- National
- 'સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટ ન્યાયાધીશોની ગણતરી ભૂલી ગયો છું...'; દુષ્યંત દવેએ ભારતીય ન્યાયતંત્ર વિશે અન...
'સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટ ન્યાયાધીશોની ગણતરી ભૂલી ગયો છું...'; દુષ્યંત દવેએ ભારતીય ન્યાયતંત્ર વિશે અનેક ચોકાવનારા દાવા કર્યા!
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 3 વખત સેવા આપી ચૂકેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ ભારતીય ન્યાયતંત્ર વિશે અનેક 'વિસ્ફોટક' દાવા કર્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં ન્યાયતંત્ર શક્તિશાળી લોકોની તરફેણમાં ઝૂકી ગયું છે અને એક એવી કાર્યપ્રણાલિનું સમર્થન કરી રહ્યું છે જે પહેલા કરતા વધુ શક્તિશાળી બની ગયું છે. દવેએ આરોપ લગાવ્યો કે, સુપ્રીમ કોર્ટમાં એટલા બધા ભ્રષ્ટ ન્યાયાધીશો છે કે તેઓ તેમની ગણતરી પણ કરી શકતા નથી. આનાથી ન્યાયતંત્રને મોટું નુકસાન થયું છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ DY ચંદ્રચુડની ટીકા કરતા દવેએ કહ્યું કે, જ્યારે તેઓ પોતાને ઉદારવાદી માનતા હતા, ત્યારે તેમણે સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરેલા 17 ન્યાયાધીશોમાં એક પણ મહિલા નહોતી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 48 વર્ષ સુધી વકીલાત કરી ચૂકેલા વકીલ દુષ્યંત દવે 17મા KM બશીર મેમોરિયલ લેક્ચરમાં બોલી રહ્યા હતા. અહીં, તેમણે કહ્યું કે તેમના લાંબા અનુભવથી, તેઓ કહી શકે છે કે, ન્યાયતંત્રમાં ઘણા ઉત્તમ ન્યાયાધીશો રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ એટલા બધા ભ્રષ્ટ ન્યાયાધીશો રહ્યા છે કે તેઓને હવે તેમની ગણતરી પણ યાદ નથી. તેમણે કહ્યું કે આવા ન્યાયાધીશોએ દેશમાં 'ન્યાય'ને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે કે એ માણસની એક મૂળભૂત જરૂરિયાત છે.
દવેએ કહ્યું કે દેશની ન્યાયિક વ્યવસ્થા 'ધનવાન અને શક્તિશાળી લોકો દ્વારા કબજે કરવામાં આવી છે.' તેમના કેસોની સુનાવણી કોર્ટમાં ઝડપથી થાય છે અને તેમને તેમની અનુકૂળ ચુકાદા પણ મળે છે. તેમણે ઉદાહરણ આપ્યું, 'જો તમે સામાન્ય અખબાર કે ધંધાકીય અખબાર ખોલીને જુઓ છો, તો તમને મળશે કે સૌથી મોટા ઔદ્યોગિક ગૃહોને દર બીજા કે ત્રીજા દિવસે તેમને અનુકૂળ ચુકાદો મળે છે. આ આશ્ચર્યજનક વાત છે. તેઓ તેમના બધા કેસોમાં કેવી રીતે સફળ થાય છે? તેઓ ક્યારેય હારતા નથી. ન્યાયિક વ્યવસ્થામાં આવું જ થઈ રહ્યું છે.'
દવેએ ન્યાયતંત્ર પર ઉચ્ચ કાર્યપ્રણાલી (એટલે કે, સરકાર)ને ટેકો આપવાનો આરોપ મૂક્યો, ખાસ કરીને એવી સરકાર જે પહેલાથી જ ખૂબ શક્તિશાળી બની ગઈ છે. ભારતની સુપ્રીમ કોર્ટ પણ તેની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી રહી નથી અને મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે હસ્તક્ષેપ કરી રહી નથી, જ્યારે બંધારણે તેને આવું કરવાની સત્તા આપી છે. તેમણે કહ્યું, 'એવું નથી કે દેશમાં થયેલા અતિરેક માટે ઇન્દિરા ગાંધી એકલા જવાબદાર હતા. છેલ્લા 12 વર્ષોમાં દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તે ખરેખર નિયંત્રણ બહાર થઈ ગયું છે. બંધારણના અનુચ્છેદ 32 હેઠળ, સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારોનો અમલ કરાવવાની જરૂર છે. પરંતુ સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરવા તૈયાર નથી, પછી ભલે તે જુએ છે કે અહીં મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.'
દવેએ ચૂંટણી પંચના મતદાર યાદીઓ સાફ કરવાના SIR અભિયાન પ્રત્યે સુપ્રીમ કોર્ટના વલણની પણ આકરી ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટના કારણે પુખ્ત મતાધિકાર જોખમમાં છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડની ટીકા કરતા દવેએ કહ્યું કે, તેઓ પોતાને ઉદારવાદી ન્યાયાધીશ કહે છે, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં 17 ન્યાયાધીશોની નિમણૂક કરી, જેમાંથી એક પણ મહિલા નહોતી.
દવેએ કહ્યું કે, ન્યાયિક પ્રણાલીમાં સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ આવશ્યક હોય છે. દેશમાં મોટાભાગના ન્યાયાધીશો ઉચ્ચ જાતિમાંથી આવે છે, અને તેમાંથી ઘણા પહેલાથી જ કાનૂની સમુદાયથી જોડાયેલા હોય છે. જ્યાં સુધી તમે સમાજના વિવિધ વર્ગોમાંથી ન્યાયાધીશોની નિમણૂક નહીં કરો, ત્યાં સુધી તમે ન્યાય પહોંચાડવા માટે જરૂરી સંવેદનશીલતાને સમજી શકશો નહીં.
દવેએ વધુમાં જણાવ્યું હતું કે, મીડિયા કે ન્યાયતંત્ર નાગરિકોનું રક્ષણ કરી રહ્યું નથી. તેમણે 12 વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરવા બદલ PM નરેન્દ્ર મોદીની ટીકા કરતા કહ્યું કે, મીડિયા પણ તેમને કોઈ મુશ્કેલ સવાલ પૂછતું નથી.
70 વર્ષીય દુષ્યંત દવે લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી છે. તેમણે 3 વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી છે. તેમણે 1978માં ગુજરાતમાં પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને 1998માં સુપ્રીમ કોર્ટમાં સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત થયા હતા. 2025માં, તેમણે અચાનક કાયદાકીય વ્યવસાયમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી. દવેએ જાહેરાત કરી હતી કે તેઓ હવે કોર્ટમાં હાજર રહેશે નહીં, ન તો તેઓ કોઈપણ પ્રકારના સલાહકાર કે મધ્યસ્થી તરીકે કામ કરશે. દુષ્યંત દવેના પિતા જસ્ટિસ અરવિંદ દવે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ હતા.

