- Politics
- મુંબઈ શિવાજી પાર્ક જ્ઞાનેશ કુમારના વિરોધમાં હજારો લોકો જોડાયા, દીપકે CM ફડણવીસને આપી એક ચેલેન્જ
મુંબઈ શિવાજી પાર્ક જ્ઞાનેશ કુમારના વિરોધમાં હજારો લોકો જોડાયા, દીપકે CM ફડણવીસને આપી એક ચેલેન્જ
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજે મુંબઈના શિવાજી પાર્ક ખાતે વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચમાં કથિત મતભેદ અને મતદાર યાદીઓની ખાસ ગહન સુધારણા (SIR) પ્રક્રિયાના વિરોધમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. CJPના સ્થાપક અભિજીત દીપકે આ સપ્તાહની શરૂઆતમાં જ જાહેરાત કરી હતી કે જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો આ આંદોલન મુંબઈથી શરૂ થઈને દેશભરના શહેરોમાં પહોંચશે. સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનની જાહેરાત કરતા દીપકે તેમના સમર્થકોને ગાંધી જયંતીના દિવસે લોકશાહી બચાવવા માટે એકઠા થવા અપીલ કરી હતી. શિવાજી પાર્ક ખાતે સૂચિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દાદર સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે.
ગાંધી જયંતીના દિવસે 2 ઓક્ટોબરે મુંબઈના શિવાજી પાર્ક ખાતે યોજાયેલા CJPના મોટા વિરોધ પ્રદર્શનમાં પ્રખ્યાત સંગીતકાર અને સંગીત નિર્દેશક વિશાલ દદલાણીએ હાજરી આપી હતી. જ્યાં હાજર જનમેદનીએ હાથમાં ભારતીય ત્રિરંગા લહેરાવ્યા હતા. આ આંદોલનમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર તુરંત રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.
પ્રદર્શનકારીઓને સંબોધિત કરતા CJP નેતા અભિજીત દીપકેએ સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું કે NEET પેપર લીક મુદ્દે જંતર મંતર ખાતે યોજાયેલા પ્રદર્શનના બે મહિનાની અંદર જ લોકોને ફરીથી રસ્તા પર આવવાની ફરજ પડી છે. આ સાથે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પડકાર ફેંકતા કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ શિવાજી પાર્કમાં એકઠા થયેલા આ પ્રદર્શનકારીઓની ધરપકડ કરીને બતાવે. આ આંદોલનને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

દાદર સ્ટેશન આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત અને કડક બેરિકેડિંગ હોવા છતાં, પ્રદર્શનકારીઓ હાથમાં ત્રિરંગા અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરતા પ્લેકાર્ડ્સ સાથે શિવાજી પાર્ક પહોંચવામાં સફળ રહ્યા હતા. આ પ્રદર્શનમાં SFI અને AISFના કાર્યકરો પણ જોડાયા હતા. આ ઉપરાંત, જાણીતા અભિનેત્રી શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, વિશાલ દદલાણી અને સામાજિક કાર્યકર તુષાર ગાંધી પણ આ એકત્રિત જનમેદનીમાં જોવા મળ્યા હતા.
મુંબઈમાં CJP સ્થાપક અભિજીત દીપકે વિરુદ્ધ 'અભિજીત દીપકે ગો બેક'ના નારા લગાવવામાં આવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે જ સભાસ્થળે સમર્થકો અને વિરોધ કરનારાઓ સામસામે આવી જતાં આ ઘટના બની હતી. ઘટના દરમિયાન પોલીસે કડક સુરક્ષા જાળવી રાખી હતી.
https://twitter.com/Cockroachisback/status/2105995389296124046
મુંબઈમાં મંત્રાલય બહાર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે 'જેનનેક્સ્ટ' (GenNext) નામના જૂથે કોકરોચ જનતા પાર્ટી અને તેના સ્થાપક અભિજીત દીપકે વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે દીપકે અને CJP યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેઓ આમ આદમી પાર્ટી તથા અરવિંદ કેજરીવાલની બી-ટીમ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે CJPની માંગણીઓને અસંવૈધાનિક અને ગેરકાનૂની ગણાવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉશ્કેરણીજનક નારાબાજી પણ કરવામાં આવી હતી.
CJPએ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયામાં પૂર્ણ પારદર્શિતા લાવવાની અને વર્ષ 2025ની મતદાર યાદી પર રોક લગાવવાની માંગ કરી છે. આ વિરોધ પ્રદર્શન એ અહેવાલો બાદ શરૂ થયું છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ SIR સંબંધી નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે તમામ નિર્ણયો સર્વસંમતિથી જ લેવામાં આવ્યા હતા.
ગુરુવારે સાંજે CJP સ્થાપક અભિજીત દીપકેને મરીન ડ્રાઇવ પરથી મુંબઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે તેમની અટકાયત કરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, દીપકે સાંજે 5 વાગ્યાના સુમારે મરીન ડ્રાઇવ પર લોકોને મળી રહ્યા હતા અને ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓને પ્રશ્નો પૂછી રહ્યા હતા.
બીજી તરફ, દીપકેની ટીમે દાવો કર્યો હતો કે એક મહિલા પોલીસ અધિકારીએ તેમને ચા પીવા માટે સાથે આવવા કહ્યું હતું અને સ્ટેશન લઈ ગયા હતા, જ્યાંથી બાદમાં તેમને જવા દેવામાં આવ્યા હતા. મહિલા અધિકારીએ કથિત રીતે તેમને કહ્યું હતું કે તેમની ચા બાકી છે. પાછળથી દીપકે આક્ષેપ કર્યો હતો કે તેમને કોઈ ચા આપવામાં આવી નહોતી અને આ આખો ઘટનાક્રમ માત્ર તેમનો સમય બગાડવા માટે કરવામાં આવ્યો હતો. તેમની ટીમે આ ઘટનાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો હતો. શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ CJPના આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું અને લોકોને આ આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. 'X' (ટ્વિટર) પર એક પોસ્ટ મૂકીને તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારે લોકોનો વોટ અને તેમનો અવાજ છીનવી લીધો છે. તેમણે કહ્યું કે આ લડાઈ રાજકારણ માટે નહીં પરંતુ લોકશાહી, મતદાના અધિકાર અને બંધારણને બચાવવા માટેની છે. આ સાથે તેમણે પણ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી.

શિવાજી પાર્ક ખાતે પ્રદર્શનકારીઓએ પોતાની માંગણીઓ રજૂ કરવા માટે અનોખી અને સર્જનાત્મક રીતો અપનાવી હતી. સાયન (Sion) ના વિદ્યાર્થી મનીષ મંડલે મેલોડી ચોકલેટના રેપર્સમાંથી બનાવેલી જ્વેલરી પહેરી હતી અને તેના હાથમાં ફ્રોડ ડિટરજન્ટ પાવડર લખેલું બેનર હતું. તો બીજી તરફ પુણેના AISFના જૂથે સંગીતના સાધનો વગાડીને ચલે જાઓ, વાપસ દો અને બંધ કરો જેવા ઉત્સાહી નારા લગાવ્યા હતા. પ્રચંડ ગરમી, પોલીસના બેરિકેડ્સ અને ભારે સુરક્ષા વચ્ચે પણ મોટી સંખ્યામાં યુવાનો, SFIના સભ્યો અને વિદ્યાર્થી સંગઠનો શિવાજી પાર્ક ખાતે એકઠા થયા હતા અને સતત વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

