- Entertainment
- સલમાન ખાન 10 હજાર કરોડનું રોકાણ કરવાનો છે
સલમાન ખાન 10 હજાર કરોડનું રોકાણ કરવાનો છે
અભિનેતા હોવા ઉપરાંત, સલમાન ખાન રોકાણકાર તરીકે પણ ખુબ સક્રિય રહે છે. તેમની કંપની, સલમાન ખાન પ્રોડક્શન્સ, ફિલ્મોનું નિર્માણ કરે છે અને 'બીઇંગ હ્યુમન' નામની કપડાં બ્રાન્ડ પણ ધરાવે છે. એવું કહેવાય છે કે, તેઓ હવે સલમાન ખાન વેન્ચર્સ દ્વારા તેલંગાણામાં મોટા રોકાણની યોજના બનાવી રહ્યા છે. આ એક ટાઉનશીપ હશે, જેનો વિકાસ કરવા માટે આશરે 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
સલમાન ખાન વેન્ચર્સ (SKV) તેલંગાણામાં વૈશ્વિક સ્તરના ફિલ્મ સ્ટુડિયો સાથે એક વિશ્વ કક્ષાનું ટાઉનશીપ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ જાહેરાત તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ દરમિયાન કરવામાં આવી હતી. આ ઇવેન્ટનો હેતુ મહત્તમ રોકાણ આકર્ષવાનો અને તેલંગાણાને 3 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો છે.
સલમાન ખાને પણ હવે આ પ્રોજેક્ટમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. તેમના રોકાણનું સૌથી મોટું આકર્ષણ એક એવો સ્ટુડિયો છે, જેમાં ભવિષ્યની ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય પ્રોડક્શન્સ કરવામાં આવશે. આ સાથે અહીં પોસ્ટ-પ્રોડક્શન સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં VFX સપોર્ટ અને પ્રતિભા વિકાસ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સલમાન ખાન અને અન્ય રોકાણકારો તેલંગાણાને ફિલ્મ અને મીડિયા હબ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ બોલિવૂડ અભિનેતાએ રાજ્યમાં આવા રોકાણને ટેકો આપ્યો છે.
ટાઉનશીપની વાત કરીએ તો, SKV તેને આશરે 500 એકર જમીન પર વિકસાવશે. તેમાં રહેવા માટે પ્રીમિયમ મકાનો, વાણિજ્યિક ઝોન, લક્ઝરી હોટલ, છૂટક દુકાનો, પાર્કિંગ, જીમ, સ્વિમિંગ પુલ, રમતગમતના મેદાનો અને અન્ય વિવિધ મનોરંજન સ્થળોનો સમાવેશ થશે. આ ઉપરાંત અહીં ગોલ્ફ કોર્સ, રેસ કોર્સ, નેચર ટ્રેલ્સ અને શૂટિંગ રેન્જનું પણ આયોજન છે. આ રોકાણ પાછળનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના વ્યવસાયનું સર્જન કરવાનો, યુવાનોને રોજગારી પૂરી પાડવાનો અને પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે.
SKV ઉપરાંત, ટ્રમ્પ મીડિયા અને ટેકનોલોજી ગ્રુપે પણ રૂ. 41,000 કરોડના રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓ રાજ્યમાં એક આંતરરાષ્ટ્રીય મીડિયા અને સ્માર્ટ ટેકનોલોજી સેન્ટર વિકસાવશે. જ્યારે, બ્રુકફિલ્ડ-એક્સિસ વેન્ચર્સ કન્સોર્ટિયમે 'ભારત ફ્યુચર સિટી'માં રૂ. 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે.

