- National
- વહુ એવું કરતી કે કંટાળીને સાસુ-સસરાએ જીવન ટૂંકાવ્યું, પુત્ર પણ બચાવતો નહોતો
વહુ એવું કરતી કે કંટાળીને સાસુ-સસરાએ જીવન ટૂંકાવ્યું, પુત્ર પણ બચાવતો નહોતો
હરિયાણાના પાણીપતમાં પુત્રવધૂના પહેરવેશ અને મારમારીથી કંટાળીને સાસુ અને સસરાએ જીવન ટૂંકાવી લીધું. બંને તેને કપડાઓને લઈને ટોંકતા હતા, જેના કારણે રોજિંદા ઝઘડા થતા હતા. જ્યારે પણ કોઈ વિવાદ થતો ત્યારે પુત્રવધૂ બંને સાથે મારામારી પણ કરતી, જ્યારે તેમનો પુત્ર કંઈ કહેતો નહોતો.
પરિવારજનોએ જણાવ્યું કે પુત્રવધૂ દિલ્હીના મોડર્ન પરિવારમાં મોટી થઈ હતી અને લગ્ન પછી ગ્રામીણ વાતાવરણમાં અનુકૂલન સાધવા તૈયાર નહોતી. તે તેની દિલ્હીની જીવનશૈલી છોડવા માંગતી નહોતી. તેના સાસુ-સસરા વારંવાર તેના પહેરવેશ અને સોશિયલ મીડિયા રીલ્સ બનાવવા બદલ ટોંકતા હતા, જે ધીમે-ધીમે મોટા ઘરેલુ ઝઘડામાં પરિણમ્યા.
આ પરિસ્થિતિથી પરેશાન થઈને દંપતીએ પોતાનું જીવન સમાપ્ત કરવા માટે સલ્ફાસ પી લીધું. તેમની હાલત વધુ ખરાબ થતા તેમને તાત્કાલિક પાણીપતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસ બાદ, ડૉક્ટરોએ સાસુને મૃત જાહેર કરી દીધી હતી. સસરાની હાલત ગંભીર હતી, તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ રોહતકમાં PGIમાં રિફર કરવામાં આવ્યો હતો. તેનું પણ રવિવારે સવારે સારવાર દરમિયાન અવસાન થયું. એક જ ઘરમાંથી બે અર્થી નીકળતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ, આત્મહત્યાના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પુત્રવધૂ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી.
મૃતક દંપતી (સાસુ-સસરા)ની ઓળખ રાજેશ (46) અને તેની પત્ની સુમન (44) તરીકે થઈ છે, જે નારા ગામના રહેવાસી છે. બંને તેમની પુત્રવધૂના વર્તન, પહેરવેશ અને વારંવાર થતા ઘરેલું ઝઘડાઓથી ખૂબ જ દુઃખી હતા. આને લઇને પરિવારમાં ઝઘડો થતો હતો.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, દિલ્હીની વતની પુત્રવધૂ સ્નેહા મોડર્ન પરિવારમાંથી હતી અને ગ્રામીણ માહોલમાં ઢળવા માંગતી નહોતી. સાસુ-સસરા તેના ટૂંકા કપડાં પહેરવાની આદતથી પરેશાન હતા. તેના પોશાક અને જીવનશૈલીને લઇને ઘરમાં વારંવાર ટોકટાંક થતી હતી. સુમન અને રાજેશ ઇચ્છતા હતા કે તેમની પુત્રવધૂ પરંપરાગત સૂટ અને સાડી પહેરે, પરંતુ સ્નેહા આવા પ્રતિબંધો સ્વીકારવા તૈયાર નહોતી.
પરિવારના સભ્યોનો આરોપ છે કે સ્નેહા વારંવાર તેની સાસુ સુમન સાથે ગેર વર્તન અને મારામારી કરતી હતી. તો, તેમનો એકનો એક પુત્ર આશિષ માતા-પિતાની પડખે રહેવાને બદલે સતત તેની પત્ની સ્નેહાનો પક્ષ લેતો હતો. તેમના પુત્રના આ વર્તનથી તેના માતા-પિતાને ભારે દુઃખ થઇ રહ્યું હતું. શનિવારે બપોરે આ જ મુદ્દા પર ઘરમાં ફરી એકવાર ભારે વિવાદ થયો; ત્યારબાદ, માનસિક તણાવમાં આવીને રાજેશ અને સુમન ઝેરી પદાર્થ (સલ્ફાસ) પી લીધો.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે આશિષ રાજેશ અને સુમનનો એકનો એક પુત્ર છે. આશિષ દિલ્હીની રહેવાસી સ્નેહાને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યો હતો. આ દંપતી લગભગ બે વર્ષ સુધી સંબંધમાં હતું. ત્યારબાદ, જાન્યુઆરી 2025માં બંને પરિવારોની સંમતિથી તેમના લવ કમ અરેંજ મેરેજ થયા હતા. જો કે, લગ્નના થોડા મહિના પછી જ, પુત્રવધૂ અને તેના સાસુ-સસરા વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ.
આ ઘટના અંગે, મતલૌડા પોલીસ સ્ટેશનના પ્રભારી SI રાકેશ કુમારે જણાવ્યું હતું કે મૃતક રાજેશના ભાઈ રમેશ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પુત્રવધૂ સ્નેહા, તેના પિતા અને માતા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, અને આ મામલે આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

