- Gujarat
- ‘હવે કોઈ પણ બહેન-દીકરીએ દશામાના વ્રત કરવા નહીં!’ સાંસદ ગેનીબેનનું ઠાકોર સમાજની બહેનોને આહ્વાન
‘હવે કોઈ પણ બહેન-દીકરીએ દશામાના વ્રત કરવા નહીં!’ સાંસદ ગેનીબેનનું ઠાકોર સમાજની બહેનોને આહ્વાન
થરાદ ખાતે થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજ દ્વારા બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાજિક જાગૃતિના કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉપરાંત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ઠાકોર સમાજના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેને નવી દિશા ચીંધતા પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઠાકોર સમાજના સ્નેહમિલન સમારોહમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણાની દિશામાં કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, કુરિવાજો અને ખાસ કરીને ‘દશામાંના વ્રત’ જેવી માન્યતાઓનો જાહેરમાં વિરોધ કર્યો હતો.
ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં મહિલાઓને ટકોર કરતા કહ્યું હતું કે, હવે દીકરીઓ અને બહેનોએ દશામાંના વ્રત કરવાની કોઈ જરૂર નથી. બીજા સમાજને ક્યારેય દશામાં નડતા નથી, તો માત્ર આપણને જ કેમ નડે છે? આવા વ્રતો કરીને આપણે સામે ચાલીને ઘરમાં 'દશા' બેસાડીએ છીએ. જો કોઈને દશામાં નડતા હોય તો તેમને મારી પાસે મોકલી દેજો, હું એકલી જ ગાડીમાં ફરું છું, તો દશામાં પણ મારી સાથે ગાડીમાં ફરશે. ભલે મને નડે, તમને કોઈને નહીં નડે.
તેમણે એમ પણ કહ્યું કે, તમે કોઈ પણ ભુવામાં ફસાતા નહીં, તમારું કર્મ અગત્યનું છે. જેવુ કર્મ કરશો એવું ભોગવશો. ભૂવા એવા ભ્રમમાં નાખશે કે તમને આર્થિક, સામાજિક અને કૌટુંબિક બરબાદ કરી દેશે. તે કંઇક એવું આખો પરિવાર વેરવિખેર થઇ જશે એટલે મહેરબાની કરીને કોઈ પણ ડખો હોય તો ડૉક્ટરને બતાવો, હગાવહાલાને બતાવો, વાત કરવાની.
તેમણે વધુમાં કહ્યું કે, જો ભુવા અને ભોપા ધારે તે કામ કરી શકતા હોત અને દુઃખ મટાડી શકતા હોત, તો હું અને ધારાસભ્ય કેશાજી અમારું તમામ કામ છોડીને માત્ર ભુવાની બાધા રાખીને બેસી જતા. અમારે ચૂંટણી જીતવા માટે ફોર્મ ભરવાની કે પ્રચાર કરવાની શું જરૂર? સીધા ભુવાને કહી દેત તો જીતી જત. તેમણે ઉમેર્યું કે અમે સવારે 05:00 વાગ્યાથી રાત સુધી માથામાં ધૂળ ભરાય ત્યાં સુધી મહેનત કરીએ છીએ, કારણ કે કમાવવા કે સફળ થવા માટે પુરુષાર્થ સિવાય કોઈ વિકલ્પ નથી. ભુવાગીરી એ માત્ર કમાવવાનું સાધન છે, એટલે તેનાથી દૂર રહેવું.’

