- Entertainment
- આર્થિક મુશ્કેલીથી પસાર થઈ રહેલા અભિનેતા શરદ કપૂરની મદદે આવ્યા સોનુ સૂદ-સલમાન ખાન
આર્થિક મુશ્કેલીથી પસાર થઈ રહેલા અભિનેતા શરદ કપૂરની મદદે આવ્યા સોનુ સૂદ-સલમાન ખાન
અભિનેતા સોનુ સૂદે સોમવારે 'જોશ' ફિલ્મના અભિનેતા શરદ કપૂર સાથે મુલાકાત કરી હતી. શરદ કપૂર છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને તાજેતરમાં જ નાદુરસ્ત તબિયત તથા આર્થિક મુશ્કેલીઓને કારણે પોતાના પાલતુ શ્વાનને શેલ્ટર હોમમાં મૂકવાના અહેવાલોને લઈને ચર્ચામાં આવ્યા હતા. મુંબઈની એક હોસ્પિટલની બહાર બંને અભિનેતાઓની મુલાકાતના અનેક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.

જોકે બાદમાં જાણવા મળ્યું કે સોનુ સૂદે માત્ર કપૂર સાથે મુલાકાત જ નથી કરી, પરંતુ તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવા માટે તબીબી સહાય પૂરી પાડવાની પણ ઓફર કરી છે.
View this post on InstagramA post shared by Bezubaan Public Welfare Trust (@official_bezubaantrust)
મુલાકાત દરમિયાન સોનુ સૂદે શરદ કપૂર સાથે તેમના સ્વાસ્થ્ય અને આર્થિક પડકારો અંગે વાતચીત કરી હતી અને તેમને તબીબી સહાયની ખાતરી આપી હતી. ત્યારબાદ શરદ કપૂરે પુષ્ટિ કરી હતી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસે મદદની અપીલ કરતું નિવેદન જાહેર કર્યા બાદ તેમનો સંપર્ક કરનાર અનેક સેલિબ્રિટીઓમાં સોનુ સૂદ પણ સામેલ હતા.
તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મારી પોસ્ટ બાદ બચ્ચન સાહેબ (અમિતાભ બચ્ચન), સલમાન ખાન અને સોનુ સૂદ સહિત ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ મારો સંપર્ક કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 'જોશ' ફેમ અભિનેતાએ ગયા અઠવાડિયે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે વરિષ્ઠ અભિનેતાઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સભ્યો, ખાસ કરીને 'સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન' (CINTAA) ને કામ અપાવવામાં મદદ કરવા માટે અપીલ કરી હતી.
ગયા અઠવાડિયાની શરૂઆતમાં, એક વીડિયોમાં શરદ કપૂર અત્યંત નબળા દેખાતા હતા અને તેમના શ્વાનને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ અભિનેતાએ એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે તેઓ જનતા પાસેથી પૈસા નથી માંગી રહ્યા અને તેમણે માત્ર પોતાના ચાર શ્વાનની અસ્થાયી સંભાળ રાખવાની વ્યવસ્થા કરવા માટે જૂના મિત્ર હેમા ચૌધરીનો સંપર્ક કર્યો હતો.
બાદમાં તેમણે 'બોમ્બે ટાઈમ્સ' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, લોકો એવું કહી રહ્યા છે કે મને મદદની જરૂર છે. મને લાગે છે કે જ્યાં સુધી તમે આવું ન કહો, ત્યાં સુધી તમને વ્યૂઝ મળતા નથી. સમસ્યા એ છે કે મને ઘરની સફાઈ કરવા માટે કોઈ વ્યક્તિ મળી રહી નથી, બસ આ જ એકમાત્ર મુદ્દો છે. મેં મારા શ્વાનની મદદ માટે હેમાનો સંપર્ક કર્યો હતો. તે એક ખૂબ જ ઉમદા મહિલા છે, જેઓ આવ્યા અને શ્વાનને તેમના શેલ્ટર હોમમાં લઈ ગયા. થોડા દિવસોમાં તેઓ પાછા મારી પાસે આવી જશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હવે હું આ ઘર વેચીને બીજે ક્યાંક શિફ્ટ થવાનું વિચારી રહ્યો છું, જેથી બધું યોગ્ય રીતે ગોઠવાઈ જાય. આર્થિક રીતે હું બિલકુલ ઠીક છું. મારે બસ સારા કામની જરૂર છે. કામ માંગવામાં મને કોઈ શરમ નથી. હાલમાં મને પ્રોજેક્ટ્સ મેળવવામાં થોડી મુશ્કેલી પડી રહી છે, તેથી મને આશા છે કે લોકો મને ટેકો આપશે. ઈન્ડસ્ટ્રીએ હંમેશા મને સાથ આપ્યો છે અને હું અહીંના લોકોને પ્રેમ કરું છું. ઘણા લોકોએ મને પૂછવા માટે સંપર્ક કર્યો કે શું મને કોઈ મદદની જરૂર છે, પરંતુ મેં બધા પાસે માત્ર કામ જ માંગ્યું છે.
શરદે જણાવ્યું કે બે મહિના પહેલા ફૂટબોલ રમતી વખતે તેમનો પગ તૂટી ગયો હતો. આ ઈજા અને અન્ય અંગત તણાવની અસર તેમના મનોબળ પર પડી હતી. તેમને સાજા થવામાં હજુ વધુ ત્રણ મહિના લાગવાની અપેક્ષા છે, પરંતુ તેઓ ફરીથી પડદા પર વાપસી કરવા માટે આશાવાદી છે.
પોતાની આર્થિક સ્થિતિ અંગે ઉઠેલા સવાલોના જવાબ આપતા શરદે કહ્યું કે, તેમને હવે કારની જરૂર ન હોવાથી તેમણે પોતાની કાર વેચી દીધી છે.
અભિનેતાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું, મારે કારની જરૂર નહોતી એટલે મેં તે વેચી દીધી. અત્યારે હું જે એકમાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છું તે એ છે કે મેં મારી ક્રિપ્ટોકરન્સી વેચ્યા બાદ મારું બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યું છે. આવકવેરા (ઈન્કમ ટેક્સ) વિભાગે મને પૂછ્યું કે આ પૈસા ક્યાંથી આવ્યા, અને મેં સમજાવ્યું કે તે ક્રિપ્ટોકરન્સીમાંથી આવ્યા છે, પરંતુ તેનાથી સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં. મેં આ કાર્યવાહી સામે અપીલ કરી છે.
અખબારની મુલાકાત દરમિયાન શરદના નિવાસસ્થાને એક મહિલા અને એક નાનું બાળક પણ જોવા મળ્યા હતા. શરદે તે મહિલાની ઓળખ પોતાની ગર્લફ્રેન્ડ તરીકે આપી હતી, પરંતુ તેમનું નામ જાહેર કર્યું ન હતું. શરદે જણાવ્યું કે તેઓ ચાર વર્ષ પહેલા મળ્યા હતા, છેલ્લા બે વર્ષથી સાથે (લિવ-ઈનમાં) રહે છે અને ગયા મહિને જ તેમના ઘરે આ બાળકનો જન્મ થયો છે.
નોંધનીય છે કે અભિનેતા શરદ કપૂર 'દસ્તક', 'જોશ', 'લક્ષ્ય' અને 'જય હો' જેવી જાણીતી ફિલ્મોમાં તેમના અભિનય માટે ઓળખાય છે.

