- World
- કેનેડાની સરકારે ભારતીયોને આપ્યો મોટો ઝટકો, હવે માતા-પિતાને નહીં મળે PR
કેનેડાની સરકારે ભારતીયોને આપ્યો મોટો ઝટકો, હવે માતા-પિતાને નહીં મળે PR
કેનેડા સરકારે ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફાર કરતા પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરન્ટ્સ પ્રોગ્રામ (PGP) માટે નવી અરજીઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. ઇમિગ્રેશન વિભાગ (IRCC)એ જણાવ્યું છે કે, આગામી સૂચના સુધી ન તો નવા 'ઇન્ટરેસ્ટ ટૂ સ્પોન્સર' ફોર્મ સ્વીકારવામાં આવશે અને ન તો નવા અરજદારોને PR સ્પોન્સરશિપ માટે અરજી કરવાની તક મળશે.
કેનેડામાં રહેતા હજારો પરિવારો માટે આ એક મોટો ઝટકો છે. હવે તેઓ તેમના માતા-પિતા અથવા દાદા-દાદી માટે કાયમી રહેઠાણ અપાવવા માટે પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરન્ટ્સ પ્રોગ્રામ (PGP) હેઠળ નવી અરજીઓ સબમિટ કરી શકશે નહીં.
કેનેડિયન સરકારે 15 જુલાઇ 2026ના રોજ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે PGP હેઠળ નવી અરજીઓની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. ઇમિગ્રેશન વિભાગે સ્પષ્ટતા કરી કે તે નવા 'ઇન્ટરેસ્ટ ટૂ સ્પોન્સર' ફોર્મ સ્વીકારશે નહીં અને ન તો સંભવિત પ્રાયોજકોને અરજી કરવા માટે આમંત્રિત કરશે. જો કે, જે લોકોએ પહેલા જ PGP હેઠળ પહેલાથી જ સબમિટ કરેલી અરજીઓની પ્રક્રિયા ચાલુ રહેશે.
સરકારે જણાવ્યું હતું કે, અગાઉ સબમિટ કરેલી PGP અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવશે. વર્ષ 2026, 2027 અને 2028માં આશરે 15,000 લોકોને આ પ્રોગ્રામ દ્વારા કેનેડિયન કાયમી નિવાસ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
IRCC અનુસાર, PGP કાર્યક્રમ હેઠળ આશરે 50,900 અરજીઓ હાલમાં પ્રક્રિયા હેઠળ છે. આમાંથી, 40,400 અરજીઓ ક્વિબેકની બહાર વસનારા લોકો છે અને જ્યારે 10,500 અરજીઓ ક્વિબેકમાં રહેવાની યોજનાવાળા અરજદારોની છે. સરકારનું કહેવું છે કે જૂની અરજીઓના નીકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
કેમ રોકવામાં આવ્યો PGP કાર્યક્રમ?
પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ (PGP) કેનેડાનો કૌટુંબિક રિયુનિફિકેશન પ્રોગ્રામ છે. આ કાર્યક્રમ દ્વારા કેનેડિયન નાગરિકો PR ઘારક પોતાના માતા-પિતા અને દાદા-દાદીને કેનેડા બોલાવીને તેમને કાયમી નિવાસ મેળવવામાં મદદ કરી શકે છે; જોકે, આ કાર્યક્રમમાં માંગ ઉપલબ્ધ જગ્યાઓ કરતા સતત વધી રહી છે. આ કારણે સરકારે તેને લોટરી સિસ્ટમ દ્વારા તેનું સંચાલન કર્યું હતું.
જ્યારે 2020માં નવા અરજદારો પાસેથી ઇન્ટરેસ્ટ ટૂ સ્પોન્સર ફોર્મ છેલ્લે મંગાવવામાં આવ્યા હતા, ત્યારે સરકારને આશરે 2,03,213 સબમિશન મળ્યા હતા. ત્યારબાદ દરવર્ષે અરજદારોને તે જ લોકોમાંથી રેન્ડમ રીતે પસંદગી કરીને અરજીઓ સબમિટ કરવાની તક આપવામાં આવતી હતી.
PGP બંધ થયા પછી સુપર વિઝા વિકલ્પ
સરકારે નવા અરજદારોને પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ સુપર વિઝા પર વિચાર કરવાની સલાહ આપી છે. આ વિઝા દ્વારા માતા-પિતા અને દાદા-દાદીને લાંબા સમય સુધી કેનેડામાં રહી શકે છે.
સુપર વિઝા હેઠળ:
માતા-પિતા અને દાદા-દાદી એક સમયે પાંચ વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે.
વિઝા 10 વર્ષ સુધી માન્ય હોઈ શકે છે.
અરજદારોએ આરોગ્ય વીમો લેવો જરૂરી છે.
કેનેડામાં રહેતા સંબંધીએ નાણાકીય જવાબદારી ઉઠાવવાની હોય છે અને લઘુત્તમ આવકની જરૂરિયાતો પૂરી કરવાની હોય છે.
ભારતીય પરિવારો પર સીધી અસર
કેનેડામાં રહેતા ઘણા ભારતીય પરિવારો લાંબા સમયથી PGP દ્વારા તેમના માતા-પિતાને કાયમી ધોરણે લાવવાની રાહ જોઈ રહ્યા હતા. નવી અરજીઓ બંધ થવાથી, આ પરિવારોએ હવે સુપર વિઝા અથવા અન્ય વિકલ્પો પર આધાર રાખવો પડશે. તાજેતરના સમયમાં, કેનેડિયન સરકાર ઇમિગ્રેશન સંખ્યાને નિયંત્રિત કરવા અને હાઉસિંગ સેવાઓ પર વધતા દબાણને ઘટાડવા માટે વિવિધ ફેરફારો કરી રહી છે. PGP પર રોક પણ આ નીતિનો એક ભાગ માનવામાં આવે છે.

