- Gujarat
- યુદ્ધની અસર ગુજરાત પર અસર દેખાવા લાગી, મોરબીમાં લોકોની રોજગારી પર સંકટ
યુદ્ધની અસર ગુજરાત પર અસર દેખાવા લાગી, મોરબીમાં લોકોની રોજગારી પર સંકટ
હાલમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે સાઉદીમાં મિસાઈલ હુમલો થયો છે અને સાઉદીથી મોરબીમાં જે પ્રોપેન ગેસની સપ્લાય થતી હોય છે તે સૌથી મોટી રિફાઇનરી ઉપર મિસાઇલ હુમલો કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આગ ગુજરાતના મોરબી સુધી પહોંચી ગઇ છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં પ્રોપેન ગેસનો પુરવઠો બુધવારથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે આગામી 24-48 કલાકમાં મોટાભાગના કારખાના બંધ થઈ જશે અને લાખો લોકોની રોજગારી પર સંકટ ઉભુ થયું છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મોરબીમાં લગભગ 600 જેટલા સિરામિક એકમો કાર્યરત છે. આ તમામ એકમોમાં પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પ્રોપેન ગેસ સપ્લાય કરતી એજન્સીઓએ 2 દિવસ અગાઉ ઓર્ડર લેવાનું બંધ કરી દીધું હતું અને આજથી કંડલા પોર્ટ પરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું પણ બંધ થઈ ગયું છે.
મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા ઉદ્યોગોને પણ પોતાનું ઉત્પાદન અને યુનિટ બંધ કરવાની નોબત આવી જશે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો મોરબીની અર્થવ્યવસ્થા પર ગંભીર નકારાત્મક અસર પડશે.
પ્રોપેન ગેસ તેમજ નેચરલ ગેસની શોર્ટેજની સ્થિતિ વચ્ચે મંગળવારે મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના હોદ્દેદારો અને ઉપયોગકારો મોટી સંખ્યામાં ગુજરાત ગેસ કોર્પોરેશન GSPCની કચેરીએ દોડી ગયા હતા અને તેમની પાસે પણ ગેસની ખેતી અંગે માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગુજરાતના અધિકારીઓએ તેમની સાથે બેઠક કરી હતી.
ગુજરાત ગેસ પાસે હાલ કેટલો જથ્થો છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. માત્ર ઉદ્યોગકારોને હાલ પૂરતા સ્ટોક હોવાનું કહી આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે, મોરબીના આ ઉદ્યોગો પર આગામી દિવસમાં ગેસ અછતની નવી મુશ્કેલી મંડરાઇ રહી છે. ત્યારે, ઉદ્યોગોને ખરેખર ગેસ ઉપલબ્ધ થશે કે કેમ તે આગામી સમય જ કહેશે.
મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશ બોપલિયાએ વિગતો જણાવ્યું હતું કે, કારખાનેદારો પાસે હાલમાં 24-48 કલાક ચાલે એટલો પ્રોપેન ગેસનો જથ્થો ઉપલબ્ધ છે. આ જથ્થો પૂરો થયા બાદ પ્રોપેન ગેસના અભાવે મોટાભાગના કારખાનાઓને ફરજિયાતપણે બંધ કરવા પડશે.
હરેશ બોપલિયા મતે, મોરબીનો સિરામિક ઉદ્યોગ આશરે 3 લાખ જેટલા શ્રમિકોને રોજગારી પૂરી પાડે છે. આ કારખાના બંધ થવાથી લાખો લોકોની રોજગારી પર પ્રશ્નાર્થ ઊભો થશે. આ ઉપરાંત, કારખાનેદારોને પણ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડશે. લોકોને લોનના હપ્તા ભરવાના ફાંફા પડી શકે છે.
સાંજ સમાચારના અહેવાલ મુજબ, આ બાબતે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધની પરિસ્થિતિને કારણે જે મિસાઈલ હુમલા થયા છે તેના લીધે પ્રોપેન ગેસની શોર્ટ સપ્લાય થાય અને ઉદ્યોગકારોને સમયસર પ્રોપેન ગેસ ન મળે આવી સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. જોકે ગેસની સપ્લાઈ કરતી કંપની કે ગેસને સપ્લાઇ કરતા સપ્લાયર દ્વારા પ્રોપેન ગેસની સપ્લાઇ વિષેની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવતી નથી.
પરંતુ જો ગેસની સપ્લાય ખોરવાઈ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પોતાના કારખાના બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં પ્રતિદિન સાડા પાંચ હજાર ટન જેટલો પ્રોપેન ગેસ સિરામિકના ઉત્પાદન માટે વાપરવામાં આવે છે. પરંતુ જો પ્રોપેન ગેસની ચેન ખોરવાશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થશે તે નિશ્ચિત છે.

