- Entertainment
- આ રાજ્યમાં સરકારે થિયેટર ટિકિટની મહત્તમ કિંમત ₹200 નક્કી કરી, એનાથી વધુ નહીં લઈ શકાય
આ રાજ્યમાં સરકારે થિયેટર ટિકિટની મહત્તમ કિંમત ₹200 નક્કી કરી, એનાથી વધુ નહીં લઈ શકાય
કર્ણાટક સરકારે રાજ્યભરના મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરોમાં ફિલ્મ ટિકિટની મહત્તમ કિંમત ₹200 નક્કી કરવાની ઔપચારિક જાહેરાત કરી છે. રાજ્ય સરકારે જણાવ્યુ કે આ નવો નિયમ મનોરંજન કર સહિત લાગુ પડશે. આ પગલું મુખ્યત્વે કન્નડ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું અને સામાન્ય દર્શકોને મોંઘી ટિકિટોના ભારથી મુક્તિ આપવા માટે લેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ નીતિનું વચન આ વર્ષના બજેટ દરમિયાન આપ્યું હતું, જે હવે અમલમાં આવી છે. અગાઉ કેટલાક પોપ્યુલર શો માટે ટિકિટની કિંમતો ₹500થી ₹1000 સુધી પહોંચી જતી હતી, પરંતુ હવે કોઈ પણ શો, થિયેટર કે સીટ માટે ટિકિટ ₹200 કરતા વધુ નહીં રહે.
ફિલ્મ ઉદ્યોગનો સકારાત્મક પ્રતિસાદ
કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC) અને કર્ણાટક ફિલ્મ પ્રદર્શક સંઘે આ નિર્ણયને આવકાર્યો છે. તેમનું માનવું છે કે સસ્તી ટિકિટથી કન્નડ ફિલ્મોને નવી audience મળશે અને ખાસ કરીને તે ફિલ્મો માટે મદદરૂપ થશે જે હિન્દી અને દક્ષિણ ભારતની અન્ય ભાષાઓની મહામૂલ્ય ફિલ્મો સામે ટકી શકતી ન હતી. મુખ્યમંત્રીએ આ નિર્ણયને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ મહત્વનો ગણાવ્યો છે અને જણાવ્યું કે કન્નડ સિનેમા રાજ્યની ઓળખ છે, જેને લોકો સુધી પહોંચાડવી જરૂરી છે.
દક્ષિણ ભારતના અન્ય રાજ્યોની સ્થિતિ
કર્ણાટકના આ પગલાં અગાઉ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ટિકિટની મહત્તમ કિંમત માટે નિયંત્રણ લગાવવામાં આવ્યું છે.
તમિલનાડુ: ટિકિટનો દર ₹60થી ₹200 સુધી નક્કી છે.
આંધ્ર પ્રદેશ: 2022થી થિયેટરોને વિવિધ શ્રેણીમાં વહેંચીને ટિકિટ માટે અલગ મહત્તમ દર નક્કી કરાયો છે, જેમાં મલ્ટિપ્લેક્સની રિક્લાઇનર સીટ માટે ₹250 સુધી મંજૂરી છે.
તેલંગાણા: સામાન્ય સીટ માટે ₹295 અને પ્રીમિયમ સીટ માટે ₹350 સુધીનો દર માન્ય છે.
પરંતુ આ તમામ રાજ્યોમાં કિંમત થિયેટરની Category અને સીટના આધારે બદલાય છે, જ્યારે કર્ણાટકનો ₹200નો દર તમામ પ્રકારની સીટ અને સ્ક્રીન માટે સમાન રહેશે, જે તેને વિશિષ્ટ બનાવે છે.
મલ્ટિપ્લેક્સ માલિકોની ચિંતાઓ અને સરકારનો પ્રતિસાદ
મલ્ટિપ્લેક્સ માલિકોનું માનવું છે કે ટિકિટ દર પર ભાવ મર્યાદા તેમના મારેજીન અને આવક પર અસર કરશે. ખાસ કરીને પ્રીમિયમ સીટો અને ઉચ્ચ કિંમતે વેચાતી ટિકિટો તેમના બિઝનેસ માટે આવકના મુખ્ય સ્ત્રોત રહ્યા છે. સરકારનું કહેવું છે કે જો ટિકિટ સસ્તી થશે તો વધુ લોકો થિયેટર તરફ દોરાશે, જેનાથી આવકની કમીની ભરપાઈ થઈ શકે છે. ઉદ્યોગના અન્ય સંગઠનો પણ માને છે કે લાંબા ગાળે આ નીતિ સિનેમાને વધુ વ્યાપક બનાવશે અને સમગ્ર ઉદ્યોગ માટે લાભદાયક સાબિત થશે.
ભવિષ્યમાં અન્ય રાજ્યો પણ અપનાવી શકે છે આ મોડેલ
કર્ણાટકનું આ મોડેલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે, ખાસ કરીને જ્યાં ટિકિટના દરોને લઈને લોકોમાં અસંતોષ છે. કેરળમાં ટિકિટની ઊંચી કિંમતોના મુદ્દે ચર્ચા ચાલી રહી છે, પરંતુ ત્યાં હજી સુધી કોઈ સ્પષ્ટ નીતિ લાગુ કરવામાં આવી નથી. જો કર્ણાટકમાં આ નવો નિયમ સફળ થશે તો તે અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બની શકે છે.

