હતા નિર્ણય, 'ફોર્મ 6'માં ફેરફાર અંગે પણ સ્પષ્ટતા
મતદાર યાદીની SIR અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો વચ્ચે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ચૂંટણી પંચે સોગંદનામું દાખલ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર એકપક્ષીય રીતે નિર્ણય લેવાના આક્ષેપોને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે SIR પ્રક્રિયા સંબંધિત ત્રણેય આદેશ તમામ સભ્યોની સહમતિથી જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જ, પંચે ફોર્મ 6માં ફેરફાર કરવાના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરી છે. પંચે એમ પણ કહ્યું કે ફાઇલ પર કોઈ અધિકારીની ટિપ્પણીઓ કે સૂચનોને પંચનો અંતિમ નિર્ણય ન ગણી શકાય.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જૂન 2025, ઓક્ટોબર 2025 અને મે 2026માં SIR અંગે જાહેર કરાયેલા ત્રણેય આદેશ સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. આ સોગંદનામાને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું કે ફાઇલ પર વિચારણા દરમિયાન કોઈપણ કમિશનરની ટિપ્પણી, સવાલ કે સૂચનોને પંચનો નિર્ણય ન માની શકાય. ફાઇલો પહેલા એક ચૂંટણી કમિશનર, ત્યારબાદ બીજા કમિશનર અને અંતે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે જાય છે. જરૂરી મામલાઓમાં, ઇલેક્ટ્રોનિક માધ્યમથી મંજૂરી મેળવવામાં આવે છે અને ત્યારબાદ સત્તાવાર ફાઇલ પર નોંધવામાં આવે છે.
આ ઉપરાંત, ચૂંટણી પંચે 28 જુલાઈના એક આદેશનો ઉલ્લેખ કર્યો. તેના મતે કામની ફાળવણી સંબંધિત આ આદેશ પ્રતિનિયુક્તિ પર તૈનાત એક અધિક સચિવે જાહેર કર્યો હતો. તેના બીજા જ દિવસે, બંને ચૂંટણી કમિશનરોએ આ બાબતે કેબિનેટ સચિવને પત્ર લખ્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું કે, 30 જુલાઈએ બંને કમિશનરો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિર્દેશ બાદ, તે આદેશ ક્યારેય અમલમાં મૂકવામાં આવ્યો નહોતો.
'ફોર્મ 6'માં ફેરફાર અંગે સ્પષ્ટતા
મતદાર યાદીમાં નામ જોડાવવા માટે ઉપયોગ થતા 'ફોર્મ 6'અંગે પણ ચૂંટણી પંચે સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે ફોર્મ 6માં કોઈ સુધારા કરવામાં આવ્યા નથી. આ ફોર્મમાં સુધારો કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. SIR માટે ઉપયોગમાં લેવાતું ઘોષણાપત્ર એક અલગ દસ્તાવેજ છે. જોકે, આયોગે સ્વીકાર્યું કે ઓનલાઇન અરજી પ્રક્રિયામાં તેને જે રીતે બતાવવામાં આવી રહ્યું હતું, તેનાથી ફોર્મમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તેવો ભ્રમ થઇ શકતો હતો. આયોગે સ્પષ્ટ કર્યું કે, ઓનલાઇન અરજીમાં 'ફોર્મ 6' અને ઘોષણાપત્રને અલગ-અલગ બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કાગળ ફોર્મમાં થાય છે.
પંચે જણાવ્યું કે, જે મતદારોના જૂના રેકોર્ડ વર્તમાન મતદાર યાદીમાં મળી શક્યા નથી, તેમને સામાન્ય રીતે સુનાવણી માટે કોઈ કચેરીએ જવાની જરૂર રહેશે નહીં. બૂથ લેવલ ઓફિસર (BLO) તેમના ઘરે જઇને દસ્તાવેજો એકત્ર કરશે. સુનાવણી માત્ર ખાસ કિસ્સાઓમાં જ થશે, જેમાં ઓનલાઇન પ્રક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવશે.
ECINet સિસ્ટમ અંગે, પંચે જણાવ્યું કે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO)ના સ્પષ્ટ આદેશ વિના મતદાર યાદીમાં કોઈ નામ ઉમેરવામાં કે તેમાંથી દૂર કરવામાં આવતું નથી. આ પ્રક્રિયાની તપાસ કરવા માટે IIT અને IIScના નિષ્ણાતોની બનેલી એક સમિતિની રચના કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને તેમની ફરજો બજાવતા અટકાવવાની માંગ કરતી અરજીના જવાબમાં પંચે જણાવ્યું કે આવી માંગ સ્વીકારી નહીં શકાય. મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા જેવી છે.
આ ઉપરાંત, આયોગે સ્પષ્ટ કર્યું કે તેણે મીડિયાને કોઈ પણ આંતરિક ફાઇલો કે નોંધો જાહેર કરી નથી. દશેરાની રજાઓને કારણે હાલમાં સંક્ષિપ્ત જવાબ દાખલ કરવામાં આવ્યો છે; પંચે આ બાબતે વિગતવાર અને મુદ્દાસર જવાબ રજૂ કરવા માટે મંજૂરી પણ માંગી છે.

