- Gujarat
- અમદાવાદઃ બચ્ચો કા પાસ્તા નામથી ભૂંગળામાં ડાઇ કલર નાખીને વેચાતી ફેક્ટરી પકડાઈ
અમદાવાદઃ બચ્ચો કા પાસ્તા નામથી ભૂંગળામાં ડાઇ કલર નાખીને વેચાતી ફેક્ટરી પકડાઈ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના ફૂડ વિભાગે અગાઉ નમકીનના એક સેમ્પલ લીધા હતા, જેમાં જોખમી ડાઇ કલર હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, અલગ-અલગ પ્રકારના નમકીન પેકિંગ બનાવતી કંપનીઓ પણ આ જીવલેણ ડાઈ કલરનો ઉપયોગ કરી રહી છે. જો તમે કે તમારા બાળકો 5 કે 10 રૂપિયાના નમકીન પડીકા હોંશે હોંશે ખાઓ છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. આવા પડીકા ખાવાથી કેન્સર અને અસ્થમા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.
સંદેશ ન્યૂઝના અહેવાલ મુજબ, અગાઉ AMCના ફૂડ વિભાગ દ્વારા બાપુનગર વિસ્તારમાંથી એક ફૂડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. લેબ રિપોર્ટમાં આ સેમ્પલમાં પ્રતિબંધિત ડાઇ કલરનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું AMCએ આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ નમકીનનો મુખ્ય ડિસ્ટ્રિબ્યૂટર અમરાઈવાડી વિસ્તારમાં કાર્યરત છે. આ નમકીન પાટણના સિદ્ધપુરમાં આવેલી 'ધારીવાલા ફૂડ' નામની કંપનીમાં બનતા હતા, જે ત્યાંથી અમરાઈવાડીની 'અમન સેલ્સ' નામની એજન્સીમાં સપ્લાય થતા હતા અને ત્યાંથી છૂટક બજારમાં વેચાતા હતા.
બાતમીના આધારે અમદાવાદ કોર્પોરેશનની ફૂડ ટીમ દ્વારા અમરાઈવાડીમાં આવેલી અમન સેલ્સ એજન્સી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન ટીમે લાખો રૂપિયાની કિંમતનો નમકીનનો જથ્થો જપ્ત કર્યો છે. બીજી તરફ, અમન સેલ્સ એજન્સીના માલિકે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, અમને આ બાબતે કોઈ જાણ નથી. અમે માત્ર ડિસ્ટ્રિબ્યૂટર છીએ અને સિદ્ધપુરથી માલ તૈયાર થઈને જ અમારી પાસે આવે છે. હાલ AMCની ટીમે ગોડાઉનમાંથી અલગ-અલગ નમકીનના નવા સેમ્પલ લઈને તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે.
AMC ફૂડ વિભાગના વડા ડૉ. તેજસ શાહે મીડિયાને જણાવ્યું કે, આ નમકીનમાં વપરાતો કલર અસ્થમા અને કેન્સર જેવા ગંભીર રોગો નોતરી શકે છે. અગાઉ 'બચ્ચો કા પાસ્તા' નામની પ્રોડક્ટનું સેમ્પલ ફેલ થયું હતું, જેના આધારે જ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગે અંદાજે 1500 કિલો જેટલો શંકાસ્પદ નમકીનનો જથ્થો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સાથે જ સમગ્ર નેટવર્ક પાટણ જિલ્લા સાથે જોડાયેલું હોવાથી રાજ્ય સરકારના ફૂડ વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને તેમની ટીમ પણ સિદ્ધપુર ખાતે તપાસ માટે પહોંચી ગઈ છે.
આ અગાઉ AMCના હેલ્થ વિભાગે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરી હતી. ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા એક મહિના કરતા પણ ઓછા સમયમાં શહેરના વિવિધ ઝોનમાં હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોના 27 નમૂના લેબોરેટરી ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે. આ કડક કાર્યવાહી અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરતા 3 જાણીતા ખાણીપીણીના એકમોને સીલ મારી દેવાયા છે.

