- Entertainment
- યુવાન દેખાવા માટે શેફાલી જરીવાલા કરાવી રહી હતી આ સારવાર, શું હાર્ટ પર દવાની અસર પડી?
યુવાન દેખાવા માટે શેફાલી જરીવાલા કરાવી રહી હતી આ સારવાર, શું હાર્ટ પર દવાની અસર પડી?

‘કાંટા લગા ગર્લ’ ફેમ એક્ટ્રેસ શેફાલી જરીવાલાના મોતના સમાચારથી દરેકને ઝટકો લાગ્યો છે. તેના મોતનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં હાર્ટ એટેક જ તેના મોતનું કારણ છે કે કોઈક બીજું કારણ, પોલીસ તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે શેફાલી એન્ટિ એજિંગ ટ્રિટમેન્ટ લઈ રહી હતી. એવી માહિતી સામે આવી છે કે, તે છેલ્લા 5-6 વર્ષથી એન્ટિ એજિંગ સારવાર લઈ રહી હતી. તેની સારવાર કરી રહેલા ડૉક્ટરે જણાવ્યું હતું કે એન્ટિ એજિંગનો મતલબ થાય છે યુવાન દેખાવા માટે કરવામાં આવતી સારવાર. તેના માટે તે 2 દવાઓ લઈ રહી હતી.

શું હાર્ટ પર થઈ આ દવાઓની અસર?
શેફાલી વિટામિન C અને ગ્લુટાથિઓન (Glutathione) નામની દવાઓ લઈ રહી હતી. એવામાં સવાલ ઊઠે છે કે શું આ દવાઓની અસર તેના હાર્ટ પર થઈ છે? ડૉક્ટરે આ સવાલનો જવાબ પણ આપ્યો છે અને કહ્યું છે કે આ દવાઓની અસર હાર્ટ પર નહીં પરંતુ સ્કીન પર થાય છે. આ દવાઓ સ્કીન ફેરનેસ માટે લેવામાં આવે છે. આ દવાઓનો હાર્ટ સાથે કોઈ સંબંધ નથી. એવું પણ જાણવા મળ્યું છે કે શેફાલી લગભગ 15 વર્ષ સુધી Epilepsyથી પીડિત હતી. જોકે, તેના મોતનું સાચું કારણ શું છે, તેની જાણકારી તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.

શેફાલીના મોતના સમાચાર શુક્રવારે મોડી રાત્રે સામે આવ્યા હતા. પોલીસને રાત્રે 1:00 વાગ્યે માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસ તાત્કાલિક શેફાલીના ઘરે પહોંચી હતી. તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ પોલીસ શેફાલીના રસોઈયા અને નોકરાણીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. શેફાલીના પતિ પરાગ ત્યાગીનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસે પરાગ સહિત 4 લોકોના નિવેદન નોંધ્યા છે.