- Gujarat
- નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્...
નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?
જગતજનની મા આધ્યશક્તિની ભક્તિ, શક્તિ અને આરાધનાનું પવિત્ર મહાપર્વ એટલે નવરાત્રિ. પ્રાચીન કાળથી ગુજરાતની ઓળખ રહેલા શેરી ગરબા માત્ર નૃત્ય નહોતા, પરંતુ આસ્થા, સાધના, સામૂહિક એકતા અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક હતા. માતાજીની માંડવી સમક્ષ દીવો પ્રગટાવી, શ્રદ્ધાપૂર્વક તાળીઓના તાલે ગવાતા પ્રાચીન ગરબા આજે ધીમે-ધીમે ભૂલાતા જઈ રહ્યા છે. આજના આધુનિક યુગમાં ભક્તિના આ મહાપર્વ પર પશ્ચિમીકરણ અને બેફામ વ્યાપારીકરણનો રંગ ચઢી ચૂક્યો છે. આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'રેન્ટ અ પાર્ટનર' અને 'પાર્ટનર સ્વેપિંગ' જેવા અત્યંત આપત્તિજનક મેસેજ વહેતા થતા સમગ્ર ગુજરાતના સંસ્કારી અને ધર્મપ્રેમી સમાજમાં આક્રોશ ફેલાયો છે.
જો તમે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક વાપરતા હશો તો છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 'ગરબા પાર્ટનર ભાડે મેળવો', 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ની પોસ્ટ તમારા ધ્યાનમાં આવી જ હશે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર આ પ્રકારની જાહેરાતનું જાણે પૂર આવ્યું છે. વાયરલ થઈ રહેલી પોસ્ટમાં વિવિધ સુવિધા સાથે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ કેટગરીના 1,000 થી 2,000 રૂપિયાના આકર્ષક પેકેજના દાવા પણ કરાઈ રહ્યા છે.
https://twitter.com/GarudEyeIntel/status/2100596017448280353?s=20
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ પ્રકારની પોસ્ટ ફક્ત સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે કરવામાં આવી રહી છે. નવરાત્રિ જેવા પવિત્ર તહેવારને લઈ આ પ્રકારની પોસ્ટ કરાતા સુરતમાં બજરંગદળે પણ વિરોધ નોંધાવ્યો છે. આ પ્રકારની પોસ્ટના માધ્યમથી કોઈ સાયબર ફ્રોડ થયું છે કે નહીં?, તેને લઇને કોઈ ફરિયાદ મળી નથી.
https://twitter.com/CyberNexoraNews/status/2101201155208679452?s=20
નવરાત્રિને હવે નજીકના દિવસો જ બાકી રહ્યા છે. યંગસ્ટર્સ અત્યારથી જ ગરબાના પાસ બુક કરાવી લેતા હોય છે. ગરબાના પાસની જાહેરાતોની સાથે સાથે આજકાલ ગરબા પાર્ટનર મેળવવાની કથિત જાહેરાતો પણ ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ‘આ નવરાત્રિમાં, એકલા ન નાચો!’ જેવા કેચી સ્લોગન સાથે યુવાનોનું ધ્યાન ખેંચવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમાં 1000 રૂપિયાથી શરૂ થતા 'સિલ્વર પેકેજ'માં 2 કલાક સુધી ગરબા રમવાની સુવિધા, મેચિંગ આઉટફિટ્સ, ગરબાના બેઝિક સ્ટેપ્સ શીખવવા અને સાથે ફોટો કે સેલ્ફી લેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો 1500-2000 રૂપિયાના 'ગોલ્ડ પેકેજ'માં 4 કલાક ગરબા રમવા, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અને ફોટા પોસ્ટ કરવા, તેમજ તમે એકબીજાને કેવી રીતે મળ્યા તેની એક ક્યૂટ બનાવટી કહાવી બનાવવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે.
જે લોકોને આખી રાત ગરબા રમવાનો ક્રેઝ હોય તેમના માટે રૂ. 2000 થી લઈને 6500 સુધીના 'પ્લેટિનમ પેકેજ'ની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં આખી રાત ગરબા રમવા, પર્સનલ ટ્રેનિંગ, સ્પેશિયલ કેન્ડિડ ફોટોઝ અને રીલ્સ બનાવવા, પબ્લિકમાં હાથ પકડવો, તેમજ ગરબા પૂરા થયા પછી લેટ-નાઈટ ફૂડ ડ્રાઈવ (જેમ કે ચાટ, કુલફી કે ફાલુદા) પર જઈને ડ્રોપ કરવા જેવી બાબતો દાવા તરીકે મુકવામાં આવી છે. કેટલાક પેજો પર તો 'મિડનાઈટ મેગી રન', 'સ્પેશિયલ બર્થડે ગરબા ડેટ' અને 'એક રાત માટે ફેક ડેટિંગ' જેવા એક્સ્ટ્રા એડ-ઓન્સ પણ દર્શાવાયા છે.
ભાસ્કરના અહેવાલ મુજબ, અમદાવાદ, સુરત, મુંબઈ સહિતના શહેરોમાં આ રીતે ગરબા પાર્ટનલ ભાડે આપવાની ઓફરો કરતી જાહેરાતો થતા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકનારા લોકોને મેસેજ કરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. તપાસ કરતા સામે આવ્યું કે આવા કોઈ પણ ગરબા પાર્ટનર વાસ્તવમાં ભાડે મળતા નથી. પેજ સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ સાચી સર્વિસ નથી, પરંતુ માત્ર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીચ અને ફોલોવર્સ વધારવા માટે બનાવવામાં આવેલું એક મનોરંજક કન્ટેન્ટ અથવા 'મીમ' (Meme) હતું. નવરાત્રિ દરમિયાન લોકો આવી પોસ્ટ્સ વધુમાં વધુ શેર કરે તે માટે આ પ્રકારના કાલ્પનિક અને રમુજી પેકેજીસ તૈયાર કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર માત્ર વ્યૂઝ મેળવવા અને લોકોનું ધ્યાન ખેંચવા માટે આ ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો.
આ ટ્રેન્ડનો સખત વિરોધ કરતા સુરત બજરંગ દળના પ્રતાપ રાજપુરોહિતે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર નવરાત્રિમાં ભાડેથી પાર્ટનર મળશે તેવી ચર્ચા છે. આની પાછળ અસામાજિક તત્વો લાગેલા છે, જે આવી હલકી માનસિકતા ધરાવતી પોસ્ટ મૂકી રહ્યા છે. નવરાત્રિનો તહેવાર માતાજીની આરાધના, ભક્તિ, પૂજા અને ગરબા રમવા માટે છે, ના કે કોઈ આવા પાર્ટનર શોધવા માટે. મારી વિનંતી છે કે તમે આવી પોસ્ટથી દૂર રહો, આ એક પ્રકારની છેતરપિંડી છે.
હિન્દુ નેતા ડૉ. પૂર્વેશ ડાકેચાએ આ સમગ્ર પ્રકરણ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે અને રાજ્ય સરકાર તેમજ પોલીસ પ્રશાસન સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે, ‘આવા મેસેજ એ માત્ર કોઈ નિર્દોષ મજાક નથી, પરંતુ આપણી સનાતન સંસ્કૃતિ અને હિન્દુ મૂલ્યો વિરુદ્ધનું એક સુનિયોજિત કાવતરું છે. હિન્દુ તહેવારોની પવિત્રતાને નષ્ટ કરવા માટે પશ્ચિમી વિકૃતિઓને જાણીજોઈને ભારતીય ઉત્સવોમાં ઘુસાડવામાં આવી રહી છે. યુવા પેઢીને ભોગવાદી બનાવીને ગેરમાર્ગે દોરવાનો આ ખુલ્લો પ્રયાસ છે.’
તેમણે ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ સેલને તાત્કાલિક ટેકનિકલ તપાસ હાથ ધરીને આવા મેસેજ વાયરલ કરનારા, પોસ્ટ મૂકનારા અને બનાવટી પેજ ચલાવનારા અસામાજિક તત્વોને શોધીને જેલના સળિયા પાછળ ધકેલવા રજૂઆત કરી છે. સાથે જ, નવરાત્રિના ગાળામાં આયોજનોની આડમાં ચાલતા લવ જેહાદ, માદક દ્રવ્યો અને દારૂના દૂષણ સામે વિશેષ પેટ્રોલિંગ કરી યુવાધનને બચાવવા માટે આહ્વાન કર્યું છે.
ડૉ. ડાકેચાએ સરકાર સમક્ષ માગણીનું પુનરાવર્તન કર્યું કે OTT પ્લેટફોર્મ્સ અને અમુક ડિજિટલ પ્રચાર માધ્યમો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનું સતત અપમાન કરવામાં આવે છે. વેબ સીરિઝ અને શોર્ટ વીડિયોઝમાં તહેવારોને માત્ર અંગત સંબંધો બાંધવાના બહાના તરીકે દર્શાવવામાં આવે છે, જેની નકારાત્મક અસર કિશોરો અને યુવાનોના માનસ પર પડે છે. ઉત્સવની સામાજિક ગરિમા જળવાય તે માટે આવા પ્રચાર સામે સરકાર દ્વારા સેન્સરશિપ અને કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવે તે અનિવાર્ય છે.

