28 વર્ષથી ભાજપ કાર્યાલયમાં કાર્યકરોને ચા પીવડાવતા પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈને ભાજપે ટિકિટ આપી

રાજકારણમાં સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ટિકિટ મેળવવા માટે મોટા નેતાઓ અને વગદાર લોકો વચ્ચે ખેંચતાણ ચાલતી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) ઘણીવાર એવા ચોંકાવનારા નિર્ણયો લેતી હોય છે,જે પાયાના અને નાના કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરો પાડે છે. આવો જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે, જ્યાં છેલ્લા 28 વર્ષથી ભાજપ કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પોપટલાલ ભીલને પાર્ટીએ કોર્પોરેટર પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

મહેસાણામાં ભાજપ જિલ્લા કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી રમેશભાઈ ભીલ ચા પીવડાવવા અને ઓફિસની દેખરેખનું કામ કરે છે. પરંતુ, આ વખત ચૂંટણીની યાદીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. કારણ કે ભાજપે પોતાની સમર્પણ નીતિને પુનરાવર્તિત કરતા રમેશ ભીલને વોર્ડ નંબર-13 માટે તેના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ramesh-bhil3
etvbharat.com

રમેશ ભીલ માત્ર એક કર્મચારી નથી; તેઓ એક અનુભવી પક્ષના સૈનિક છે, જેમણે વર્ષોથી કોઈ પણ પ્રકારના વ્યક્તિગત લાભની અપેક્ષા રાખ્યા વિના સંગઠનની સેવા કરી છે. હવે પક્ષે તેમની મહેનત અને નિષ્ઠાનું ફળ તેમને ચૂંટણી ટિકિટ આપીને આપ્યું છે. નોંધનીય છે કે, માત્ર રમેશ ભીલ જ નહીં; મહેસાણા ભાજપે અન્ય સંગઠનાત્મક ચહેરાઓ પર પણ વિશ્વાસ મૂક્યો છે. પક્ષે જિલ્લા ભાજપ કાર્યાલય સચિવ જયેશ પ્રજાપતિના પત્ની નયના પ્રજાપતિને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પક્ષના આ નિર્ણયથી પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જ્યાં એક તરફ વરિષ્ઠ નેતાઓ વચ્ચે ખેચતાણ જોવા મળે છે, ત્યારે એક ચા પીવડાવનારને ટિકિટ આપવામાં આવતા આ મામલાની ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે, એ જોવાનું બાકી છે કે જનતા આ સમર્પિત સેવકને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક માટે ચૂંટશે કે નહીં. હાલ માટે, ભાજપે આ ચા પીવાડનાર કર્મચારીની જીત સુનિશ્ચિત કરવા પાછળ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે; પક્ષના વરિષ્ઠ નેતાઓ રમેશ ભીલના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે.

ramesh-bhil3
etvbharat.com

મીડિયા સાથે વાતચીત કરતા રમેશભાઈ ભીલે પોતાની જૂની યાદો વાગોળી હતી, તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પાર્ટી કાર્યાલયમાં જોડાયા ત્યારે તે ખૂબ જ નાનું કાર્યાલય હતું. તેમણે માત્ર 500 રૂપિયાના માસિક પગારથી પટાવાળા તરીકે નોકરીની શરૂઆત કરી હતી. આજે સમય જતા તેમનો પગાર 10 હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. પગાર ભલે ઓછો હોય, પરંતુ તેમણે ક્યારેય પણ પૈસા સામે જોયા વિના પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી પાર્ટીની સેવા કરી છે. આ 28 વર્ષના લાંબા ગાળામાં તેમણે કાર્યાલયમાં આવતા તમામ નાના-મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે આત્મીયતાથી કામ કર્યું છે અને ક્યારેય કોઈ સાથે મનદુઃખ કે અણબનાવ થવા દીધો નથી.

પોતાને કોર્પોરેટરની ટિકિટ મળવા બદલ રમેશભાઈએ અત્યંત ખુશી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે પ્રદેશ મોવડી મંડળથી લઈને સ્થાનિક નેતાઓ જેવા કે ગિરીશભાઈ રાજગોર, મહામંત્રી ભગાજી, શુભમભાઈ શાહ અને દાસ કાકા સહિતના તમામ હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ગર્વ સાથે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી જ એકમાત્ર એવી પાર્ટી છે જે મારા જેવા નાનામાં નાના માણસની આટલી મોટી કદર કરી શકે છે. અન્ય કોઈ પાર્ટીમાં નાના કાર્યકરોને આટલું સન્માન મળતું નથી. પાર્ટીએ તેમના વર્ષોના સમર્પણને ધ્યાનમાં રાખીને જે સન્માન આપ્યું છે તે તેમના માટે ગર્વની વાત છે.

ETVBharatના અહેવાલ મુજબ, રમેશભાઈના પરિવાર માટે રાજકારણ અને ચૂંટણી સાવ નવા નથી. અગાઉના સમયમાં તેમની પત્નીને પણ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 10માં એસટી (ST) સીટ પરથી ટિકિટ આપવામાં આવી હતી. તે સમયે તે વિસ્તાર કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો. તેમ છતાં, તેમની પત્નીએ કોંગ્રેસની પેનલ તોડીને શાનદાર જીત નોંધાવી હતી. રમેશભાઈને આ વખતે પણ પૂરો વિશ્વાસ છે કે જનતાનો સાથ મળશે અને તેમની આખી પેનલ જંગી બહુમતીથી વિજયી બનશે.

મીડિયા સાથેની વાતચીતમા રમેશભાઈની સાદગી અને નમ્રતા સૌથી વધુ ઉડીને આંખે વળગે તેવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોર્પોરેટર બન્યા પછી શું તેઓ આ પટાવાળાની નોકરી ચાલુ રાખશે?

ramesh-bhil2
etvbharat.com

તેમણે કોઈપણ જાતના અહંકાર વિના સ્પષ્ટ જવાબ આપ્યો કે, ‘હું આજે જે કંઈ પણ છું તે આ કાર્યાલયના કારણે છું. કોર્પોરેટર કે ગમે તેવા મોટા પદ પર પહોંચી જાઉં, તો પણ હું મારી પટાવાળાની નોકરી ચાલુ જ રાખીશ. મારામાં કોઈ મોટાઈ આવવાની નથી. જે રીતે હું અત્યાર સુધી કામ કરતો આવ્યો છું, તે જ રીતે આગળ પણ જનતા અને પાર્ટીની સેવા કરતો રહીશ.

રમેશભાઈની આ સાદગી દર્શાવે છે કે સત્તા અને પદ ભલે મળે, પરંતુ મૂળ સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે. મહેસાણા ભાજપનો આ નિર્ણય સ્થાનિક સ્તરે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને પાયાના કાર્યકરોમાં એક સકારાત્મક સંદેશ આપી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.