જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો ખેલ થયો, AAPના 1ની ધરપકડ અને 2 સભ્ય 1 મિનિટ મોડા પડતા ભાજપની જીત

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જીત થતા ભાજપની સત્તા પર પકડ વધુ મજબૂત બની છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ​જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે અગાઉ જ બગડુ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટી (AAP)ના સભ્ય સંજય પાઘડારની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઇ હતી, જેને કારણે રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમાયું છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ સંજય પાઘડાર વિરુદ્ધ 7 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે ગઇકાલે  પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ધરપકડને પગલે AAPએ ભાજપ અને પોલીસ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરીને લોકશાહીની હત્યા ગણાવી છે.

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને AAPમાં ટાઈ થઇ હતી. મતદાન સમયે ભાજપના 9 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે AAPના 1ની ધરપકડ, 2 સભ્ય 1 મિનિટ મોડા પડ્યા હતા અને 1 સભ્ય ગેરહાજર રહેતા ભાજપની બોડી ચૂંટાઈ હતી.

BJP
gujaratfirst.com

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘આજરોજ જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બે સીટો માટે મતદાન યોજાયું હતું. ​તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ભોજક ઇન્દુબેન અનકભાઈ વિજેતા થયા છે. તેમની તરફેણમાં 9 મત મળ્યા હતા, જ્યારે તેમની વિરુદ્ધમાં 5 મત પડ્યા હતા. આથી તેઓ બહુમતીથી વિજેતા જાહેર થયા છે.

ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી મારૂ અંજનાબેન દિવ્યેશભાઈ વિજેતા જાહેર થયા છે. તેમને બંને પક્ષોના સમર્થન સાથે કુલ 14 મત મળ્યા હતા અને તેમની વિરૂદ્ધમાં એક પણ મત પડ્યો નહોતો. આજની ચૂંટણીમાં પક્ષવાર સભ્યોની હાજરીની વિગત જોઈએ તો, ભારતીય જનતા પાર્ટીના તમામ 9 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 9 સભ્યોમાંથી 5 સભ્યો હાજર રહ્યા હતા અને 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ તાલુકા પંચાયતની બેઠકો પર ખૂબ જ રસપ્રદ તસવીર સામે આવી હતી, જેમાં AAP અને ભાજપના 9-9 સભ્યો ચૂંટાયા હતા. બંને પક્ષો વચ્ચે ટાઈ થઈ હોવાના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની આજની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની ગઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે AAPના સભ્ય સંજય પાઘડાર પ્રમુખ પદના ઉમેદવારના ટેકેદાર તરીકે ફોર્મ ભરી ચૂક્યા હતા.

'AAP'નો આક્ષેપ છે કે સંજય પાઘડાર ચૂંટણીમાં પોતાનો કિંમતી મત ન આપી શકે તેવા બદઇરાદાથી ભાજપના ઇશારે આ ધરપકડની આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. ​આ સમગ્ર વિવાદ અંગે AAPના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ તાલુકા પંચાયતમાં બંને પક્ષોને સરખી બેઠકો મળી હોવાથી સત્તા મેળવવા માટે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો ખુલ્લેઆમ દુરુપયોગ કર્યો છે. રાજુ બોરખતરીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ જ્યારે AAPના નિષ્ઠાવાન અને પ્રામાણિક સભ્યોને તોડવામાં તેમજ ખરીદવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ, ત્યારે તેમણે બગડુના સભ્ય સંજય પાઘડાર પર રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ દાખલ કરાવી દીધો છે. પ્રમુખ પદની ચૂંટણીમાં તેમને મતદાન કરતાં રોકવા માટે જ પોલીસે આ ધરપકડ કરી છે અને ભાજપે હાલ સત્તાના નશામાં તાનાશાહીની તમામ હદો વટાવી દીધી છે.

junagadh
divyabhaskar.co.in

આ કેસની પોલીસ ફરિયાદની વિગતો મુજબ, મેંદરડાના દિનેશભાઇ રવજીભાઇ વેકરીયાએ સંજયભાઇ હરસુખભાઇ પાઘડાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપી સંજય પાઘડારે તેમને કન્સ્ટ્રક્શનના ધંધામાં રોકાણ કરવા પર ઊંચા વળતરની લાલચ આપી હતી અને રોકાણ કરવાના બહાને તેની પાસેથી કટકે-કટકે કુલ 7 લાખ રોકડા પડાવી લીધા હતા. આ રકમ લીધા બાદ આરોપીએ કોઈ પણ પ્રકારનું લખાણ કરી આપ્યું નહોતું અને લાંબો સમય વીતવા છતા રોકાણ કરેલા રૂપિયા કે તેનું વળતર પરત આપ્યું નહોતું.

જ્યારે ફરિયાદી દિનેશભાઈએ પોતાના હકના રૂપિયા પરત માંગ્યા ત્યારે આરોપી સંજય પાઘડાર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમણે ફરિયાદીને જાહેરમાં ભૂંડી ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ તીક્ષ્ણ છરી બતાવીને ફરિયાદી તેમજ તેમના પરિવારના સભ્યોને જીવથી મારી નાખવાની ગંભીર ધમકી આપીને ગુનો આચર્યો હતો. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી. ગગનીયા અને ASI એમ.આર. કીંદરખેડીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર ચકચારી રાજકીય મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના PI એફ.બી. ગગનીયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આરોપી સંજય પાઘડાર વિરુદ્ધ 3 દિવસ પહેલાં છેતરપિંડી, મારપીટ અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જ આ ગુનામાં સંજય પાઘડારની ધરપકડ કરી છે અને કાયદો પોતાનું કામ કરી રહ્યો છે.

સુખપુર બેઠકના AAPમાંથી જીતેલા દક્ષાબેન વિનોદભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે હું સુખપુર-16 બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર બની છું. આજે હું તાલુકા પંચાયતની પ્રક્રિયા અંતર્ગત મારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે આવી હતી. રસ્તામાં ભારે ટ્રાફિક નડવાના કારણે મને અહીં પહોંચવામાં થોડું મોડું થયું હતું. હું જ્યારે મતદાન મથકના મુખ્ય ગેટ પર પહોંચી ત્યારે બરાબર 11:00 વાગ્યા અને 1 મિનિટ થઈ હતી. ટ્રાફિકના કારણે હું માત્ર એક જ મિનિટ મોડી પડી હતી.

ચૂંટણીના જવાબદાર અધિકારીઓ હવે એવું બહાનું આગળ ધરી રહ્યા છે કે હું સમયસર હાજર ન હોવાથી મને ગેરહાજર ગણવામાં આવી છે. પરંતુ આ વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. આ આખી ઘટના સરકારી તંત્ર અને ભાજપના નેતાઓની મિલીભગતનું પરિણામ છે. હું સરકારી તંત્ર અને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગું છું કે, તમારે શાસક પક્ષ ભાજપના હાથના કઠપૂતળી કે હાથા બનીને આ પ્રકારનું પક્ષપાતી કામ ન કરવું જોઈએ.

જૂનાગઢ તાલુકા પંચાયતના વડાલ સીટ પરથી AAPમાં વિજેતા થયેલ ગોપાલભાઈ વઘેરાએ જણાવ્યું હતું કે હું તાલુકા પંચાયત જૂનાગઢ વડાલ સીટ ઉપરથી ચૂંટાયેલ છું. આજે હું પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં મત આપવા માટે હું ગયો, પણ મને મત આપવા માટે અંદર જવા દીધો નથી. ​ભાજપ અને તંત્રની મિલીભગતના કારણે આ વાતને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને તંત્રને પણ કહું છું કે ભાજપના હાથા બનીને આવા કામ ના કરો.

About The Author

Related Posts

Top News

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો ખેલ થયો, AAPના 1ની ધરપકડ અને 2 સભ્ય 1 મિનિટ મોડા પડતા ભાજપની જીત

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ...
Gujarat 
જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો ખેલ થયો, AAPના 1ની ધરપકડ અને 2 સભ્ય 1 મિનિટ મોડા પડતા ભાજપની જીત

કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા

ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ધારુર તાલુકાના અરણવાડી ગામના ખેડૂત સંતોષ...
Agriculture 
કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા

રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર આગામી એક વર્ષમાં પડી જશે તેવો દાવો કરાયા બાદ, ભાજપના અગ્રણી નેતાઓએ...
Politics 
રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું

'ફક્ત ફોટા પડાવવા નહીં, હકીકતમાં કામ કરો'; જ્યારે બાંદા સૌથી ગરમ સ્થળ બન્યું ત્યારે IPS અધિકારીએ CM પાસે આ માંગ કરી

'જો આપણે આજે નહીં જાગીએ, તો આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે...' આ શબ્દો કોઈ સામાન્ય...
National 
'ફક્ત ફોટા પડાવવા નહીં, હકીકતમાં કામ કરો'; જ્યારે બાંદા સૌથી ગરમ સ્થળ બન્યું ત્યારે IPS અધિકારીએ CM પાસે આ માંગ કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.