- Gujarat
- ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ: ‘મૃતક રોડ’નું બેસણું યોજવા પત્ર લખ્યો
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ: ‘મૃતક રોડ’નું બેસણું યોજવા પત્ર લખ્યો
જૂનાગઢ જિલ્લાના ભટવાવડીથી લુંધીયા રોડના નિર્માણમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની કથિત મિલીભગત તેમજ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને મુદ્દે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેરને એક અત્યંત અનોખો પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ આ પત્રમાં આક્ષેપ કર્યો છે કે ‘ઇરાદાપૂર્વક ભટવાવડીથી લુંધીયા રોડનું ખૂન કરવામાં આવ્યું છે’, અને તેથી ભારતીય પરંપરા મુજબ આ ‘મૃતક રોડ’નું બેસણું તેમજ શોકસભા યોજવાની માંગ કરી છે.

ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ અને ગંભીર આક્ષેપો નીચે મુજબ છે:
વર્ષ 2021-22નો ભ્રષ્ટાચાર: વર્ષ 2021/22માં ભટવાવડીથી લુંધીયા રોડ માટે ₹1.30 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટરે માત્ર 10% થી 20% જેટલું જ કામ કરીને સરકાર પાસેથી ₹1.24 કરોડનું પેમેન્ટ મેળવી લીધું હતું. કામ પૂરું કર્યા વગર જ વર્ષ 2024માં તે કોન્ટ્રાક્ટરને મુક્ત (છૂટા) કરી દેવાયા હતા.
ટેન્ડરમાં 61% ઊંચો ભાવ અને સ્વજનોને લાભ: સપ્ટેમ્બર 2026 સુધી રોડ બન્યો જ નહીં, પરંતુ સરકારને ₹1.30 કરોડનું નુકસાન થયું. ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં ₹1.31 કરોડનું નવું ટેન્ડર બહાર પડાયું, જેને માર્ગ મકાન વિભાગના નિવૃત્ત અધિકારીની માલિકી ધરાવતી 'શ્રી મધુરમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' કંપનીને ટેન્ડર રકમ કરતાં 61% ઊંચા ભાવે એટલે કે ₹2.12 કરોડમાં સોંપાયું.

નવા કોન્ટ્રાક્ટરની કામગીરી અને વધુ નાણાંની માંગ: જાન્યુઆરી 2026માં વર્ક ઓર્ડર આપ્યા બાદ અને 6 મહિનાની મર્યાદા હોવા છતાં આ કંપનીએ 1 ફૂટ પણ કામ કર્યું નથી. ઊલટાનું ₹2.12 કરોડમાં કામ ન પોસાતું હોવાનું કહીને કંપની દ્વારા વધારાના નાણાં (એક્સિસ) માંગવામાં આવી રહ્યા છે.
અન્ય રોડમાં પણ આ જ સ્થિતિ: ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે કે આ જ મોડસ ઓપરેન્ડીથી લીલીયાથી જાંબાડા રોડ, જેતલવડથી ઘોડાસણ રોડ અને ખાંભાથી ઈશ્વરીયા રોડમાં પણ ભ્રષ્ટાચાર આચરી પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવ્યું છે.
ગોપાલ ઇટાલિયાએ પત્રના અંતે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આ રોડ હવે ક્યારેય સજીવન થાય તેવી આશા નથી, જેથી આ ‘સ્વર્ગસ્થ’ રોડનું બેસણું યોજવા અને શોકસભા ગોઠવવા મારી ભલામણ છે.

