- National
- સુપ્રીમ કોર્ટે 10 ઓક્ટોબરે ટ્રેન અને મેટ્રો ચાલુ રાખવા આદેશ કર્યો છતા આદેશ ન માનવામાં આવ્યો, ક્યાં ગ...
સુપ્રીમ કોર્ટે 10 ઓક્ટોબરે ટ્રેન અને મેટ્રો ચાલુ રાખવા આદેશ કર્યો છતા આદેશ ન માનવામાં આવ્યો, ક્યાં ગયો કોર્ટોનો ડર?
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઇને જ્યારે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિપક્ષે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી, ત્યારે સુરક્ષાના નામે રાજધાનીમાં અભૂતપૂર્વ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. કોર્ટે ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું કે માખી મારવા માટે હથોડાનો ઉપયોગ નહીં કરી શકાય. કોર્ટે સ્પષ્ટ સલાહ આપી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવાના બહાને મેટ્રો સ્ટેશનો સંપૂર્ણપણે બંધ ન કરવામાં આવે અને ન તો ટ્રેનોના આવવા-જવા પર સંપૂર્ણપણે રોક લગાવી શકાય છે. પરંતુ, બીજા જ દિવસે જમીની હકીકત સાવ અલગ હતી. લગભગ 57 મેટ્રો સ્ટેશનો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યા, દિલ્હી આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી અને શાંતિ જાળવવાના નામે લગભગ 7000 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા.
આ પહેલી ઘટના નથી, જ્યારે મોટી કોર્ટના આદેશો અને વહીવટીતંત્રની જમીની કાર્યવાહી વચ્ચે આટલું મોટું અંતર જોવા મળ્યું હોય. આને કોર્ટની અવમાનના કહીને સુપ્રીમ કોર્ટે ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર અને દિલ્હી મેટ્રોને નોટિસ પાઠવી છે અને પોતાના જવાબ દાખલ કરવા કહ્યું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પણ કાયદો અને વ્યવસ્થાનો સવાલ ઊભો થાય છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશો સરકારી કાગળિયાંઓની ફાઇલોમાં દબાઈ જાય છે. આ સંદર્ભમાં એ સવાલ ઊભો થાય છે કે, શું સુપ્રીમ કોર્ટની અવમાનનાનો ડર પોતાનો પ્રભાવ ગુમાવી રહ્યો છે?
કાયદાના પુસ્તકોમાં, કોર્ટના આદેશનું પાલન ન કરવું અથવા તેની અવગણના કરવી, કોર્ટની અવમાનના માનવામાં આવે છે. આ ગુના માટે સજા અને દંડની કડક જોગવાઈ છે. પરંતુ, જ્યારે મામલો પોલીસ અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલો હોય, ત્યારે કાગળોના આદેશો અને ઘટનાસ્થળે કરવામાં આવેલી કાર્યવાહી વચ્ચે મોટું અંતર જોવા મળે છે.
વહીવટીતંત્ર કોર્ટ સામે તો ખૂબ જ આદરપૂર્વક આદેશોનું પાલન કરવાની વાત કહે છે, પરંતુ મેદાનમાં ઉતરતા જ તેની રણનીતિ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. જ્યારે સુપ્રીમ કોર્ટે મેટ્રો અને ટ્રેનોને આંશિક રીતે ચાલુ રાખવા અને 'પ્રિન્સિપાલ ઓફ પ્રોપોર્શનાલિટી'નું પાલન કહ્યું, ત્યારે સોલિસિટર જનરલે કોર્ટને ખાતરી આપી હતી કે પરિસ્થિતિને નિયંત્રિત કરતા અવરજવર સુચારુ રાખવામાં આવશે. જોકે, હકીકતમાં વહીવટીતંત્રએ સુરક્ષાના નામે સમગ્ર રાજધાનીની ઘેરાબંધી કરી દીધી હતી.
સવાલ એ થાય છે કે શું પોલીસ-વહીવટીતંત્ર, સુપ્રીમ કોર્ટના વલણને પારખીને એવું માની ચૂકી છે કે 'કોર્ટની અવમાનનાની નોટિસ' માત્ર એક ઔપચારિકતા છે? કેસ થશે તો જોઇ લેવાશે? શું કોર્ટના ચૂકાદાઓનો ડર હવે માત્ર સામાન્ય નાગરિક પૂરતો જ સીમિત રહી ગયો છે, જ્યારે સત્તાના સંરક્ષણમાં કામ કરતું વહીવટીતંત્ર તેનાથી સંપૂર્ણપણે બેફિકર બની ગયું છે?
કોર્ટના આદેશોની અવગણના કરવાની આ સિલસિલો નવો નથી. દેશના ઇતિહાસમાં એવા ઘણા વણાંક આવ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટના સીધા અને સ્પષ્ટ આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું. 1992માં બાબરી માળખાને તોડી પાડવાની ઘટનાના થોડા સમય પહેલાં, ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણ સિંહે સુપ્રીમ કોર્ટમાં ઔપચારિક રીતે સોગંદનામું દાખલ કરીને ખાતરી આપી હતી કે વિવાદાસ્પદ માળખાનું કોઈપણ સંજોગોમાં સુરક્ષા કરવામાં આવશે. પરંતુ 6 ડિસેમ્બર 1992ના રોજ જે થયું તે, આખા દેશો જોયું; કોર્ટના આદેશ અને રાજ્ય સરકારના સોગંદનામાની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે કલ્યાણ સિંહને અવમાનના માટે દોષિત ઠેરવ્યા અને પ્રતીકાત્મક રીતે એક દિવસની સજા તથા દંડ ફટકાર્યો. પરંતુ, જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું.
તેવી જ રીતે, મધ્ય પ્રદેશની સિંગરૌલી ખાણોમાં ખનન વિરુદ્વના આંદોલન સામે પોલીસ વહીવટીતંત્રની મનસ્વી કાર્યવાહી અંગે જસ્ટિસ સૂર્યકાંતની કોર્ટે અવમાનનાની નોટિસ ફટકારી હતી. જ્યાં, સુપ્રીમ કોર્ટના સતત આદેશો છતા પ્રદર્શનકારીઓ એનો લોકોના મૂળભૂત અધિકારોને કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે વારંવાર કચડી નાખવામાં આવ્યા હતા. કોર્ટે ઔદ્યોગિક ગતિવિધિઓને કારણે થતા પર્યાવરણીય નુકસાન અને સ્થાનિક રહેવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે ગાઇડલાઇન નક્કી કરી હતી. જોકે, જમીની સ્તરે વહીવટી બેદરકારી અને કોર્પોરેટ ક્ષેત્ર તથા વહીવટીતંત્ર વચ્ચેની સાંઠગાંઠને કારણે આ નિર્દેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. દરેક વખતે એ જ દલીલ કરવામાં આવતી હતી કે જમીની પરિસ્થિતિ એવી હતી કે તાત્કાલિક કડક પગલાં લેવા જરૂરી હતા.
આ કિસ્સાઓ સાબિત કરે છે કે જ્યારૃજ્યારે કાર્યપાલિકા તંત્રને લાગ્યું કે, તેના રાજકીય કે વહીવટી હિત કોર્ટના ચૂકાદાઓ વચ્ચે ટકરાઇ રહ્યા છે, ત્યારે-ત્યારે તેણે અવમાનનાના જોખમને અવગણવાનું યોગ્ય માન્યું છે.
શું સુપ્રીમ કોર્ટ જમીની પડકારો સમજવામાં નિષ્ફળ રહી છે?
આ બહેસનું એક બીજું પાસું પણ છે. પોલીસ વહીવટીતંત્ર અને સુરક્ષા નિષ્ણાતોનો તર્ક રે છે કે AC રૂમોમાં બેસીને કાનૂની દલીલો સાંભળવી અને ઘટનાસ્થળે ઉગ્ર ભીડને સંભાળવી, આ બંને વાતો અલગ વાત છે. વહીવટીતંત્રનું માનવું છે કે જ્યારે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી રસ્તા પર ઉતરવા માટે તૈયાર હોય, ત્યારે એક નાનકડી ચૂક પણ મોટી રમખાણો કે હિંસાનું રૂપ લઇ શકે છે. એવામાં જો,ભીડને રોકવા માટે મેટ્રો કે ટ્રેન સેવાઓ બંધ ન કરવામાં આવી, તો ભીડને નિયંત્રણમાં લેવાનું અશક્ય બનાવી શકે છે. તેમનું માનવું છે કે ઘટનાસ્થળે ઝડપથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પોતાની રણનીતિ બદલવા માટે મજબૂર બને છે.
પરંતુ, અહીં મુખ્ય સવાલ એ છે કે, શું સુપ્રીમ કોર્ટે કાયદો અને વ્યવસ્થાને લગતા રોજિંદા નિર્ણયોમાં દખલગીરી ન કરવી જોઈએ? શું કોર્ટ જમીની પડકારોનું સચોટ મૂલ્યાંકન કરી શકતી નથી?
સત્ય એ છે કે સર્વોચ્ચ કોર્ટ ક્યારેય પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની વિરુદ્ધ હોતી નથી. કોર્ટનો ભાર હંમેશાં નાગરિકોના મૂળભૂત અધિકારો અને સરકારી કાર્યવાહી વચ્ચે સંતુલન જાળવવા પર હોય છે. જ્યારે પોલીસ સુરક્ષાના નામે સમગ્ર શહેરને ઠપ્પ કરી દે છે અને નિર્દોષ નાગરિકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દે છે, ત્યારે કોર્ટે હસ્તક્ષેપ કરવો પડે છે. જો વહીવટીતંત્ર એવી દલીલ આપીને સુપ્રીમ કોર્ટના આદેશોની અવગણના કરવાનું લાગે, તો દેશમાં બંધારણ અને કાયદાના શાસનનું કોઈ મહત્ત્વ નહીં રહે.
કોઈપણ લોકશાહીમાં, ન્યાયતંત્રનો પાયો તેની વિશ્વસનીયતા અને તેના આદેશોના અધિકારક્ષેત્ર પર ટકેલો હોય છે. જો વહીવટી તંત્ર દેશની મોટી કોર્ટના આદેશોને માત્ર 'સરકારી કાગળિયાં' સમજીને રદ્દીમાં નાખવા લાગે, તો તે સમગ્ર બંધારણીય વ્યવસ્થા માટે જોખમનો સંકેત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત સંસ્થાઓ પર જે રીતેના સવાલ ઉઠ્યા છે અને તેમને 'દાંત વિનાના વાઘ' કહેવામાં આવેછે? શું સુપ્રીમ કોર્ટના માથે પણ હવે એ જ જોખમ મંડરાઇ રહ્યું છે.
જ્યારે સરકારો એવું સમજી લે છે કે કોર્ટ ભલે આદેશો આપતી રહે, પરંતુ અમારે તો એ જ કરવાનું જે પોતાના ફાયદામાં હોય, ત્યારે સામાન્ય જનતાનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ ડગમગવા લાગે છે. જો કોર્ટની અવગણનાની કાર્યવાહી માત્ર કાગળ પરની નોટિસ પૂરતી સીમિત રહેશે અને દોષી અધિકારીઓ સામે કોઈ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવે, તો આવમાનનાનો ભય સંપૂર્ણપણે ખતમ થઈ જશે.
આગળ જઇને તેની અસર એ થઇ શકે છે કે રાજકીય પક્ષો અને વિપક્ષ પણ ચૂંટણી પંચના કિસ્સાની જેમ સર્વોચ્ચ કોર્ટની નિષ્પક્ષતા પર ખુલ્લેઆમ સવાલ ઉઠાવવા લાગશે. ચૂકાદાઓમાં પક્ષપાતના આક્ષેપો થશે અને ન્યાયાધીશોના ભિન્ન મતોનો ઉપયોગ રાજકીય લાભ માટે કરવામાં આવશે. આવી સ્થિતિ કોઈપણ પરિપક્વ લોકશાહી માટે અત્યંત ભયાનક હશે.
ભારત જેવા વિશાળ અને વિવિધતાપૂર્ણ દેશમાં તમામ પ્રકારના વિવાદોના ઉકેલ માટે કોર્ટો જ અંતિમ સ્થળ છે. સામાજિક માળખામાં ઝઘડા હોય, આર્થિક નીતિઓ હોય, રાજકીય ખેંચતાણ હોય કે સંવેદનશીલ ધાર્મિક મુદ્દાઓ હોય, જ્યારે અન્ય તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે, ત્યારે દરેક નાગરિક અને દરેક વર્ગ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવે છે.
વિરોધ ગમે તેટલો ઉગ્ર કેમ ન હોય, જ્યારે સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપે છે, તો દેશ તેને આદરપૂર્વક સ્વીકારે છે કે કોર્ટે નિર્ણય આપી દીધો છે, એટલે હવે મામલો થાળે પડી ગયો છે. આ જ આસ્થા દેશને એકજૂટ અને શાંત રાખે છે.
પરંતુ જરા વિચારો, જો સામાન્ય નાગરિક એ જોવા લાગે કે સરકાર અને તેનું વહીવટી તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે, તો શું થશે? જો વહીવટીતંત્રનો કોઈ હિસ્સો પોતાની સુવિધાના હિસાબે કોર્ટના આદેશોનું પાલન કરવું કે નહીં તે નક્કી કરવા લાગશે, તો સમાજના બાકી અંગ પણ આ જ માર્ગ પર ચાલવા લાગશે. સામાન્ય લોકો પણ કાયદો પોતાના હાથમાં લેવા લાગશે અને ન્યાયતંત્રને પોતપોતાના રાજકીય અને સામાજિક એજન્ડાના હિસાબે આંકવા લાગશે.
જો સુપ્રીમ કોર્ટની અવમાનનાનો ડર જતો રહેશે, તો દેશમાં કાયદાનું રાજ નહીં, પરંતુ 'જેની લાઠી તેની ભેંસ'નો નિયમ ચાલવા લાગશે, સુપ્રીમ કોર્ટને પોતાની ઘટતી વિશ્વસનીયતા અને આદેશો પ્રત્યેની અવગણનાને રોકવા માટે, હવે માત્ર નોટિસ ફટકારવાથી આગળ વધીને એવા ઉદાહરણો અને સખત કાર્યવાહી કરવી પડશે, જેથી કાર્યપાલિકાને સ્પષ્ટ સંદેશ મળી શકે કે બંધારણથી ઉપર કોઈ નથી.

