- Gujarat
- AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું
AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પોતાની અણઘડ નીતિઓને કારણે ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના હેતુથી કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું મલ્ટીલેવલ કાર પાર્કિંગ હવે કોર્પોરેશન વેચીં દેવાની તૈયારી કરી રહ્યું છે. તંત્રના આ નિર્ણયને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં જમીન અને બિલ્ડિંગની કિંમત મળી કુલ 350 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ કોમ્પલેક્ષને વેચવામાં આવતા વિપક્ષે આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું અને હવે તેને બે વર્ષમાં જ વેચવા કાઢવું પડ્યું છે.
અમદાવાદમાં રોડ પર ટ્રાફિક સમસ્યા માટે પાર્કિંગ પણ એક કારણ છે જેથી પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે AMC દ્વારા શહેરમાં મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ બનાવી રહી છે અને પાર્કિંગ તેમજ તેની બિલ્ડિંગોમાં આવેલી ઓફિસો તેમજ દુકાનો વેચવા માટે પણ તંત્રને ફાફા પડી રહ્યા છે. પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગની ઉપરની આવેલી દુકાનો-ઓફિસો વેચવા માટે 4 વખત ટેન્ડર કરવા છતા કોઇ ખરીદદાર ન મળતા આખરે AMCએ પાર્કિંગની જગ્યા સહિત તમામ સંપત્તિ વેચવા માટે મુકી છે. જેની અંદાજિત કિંમત 350 કરોડ રૂપિયા મૂકવામાં આવી છે.
શું છે વેચાણની વિગત?
AMCને આ પાર્કિંગની કિંમત નક્કી કરવા માટે જમીન અને બાંધકામ બંનેના મૂલ્યોને ધ્યાનમાં લીધા છે:
જમીનની કિંમત: આશરે 274 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
કુલ તળિયાની કિંમત (Base Price): ટેન્ડર માટે 367 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે.
આ કિંમતમાં પાર્કિંગનું સ્ટ્રક્ચર અને તેની નીચેની કિંમતી જમીન એમ બંનેનો સમાવેશ થાય છે.
AMCની સામાન્ય સભામાં પણ વિપક્ષના નેતાએ આ મુદ્દે કહ્યું હતું કે, ‘મલ્ટીલેવલ પાર્કિંગ એક નમૂનો છે. પ્રહલાદ નગર પાર્કિંગ 2 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યું છે. હવે પૂરું પાર્કિંગ કમ કોમ્પલેક્ષ વેચવા કાઢ્યું છે. પ્રાઇમ લોકેશન હોવા છતા પણ કોઈ ખરીદદાર મળ્યા નથી, ત્યારે કરોડો રૂપિયાની કિંમતના આવા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પલેક્ષ વેચવા પડ્યા છે.’
વિપક્ષના નેતાના આરોપો પર બોલતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ‘આગામી સમયમાં કોમનવેલ્થ અને ઓલમ્પિક આવી અમદાવાદમાં આવી રહી છે. ત્યારે પાર્કિંગની સુવિધા સાથે લોકોને બિઝનેસ થાય તેના માટે આ મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પલેક્ષ વેચાણમાં મૂકવામાં આવ્યું છે.’
અમદાવાદના પ્રહલાદનગર ચાર રસ્તા પાસે AMC દ્વારા 76 કરોડથી વધુના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. જોકે, 2 વર્ષ અગાઉ બનેલું આ મલ્ટીલેવલ પાર્કિંગ સતત ખાલી રહેતું હતું. મલ્ટીલેવલ પાર્કિંગમાં 2-4 માળ પાર્કિંગ માટે અને તેથી ઉપરના તમામ ફ્લોરને ઓફિસો માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો માટે વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે માટે તેની તે સમયે પ્રતિ ચો.મી. કિંમત 4.03 લાખ રૂપિયા અને બાંધકામના 76.11 રૂપિયા કરોડ નક્કી કરાયા હતા. જે લેખે ભાવ મુકવામાં આવ્યો હતો. 2 વખત વેચાણ માટે જાહેરખબર આપવા છતા કોઇ ખરીદદાર મળ્યા નહીં.
AMC દ્વારા પ્રહલાદ નગર મલ્ટીલેવલ પાર્કિંગમાં તમામ ઓફિસો અને ફ્લોરને વેચવા માટે આ સંપત્તિનો ભાવ ઘટાડી 3.96 લાખ રૂપિયા પ્રતિ ચો.મી. નક્કી કરાયો હતો. ત્યારબાદ પણ બે વખત જાહેર હરાજી કરવામાં આવી હોવા છતા કોઇ ખરીદાર મળ્યો નહોતો. કુલ 4 વખત પ્રહલાદ નગર મલ્ટીલેવલ પાર્કિંગમાં આવેલા પાંચમા માળથી આઠમા માળ અને ગ્રાઉન્ડ ફ્લોર સહિતની દુકાનોને વેચવા માટે જાહેરાત કરવામાં આવી હોવા છતા કોઈએ રસ દાખવ્યો નહોતો.
આખરે AMCએ પાર્કિંગ સહિતની તમામ જગ્યા વેચવા માટે તૈયારી દર્શાવી છે. આ જગ્યા 349.69 કરોડમાં વેચાણ માટે મુકી છે. ત્યારે જ્યાં નાગરિકો માટે બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગની આખી સંપત્તિ જ ખાનગી વ્યક્તિને વેચી દેવા માટે સ્ટેન઼્ડિંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
શહેરમાં પાર્કિંગની ગંભીર સમસ્યા હોવા છતા કરોડોના ખર્ચે બનેલી સુવિધાને જાળવવાના બદલે તેને ખાનગી હાથોમાં સોંપી દેવાના નિર્ણયથી વિપક્ષ અને સામાન્ય જનતા સવાલ ઉઠાવી રહી છે. શું આ રીતે સરકારી સંપત્તિ વેંચીને જ વહીવટ ચલાવવામાં આવશે?

