- Gujarat
- હાઇ કોર્ટે કેમ કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે
હાઇ કોર્ટે કેમ કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે
લોક સાહિત્યકાર દેવાયત ખવડે તેના પર નોંધાયેલ 307નો કેસ માંડવાળ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી છે. ચાંગોદરમાં થયેલી મારામારીની ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ રદ કરવા માટે ક્વોશિંગ પિટિશન દાખલ કરી છે. દેવાયત ખવડ અને ફરિયાદી પક્ષ એમ બંને પક્ષના વકીલે હાઇકોર્ટમાં કહ્યું કે, બંને પક્ષ વચ્ચે સમાધાન થયું છે.
આ ક્વોશિંગ પિટિશન વાંચતા જ હાઈકોર્ટે તીખો સવાલ કર્યો હતો કે, ‘307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે, હાઇકોર્ટે પ્રથમ દૃષ્ટિએ જ માન્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે.’ લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર કુલ 6 જેટલા નાના મોટા ગુના નોંધવામાં આવ્યા છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારી કેસ રિપોર્ટ અને બંને પક્ષકારોને ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે આ ક્વોશિંગ પિટિશન અંગેની વધુ સુનાવણી 19 ફેબ્રુઆરીએ થશે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, દેવાયત ખવડે ગુજરાત હાઇકોર્ટમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. તેમાથી તેની સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અને તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવાની પણ એક અરજી છે. આ સંદર્ભે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવાની અરજી ફરિયાદી અને આરોપીની સહમતિથી થઈ છે. હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દેવાયત ખવડ સામે કુલ 6 ગુના નોંધાયેલા છે. જેમાંથી 3 ગુનામાં તે નિર્દોષ છૂટ્યો છે, 2 ગુનામાં સમાધાન થયું છે અને 1 બાકી છે.
હાઇકોર્ટે દેવાયત ખવડની ફરિયાદ રદ કરવાની અરજી સંદર્ભે તપાસ અધિકારીને રિપોર્ટ આપવા માટે હુકમ કર્યો હતો. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે તીખી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘અરજદાર પ્રખ્યાત નહીં, પરંતુ કુખ્યાત છે અને માથાભારે છે.’ બીજી તરફ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા.
જો કે તાલાલામાં તેણે એક વ્યક્તિ પર હુમલો કરતા આ જામીન રદ કરવામાં આવ્યા હતા. એટલે પોલીસ તેની અટકાયત કરે તે અગાઉ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે તેને 9 ફેબ્રુઆરી સુધીનું રક્ષણ આપ્યું છે. દેવાયત ખવડના આ કેસો ઉપર આગામી સમયમાં હાઇકોર્ટમાં વધુ સુનવણી થશે.
ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, ભગવતસિંહ ચૌહાણે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેની સામે દેવાયત ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેને માર્ચ મહિનામાં શરતો સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ શરતો મુજબ દેવાયત ખવડે કોઈ પણ ક્રિમિનલ કેસમાં સંડોવાવું નહીં, પરંતુ તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતા તેણે દેવાયત ખવડના આગોતરા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને દેવાયત ખવડને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા હુકમ કર્યો હતો.

આરોપી તરફથી રજૂઆત કરાઈ હતી કે એક વખત જામીન અપાયા બાદ અસામાન્ય સંજોગો સિવાય જામીન રદ કરી શકાતા નથી. જો કે કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ આગોતરા જામીન પર છૂટ્યા બાદ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો. તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. તેને ધમકી આપીને જામીનની શરતોનો ભંગ કર્યો છે. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. દેવાયત ખવડે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.
ચાંગોદરમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યું હતું કે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ તેના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને 8 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા 8 લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા. પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. સાથે જ ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે દેવાયત ખવડ આવવાનો હોવાથી તેણે અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા. તેમ જ સ્ટેજ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. દેવાયત ખવડે ફરિયાદીના ફાર્મ હાઉસ ઉપર સાથે ભોજન પણ લીધું હતું અને પ્રોગ્રામની જગ્યા પણ જોઈ હતી. પ્રોગ્રામની રાત્રે 11:30 કલાક સુધી દેવાયત ખવડ આવ્યો નહોતો. દેવાયત ખવડ અને તેનો PA પણ ફોન ઉપાડતો નહોતો. તે 2:00 વાગ્યા સુધી આવ્યો નહોતો. રાત્રે 3:00 વાગે ફરિયાદી ઉપર દેવાયત ખાવડનો સામેથી ફોન આવ્યો હતો.
બેનરો લાગી ચૂક્યા હોવાથી અને રૂપિયા લઈ લીધા હોવા છતા દેવાયત ખવડ ન આવવાથી સમાજમાં પોતાની બદનામી થઈ હોવાનું ફરિયાદીએ જણાવતા દેવાયત ખવડે ગુસ્સે થઈને તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી. જેમાં તેના ડ્રાઇવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.
રાજકોટના બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા પર દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ ધોકા-પાઇપ લઈ તૂટી પડ્યો હતો. પોલીસ આવવાના ભણકારા વાગતા જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. દેવાયત અને મયૂરસિંહનો વચ્ચેનો ઝઘડો જૂનો છે. અદાંજે નવેમ્બર-2021માં મયૂરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયો હતો ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો, જોકે જે-તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજના મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
દેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. આ નિવેદન બાદ માત્ર પટેલ સમાજ નહીં, પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો.
દિવંગત મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં 'ફ્રાય ફ્રેંચી' શબ્દ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. એ સમયે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરતા કહેતા હતા કે 'અમને તો એમ હતું કે જમી લીધું હશે, તમે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.
રૂપલમાં એક ડાયરામાં લોકકલાકાર બ્રિજરાજદાન ઈસરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે એ દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈસરદાનનું લોહી છું સાહેબ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઊતરીને માફી માગી લે છે.'
એ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે 'મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પુરાવા માઇકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળાં નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય છે.' બાદમાં મઢડા સોનલધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું.

