- National
- 90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ
90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ
90 વર્ષની સાસુના વજનથી વાંકી વળી ગયેલી એક મહિલા, ધોમધખતા તડકામાં જંગલના રસ્તાઓ, ઉબડ ખાબડ રસ્તાઓ અને નદી નાળાઓમાંથી મહામુશ્કેલીએથી પસાર થઇ રહી છે. આ દ્રશ્યો જૂની 'વિક્રમ-વેતાળ' વાર્તાઓની યાદ અપાવે છે, જેમાં એક પુરુષ બીજા માણસને પોતાની પીઠ પર મહામુશ્કેલીથી અને ઉબડ ખાબડ રસ્તાઓમાંથી પસાર કરીને લઈ જાય છે. પરંતુ આ કોઈ લોકકથા નથી.
છત્તીસગઢના એક દૂરના અંતરિયાળ વિસ્તારમાં મૂળભૂત સરકારી સેવાઓ સુધી પહોંચવા માટે કરવામાં આવતા સંઘર્ષની આ ઝલક છે.
સુરગુજા જિલ્લાના મૈનપટ વિસ્તારનો આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓને જન્મ આપી રહ્યો છે. તેણે ફરી એકવાર દૂરના અંતરિયાળ ગામડાઓમાં ભારત સરકારની સરકારી સેવા વિતરણની વાસ્તવિકતા પર સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિકોના મતે, સુખમનિયા બાઈ નામની એક મહિલા તેની વૃદ્ધ સાસુને પીઠ પર બેસાડીને લગભગ 9 કિલોમીટર ચાલીને મુસાફરી કરી હતી, જેથી તેની સાસુ બેંકમાંથી પોતાનું પેન્શન લઈ શકે. રહેવાસીઓ કહે છે કે, આ જંગલ વિસ્તારમાં પરિવહનની ખરાબ સુવિધાને કારણે, ગ્રામજનોને ઘણીવાર પગપાળા, ઉબડખાબડ રસ્તાઓ અને નાળાઓ પાર કરીને, મૂળભૂત સરકારી સુવિધાઓ મેળવવા માટે ચાલીને લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે.
સ્થાનિક લોકોએ આગળ જણાવ્યું કે, સુખમનિયા બાઈ ઘણા મહિનાઓથી આ રીતે મુસાફરી કરી રહી છે, કારણ કે પેન્શનના નિયમો મુજબ પેન્શન ચૂકવણી જાહેર કરતા પહેલા લાભાર્થીઓએ ફિંગરપ્રિન્ટ અથવા ઓળખ ચકાસણી માટે બેંકમાં રૂબરૂ હાજર રહેવું પડે છે. જોકે, લોકોનું સૌથી વધુ ધ્યાન વીડિયોમાં સાંભળેલી વાતચીત તરફ ખેંચાયું છે.
https://twitter.com/CGVOICE00777/status/2058140472523346038
વીડિયો ફિલ્માવનાર એક પુરુષ સ્થાનિક બોલીમાં મહિલાને પૂછતો સાંભળી શકાય છે કે તે તેની વૃદ્ધ સાસુને આટલા લાંબા અંતર સુધી ખભા પર કેમ લઈ જઈ રહી છે. જવાબમાં, મહિલા બતાવે છે કે, પેન્શન ચૂકવણી ફક્ત ત્યારે જ આપવામાં આવે છે, જ્યારે વૃદ્ધ મહિલા વ્યક્તિગત રીતે બેંકમાં સાથે હોય.
તે આગળ બતાવે છે કે આ વિસ્તારમાં આવવા જવા માટે વાહન-વ્યવહારના કોઈ સાધનો નથી, અને મુસાફરી માટે નાની મોટી નદીઓ અને ઉબડખાબડ જંગલી રસ્તાઓ પસાર કરવા પડે છે. વાતચીત દરમિયાન, તેણે જણાવ્યું કે, તેના પરિવારને લગભગ 1,500 રૂપિયા પેન્શન મળે છે, જે ક્યારેક તો ઘણા મહિનાનું એક સાથે મળે છે.
મહિલા એ આગળ જણાવ્યું કે પહેલાં, પેન્શન ફંડ સ્થાનિક રીતે અથવા લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચી જતું હતું, પરંતુ હવે તે સિસ્ટમ કામ કરતી નથી. પરિણામે, તેના જેવા પરિવારોને મૂળભૂત સરકારી સહાય મેળવવા માટે પણ આવી થકવી નાખતી મુસાફરી સહન કરવી પડે છે.
આ વીડિયોએ સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ ફેલાવી છે. ઘણા વપરાશકર્તાઓ પ્રશ્ન કરી રહ્યા છે કે, 'ડિજિટલ ઇન્ડિયા' પહેલ અને સરકારી સેવાઓના 'ઘરે ઘરે પહોંચાડવા'ના વારંવાર દાવાઓ છતાં, દૂરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વૃદ્ધો અને પથારીવશ પેન્શનરોને તેમની ઓળખ ચકાસવા માટે હજુ પણ આટલા લાંબા અંતરની મુસાફરી કેમ કરવી પડે છે.
ઘણા દર્શકો માટે, આ દ્રશ્ય આદિવાસી અને વન વિસ્તારોમાં સરકારી નીતિ ઘોષણાઓ અને નક્કર હકીકત વચ્ચેના અંતરને બહાર લાવે છે. આ વિસ્તારોની મુશ્કેલ ભૌગોલિક બનાવટ, ખરાબ મૂળભૂત સુવિધા અને શાસનની મર્યાદિત પહોંચ લોકોને મૂળભૂત અધિકારો મેળવવા માટે સતત સંઘર્ષ કરવો પડતો હોય છે.

