- Politics
- RSSએ પડદા પાછળ ચલાવી રણનીતિ અને સમગ્ર ખેલ બદલી નાખ્યો; બંગાળમાં BJPએ TMCના કિલ્લાને ધ્વસ્ત કર્યો
RSSએ પડદા પાછળ ચલાવી રણનીતિ અને સમગ્ર ખેલ બદલી નાખ્યો; બંગાળમાં BJPએ TMCના કિલ્લાને ધ્વસ્ત કર્યો
પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતની આશા તો રાખી રહી હતી, પરંતુ ભાજપના નેતાઓને એટલી અપેક્ષા નહોતી કે 200 થી વધુ બેઠકો મળશે. બંગાળમાં ભાજપ દ્વારા મેળવેલી આ ચૂંટણીનું પરિણામ સૌથી મોટું આશ્ચર્ય છે. 293 બેઠકોમાંથી ભાજપે 206 બેઠકો જીતી છે. ભાજપની શાનદાર જીતની સાથે જ, બૂથ સ્તરે RSSની મૌન ક્રાંતિ પણ વ્યાપક ચર્ચાનો વિષય બની છે. પડદા પાછળરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ગુપ્ત વ્યૂહરચનાએ બંગાળમાં રાજકીય પરિદૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.
જ્યાં એક તરફ મમતા બેનર્જી અને તેમના પક્ષ TMCની આક્રમક ચૂંટણી ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત રહ્યું, ત્યારે બીજી તરફ RSS કાર્યકરોએ શાંત રહીને પાયાના સ્તરે તેમની પકડ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા RSSએ એક વિશાળ મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કર્યું; તેના સ્વયંસેવકોએ રાજ્યના દરેક ખૂણામાં લોકોના નાના-નાના જૂથો સાથે બેઠકો યોજી, તેમને આ વખતે નિર્ભયતાથી મતદાન કરવાનો આગ્રહ કર્યો. RSS સ્વયંસેવકોએ પાયાના સ્તરે જનતાની નસ પર પણ નજર રાખી, ભાજપને જનતાનો મૂડ અને તેમના હરીફોની ચાલ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડી, જેથી પાર્ટીને તેની ચૂંટણી વ્યૂહરચનાને સુધારવામાં નોંધપાત્ર મદદ મળી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના શાસક તૃણમૂલ કોંગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કરવામાં ભાજપને મળેલી સફળતામાં RSS સ્વયંસેવકો દ્વારા ભજવવામાં આવેલી મુખ્ય ભૂમિકાનો સ્વીકાર કરતા ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ‘RSS કાર્યકરોએ વાસ્તવમાં ખૂબ જ સખત મહેનત કરી. તેઓએ પાયાના સ્તરે દિવસ-રાત મહેનત કરીને લોકો સુધી સીધો સંદેશ પહોંચાડ્યો. ભાજપે પણ આ સફળતા પ્રાપ્ત કરવા માટે અથાક મહેનત કરી. પાર્ટી અને RSS સ્વયંસેવકોએ દરેક સ્તરે ગાઢ સંકલનમાં કામ કર્યું.’
ચૂંટણી સમયગાળા દરમિયાન RSS સ્વયંસેવકોએ વ્યાપક મતદાતા જાગૃતિ અભિયાનો ચલાવ્યા, જેમાં રાજ્યભરમાં લોકોના નાના-નાના જૂથો સાથે આશરે 2 લાખ બેઠકો યોજી. આ બેઠકો દરમિયાન નાગરિકોને ચૂંટણી સંબંધિત મુખ્ય મુદ્દાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા અને ડર્યા વિના મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમને તેમની સલામતી અને સુરક્ષા અંગે પણ ખાતરી આપવામાં આવી હતી.
સૂત્રો અનુસાર, 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ પછી તરત જ પોતાનો જનાધાર મજબત કરતા તેનું વિસ્તરણ શરૂ કર્યું, જેમાં ભાજપ મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો અને 2016માં તેની 3 બેઠકોની સંખ્યાથી વધારીને 77 બેઠકો જીતી હતી. RSSએ પણ 2021ની વિધાનસભા ચૂંટણી પછી તરત જ રાજ્યમાં ભાજપના આગામી ચૂંટણી અભિયાન માટે જમીન તૈયાર કરવાનું શરૂ કર્યું હતું.
સંઘના અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, 2021માં તૃણમૂલની જીત પછી, પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસામાં ઘણા BJP કાર્યકરો માર્યા ગયા હતા. છતા અમે અટક્યા નહીં. અમે અમારું કાર્ય ચાલુ રાખ્યું. અમે મતદાન પછીની હિંસાના પીડિતો સાથે ઉભા રહ્યા અને તેમને રાહત અપાવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા. અમે તેમને કાનૂની સલાહ, વળતર અને તેમના ઘરોના પુનઃનિર્માણમાં મદદ કરી. જેમને ચૂંટણી બાદ થયેલી હિંસા દરમિયાન ઘર સળગાવી દેવામાં આવ્યા હતા અથવા નુકસાન થયું હતું. અમે તેમના જીવનનિર્વાહનું પણ ધ્યાન રાખ્યું.’

