- Gujarat
- ડુંગળી-લસણે ગુજરાતી દંપતીના છૂટાછેડા કરાવ્યા
ડુંગળી-લસણે ગુજરાતી દંપતીના છૂટાછેડા કરાવ્યા
છૂટાછેડા માટેના ઘણા કારણો હોય છે, ઘર કંકાસ, બંને વચ્ચેના અણબનાવો, મિસ બિહેવિયર, લગ્નેત્તર સંબંધો વગેરે વગેરે.. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ડુંગળી-લસણને કારણે કોઈના છૂટાછેડા થયા હોય? તમે કહેશો? કેવી વાત કરો છો… આવું તો કંઈ હોતું હશે? જી હાં ઘટના હકીકતમાં બની છે અને એ પણ દૂર નહીં આપણાં ગુજરાતમાં.
ડુંગળી અને લસણ જેવી સામાન્ય રસોઈની સામગ્રીએ દંપતી વચ્ચે એવો મતભેદ ઊભો કરી દીધો કે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો. આખરે, સોમવારે ગુજરાત હાઈકોર્ટે પત્નીની અપીલ ફગાવતા ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આદેશને માન્ય રાખ્યો. પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી છે. તે ડુંગળી અને લસણ ખાવાથી એકદમ દૂર રહે છે. જોકે, પતિ અને તેના સાસરિયા પક્ષમાં આવા કોઈ ધાર્મિક કે આહાર પ્રતિબંધો નહોતા. વર્ષ 2002માં તેમના લગ્ન થયા ત્યારથી દંપતી વચ્ચે રસોડાના ઉપયોગને લઈને સતત તણાવ રહેતો હતો. મામલો એ હદ સુધી વણસ્યો કે અલગ-અલગ રસોઈની વ્યવસ્થા કરવી પડી.
સમય જતા ઘરેલું ઝઘડો વધવા લાગ્યો અને પત્ની તેમના બાળક સાથે તેના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી. 2013માં પતિએ અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જેમાં પત્ની પર માનસિક ક્રૂરતા અને તેને ત્યજી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટે 8 મે 2024ના રોજ છૂટાછેડાનો આદેશ મંજૂર કર્યો, જેમાં પતિને પત્નીને ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ બંને પક્ષો હાઈકોર્ટ પહોંચ્યા. પતિ ભરણપોષણની રકમને પડકારી રહ્યો હતો અને પત્ની છૂટાછેડાના આદેશને રદ કરવાની માગ કરી રહી છે.
હાઇકોર્ટની સુનાવણી દરમિયાન એક મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે પત્નીએ કોર્ટ જણાવ્યું કે તેને હવે છૂટાછેડા સામે કોઈ આપત્તિ નથી. આનાથી તેનો છૂટાછેડાની અરજી પાછી ખેંચવાનો ઇરાદો સ્પષ્ટ થઇ ગયો. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પત્નીએ સ્પષ્ટ કર્યું છે કે તેને છૂટાછેડા સામે કોઈ આપત્તિ નથી, એટલે છૂટાછેડાના મુદ્દા પર વધુ વિચાર કરવાની જરૂર નથી. કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો, જેમાં લગ્નને કાયદેસર રીતે સમાપ્ત માની લેવામાં આવ્યા. ભરણપોષણ અંગે પતિની અરજી પર વધુ સુનાવણી કરવામાં આવશે.

