- Gujarat
- સાસરિયાવાળાને 9 લાખ આપ્યા છતા ન ધરાયા, થાર કાર માંગી, કરિયાવરના ત્રાસથી પરિણીતા જીવન ટુંકાવી દીધું
સાસરિયાવાળાને 9 લાખ આપ્યા છતા ન ધરાયા, થાર કાર માંગી, કરિયાવરના ત્રાસથી પરિણીતા જીવન ટુંકાવી દીધું
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના ભરવાડ વાસમાં રહેતી રિદ્ધિબેન ભરવાડ નામની પરિણીતાએ સાસરિયાંના સતત માનસિક અને શારીરિક ત્રાસ અને દહેજની માગણીઓથી ત્રાસીને આત્મહત્યા કરી છે. માત્ર દોઢ વર્ષના આ લગ્નજીવનનો કરુણ અંત આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સગાઈ પહેલાં જ 'થાર કાર' માટે પૈસાની માગણી
મૃતક રિદ્ધિના પિયરપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે કે, લગ્ન પહેલાં જ જમાઈ દિલીપ ભરવાડે 'થાર' કાર ખરીદવા માટે પૈસાની માંગણી કરી હતી. રિદ્ધિના માતા હંસાબેનના જણાવ્યા મુજબ, તેમની દીકરી પિયરમાંથી ટુકડે ટુકડે કુલ ₹9 લાખની રકમ સાસરિયાંને આપી ચૂકી હતી, તેમ છતાં પતિ દિલીપ અને સાસરિયાં દ્વારા તેને શારીરિક માર મારવામાં આવતો અને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
સાસરિયાં મૃતદેહ મૂકીને નાસી છૂટ્યા
પરિવારનો સૌથી ગંભીર આક્ષેપ એ છે કે, રિદ્ધિએ આત્મહત્યા કરી લીધા બાદ સાસરિયાં પક્ષના લોકોએ આ અંગેની જાણકારી મૃતકના પરિવારને સીધી રીતે આપી ન હતી. જ્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે તેમને ખાનગી હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવી કે રિદ્ધિના સાસરિયાં તેને અહીં મૂકીને નાસી છૂટ્યા છે. મૃતકના ગળા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે.
પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી
રિદ્ધિના પરિવારે જ્યાં સુધી ફરિયાદ નોંધાય નહીં અને આરોપીઓની ધરપકડ ન થાય, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસે પરિણીતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (Abetment to suicide) આપવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનો નોંધાયા બાદ જવાબદાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. હાલમાં પરિણીતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ સોલા સિવિલ ખાતે કરવામાં આવી રહ્યું છે.

