- Gujarat
- સોમનાથ મંદિર નજીક મોડી રાત્રે ડિમોલિશનનું ભૂત ધૂણ્યું, પુરાતત્વ વિભાગનો રક્ષિત ફારસી શિલાલેખ કોના આદ...
સોમનાથ મંદિર નજીક મોડી રાત્રે ડિમોલિશનનું ભૂત ધૂણ્યું, પુરાતત્વ વિભાગનો રક્ષિત ફારસી શિલાલેખ કોના આદેશથી તોડી નખાયો?
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર નજીક મોડી રાત્રે રાત્રિના અઢી વાગ્યાના અરસા તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા ખળભળાટ મચી ગયો હતો. મંદિરના દિગ્વિજય દ્વાર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી કુલ 4 દુકાનો, 1 રહેણાંક મકાન અને 1 ધાર્મિક સ્થળને દૂર કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે અચાનક શરૂ થયેલી કાર્યવાહીને પગલે મંદિર આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી. જો કે, આ સમગ્ર કાર્યવાહી વચ્ચે સ્થળ પર રહેલા પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા ફારસી શિલાલેખની હાલની સ્થિતિ અંગે સવાલો ઉઠ્યા છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, બુલડોઝર સહિતના સાધનોની મદદથી અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા બાદ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. દરમિયાન રક્ષિત સ્મારક કોના આદેશથી તોડ્યું તેવો ઉઠ્યો છે? મામલે કલેક્ટરે પણ મૌન ધારણ કર્યું છે.
આ સ્થળની સૌથી ખાસ વાત એ છે કે અહીં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવેલું બોર્ડ પણ હતું. તેના પર ફારસી શિલાલેખ અંગેની માહિતી આપવામાં આવી હતી. અહીં ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જિદમાં ફારસી લિપિમાં કોતરાયેલો શિલાલેખ આવેલો હતો. તેમાં સુલતાન અહમદશાહ બિન મહમ્મદશાહના સમયમાં અબુલફતાએ આ મસ્જિદ બનાવી હોવાની હકીકતનો ઉલ્લેખ હોવાનું જણાવાયું હતું.
સ્થળ પર અન્ય એક શિલાલેખ અંગે જૂનાગઢ સ્ટેટના એનશન્ટ મોન્યુમેન્ટ સંબંધિત કાયદાનો ઉલ્લેખ કરતું બોર્ડ પણ હતું, જેમાં શિલાલેખને નુકસાન પહોંચાડનાર, તેને બેડોળ બનાવનાર અથવા મૂળ સ્થાનેથી હટાવનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરવાની જોગવાઈ દર્શાવાઈ હતી. તંત્રનો દાવો છે કે સોમનાથ કોરિડોર અંતર્ગત સરકારે વેચાણથી મેળવેલી મિલકતોનું જ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે પણ વિગતવાર સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સોમનાથ જેવા ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ સ્થળે રક્ષિત સ્મારકની સ્થિતિ અંગે તંત્ર અને પુરાતત્ત્વ વિભાગ દ્વારા વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.
ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે આ મિલકતો સોમનાથ કોરિડોરના વિકાસ અને વિસ્તરણમાં નડતરરૂપ બનતી હતી, જેને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ડિમોલિશનની આ કાર્યવાહી કરતા પહેલા નિયમ મુજબ વળતરની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે શરૂ થયેલી આ કામગીરીથી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
etvbharat.comના અહેવાલ મુજબ, સોમનાથ કોરિડોરના વિકાસને લઈને અગાઉથી મિલકતો ખરીદવાની અને વિસ્તાર ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે આ પ્રક્રિયાને આગળ વધારી રાત્રિના સમયે કરવામાં આવેલી કાર્યવાહી બાદ સોમનાથમાં કોરિડોર પ્રોજેક્ટ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આગામી સમયમાં અન્ય અગાઉથી ખરીદાયેલી મિલકતો અંગે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.

