- Gujarat
- વલસાડમાં 42 કરોડના ખર્ચે બની રહેલો નિર્માણાધીન બ્રિજ ધડામ; 5 શ્રમિક ઇજાગ્રસ્ત
વલસાડમાં 42 કરોડના ખર્ચે બની રહેલો નિર્માણાધીન બ્રિજ ધડામ; 5 શ્રમિક ઇજાગ્રસ્ત
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમાથી 4ની હાલત સારી છે અને એક ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ તમામ શ્રમિકોનો ઇન્શ્યોરન્સ લીધેલો હોવાનું કહી કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો છે. અહીંથી પસાર થતા એક રાહદારીએ જણાવ્યું કે એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો ને અમે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે 9:00 વાગ્યાના અરસામાં 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા 5 જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઇ રહી છે અને અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી છે.
https://twitter.com/sirajnoorani/status/1999375686818234755?s=20
વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, આજે સવારે આ દુર્ઘટના થઇ એમાં 5 લોકોને ઇજા થઇ છે. જેમાં 4 લોકોનું સ્વાસ્થ્ય સારું છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા ત્યારે કોઇ જેકના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી છે. 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. 2 વર્ષ અગાઉ મંજૂરી આપવામાં આવી હતી અને આગામી એક વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઇમલાઇન છે. અમે કમિટીની રચના કરીને તપાસ કરીશું અને તપાસમાં જે સામે આવશે એ મુજબ આગળીની કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયાએ જણાવ્યું કે, સુરતના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તપાસ સોંપવામાં આવી છે અને એક-બે દિવસમાં રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. તેમજ આ બાબતે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે, જે જેક ચઢાવવાનો હોય એ જેક ચઢાવવામાં ભૂલ કરી એટલે સ્લીપ થઈ ગયો ગડર એટલે હાલમાં મેન્યુઅલ લાગે છે. અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ગંભીર કોઈ નથી સામાન્ય ઈજા છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે સવારે નવ-સવા નવ વાગ્યાના અરસામાં ઓરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો. જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્લિપ થઇ ગયો હતો. અહીં કામ કરી રહેલા પાંચ મજૂરોને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે. હાલ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે, જે બાદ આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે વિગવાત તપાસ હાથ ધરવામાં આવશે. અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જ્યારે અહીંનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી અન્ય રાહદારીઓને હાલાકી ઉભી ન થાય.
વલસાડમાં ઔરંગા નદી પર બની રહેલા નવનિર્માણ બ્રિજનો સ્લેબ અચાનક ધરાશાયી થવાની ગંભીર ઘટનાના પડઘા હવે રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પડ્યા છે. આ દુર્ઘટનામાં 5 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા, જેને પગલે સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે. બ્રિજનો સ્લેબ તૂટી પડવાના મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જવાબદારી માર્ગ-મકાન વિભાગના સર્કલ ઓફિસર (CO)ને સોંપવામાં આવી છે.
સર્કલ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લેશે. તેઓ બ્રિજના નિર્માણની ગુણવત્તા, વપરાયેલ સામગ્રી, ડિઝાઇનમાં ખામી અને બાંધકામની પ્રક્રિયા સહિતની તમામ વિગતોની બારીકાઈથી ચકાસણી કરશે. સર્કલ ઓફિસર દ્વારા સ્થળ મુલાકાત અને ટેકનિકલ તપાસ પૂર્ણ થયા બાદ, તેઓ બ્રિજ તૂટી પડવાના કારણો અને જવાબદારોની વિગતો સાથેનો વિગતવાર રિપોર્ટ તાત્કાલિક રાજ્ય સરકારને સોંપશે. સરકાર આ રિપોર્ટના આધારે બ્રિજની ગુણવત્તામાં કોઈ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય અને વહીવટી પગલાં લેશે. વલસાડની આ ઘટનાએ રાજ્યમાં ચાલી રહેલા બાંધકામના કાર્યોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

