- Gujarat
- ગુજરાત હાઈ કોર્ટે કલેક્ટરને અભણ કેમ કહી દીધા
ગુજરાત હાઈ કોર્ટે કલેક્ટરને અભણ કેમ કહી દીધા
ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ભરૂચ જિલ્લા કલેક્ટરને કડક ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું, 'તમે કલેક્ટર તો છો, પણ તમે એક અભણ માણસ જેવા છો. તમને એ નિયમોની ખબર નથી, જેનું તમારે પાલન કરવું જોઈએ. તમને તો તમારી પોતાની શક્તિઓની પણ ખબર સુદ્ધા નથી.' આ કેસમાં જાહેર હિતની અરજી (PIL)ના જવાબનો સમાવેશ થતો હતો.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ભરૂચ જિલ્લા કલેક્ટરને એક PILના જવાબમાં અસ્પષ્ટ સોગંદનામું દાખલ કરવા બદલ ઠપકો આપ્યો હતો, જેમાં એમોનિયમ નાઈટ્રેટ સ્ટોરેજ યુનિટ્સ દ્વારા સલામતી નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ D.N. રાયની બેન્ચે કહ્યું, 'કલેક્ટર અભણ છે. તેમને સંબંધિત નિયમો ખબર નથી. તેમને પોતાની શક્તિઓની પણ ખબર નહોતી.'
મુખ્ય ન્યાયાધીશે કહ્યું, 'તો તમે એક અભણ માણસ છો. તમે કલેક્ટર છો, પણ તમે એક અભણ માણસ છો. તમારે જે નિયમોનું પાલન કરવું જોઈએ તેનાથી તમે અજાણ છો. તમે તમારી પોતાની શક્તિઓથી અજાણ છો. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, જિલ્લામાં એમોનિયમ નાઈટ્રેટ (એક વિસ્ફોટક પદાર્થ)ના સંગ્રહ અને પ્રક્રિયામાં રોકાયેલા ઔદ્યોગિક એકમો ફરજિયાત સલામતી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
આ કેસના કેન્દ્રમાં રહેલા રસાયણને લાંબા સમયથી ભારતીય કાયદા હેઠળ જોખમી પદાર્થ માનવામાં આવે છે. તે ભોપાલ ગેસ દુર્ઘટના પછી લાગુ કરાયેલા જોખમી રસાયણોના ઉત્પાદન, સંગ્રહ અને આયાત નિયમો, 1989 હેઠળ સૂચિબદ્ધ છે. તે એમોનિયમ નાઈટ્રેટ નિયમો, 2012 દ્વારા પણ સંચાલિત છે.
અરજી અનુસાર, આ નિયમોમાં કડક લાઇસન્સિંગ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે અને તેની સાથે તેના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને હેન્ડલિંગ માટે વિગતવાર સલામતીના ઉપાયો નક્કી કરવામાં આવ્યા છે, કારણ કે તે ખૂબ જ વિસ્ફોટક પદાર્થ છે. અરજી અનુસાર, આ નિયમોનો અમલ મુખ્યત્વે વિસ્ફોટકોના મુખ્ય નિયંત્રક, જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર) અને સ્થાનિક પોલીસ પર નિર્ભર છે, જે બધા પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન (PESO) હેઠળ કાર્યરત છે. અરજીમાં ચેતવણી આપવામાં આવી હતી કે, નિયમોનું પાલન કરવામાં કોઈપણ ભૂલ વિનાશક પરિણામો લાવી શકે છે, ખાસ કરીને ગીચ વસ્તીવાળા ઔદ્યોગિક વિસ્તારોમાં જ્યાં મોટી માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ અન્ય જોખમી પ્રવૃત્તિઓ અને રહેણાંક વિસ્તારોની નજીકમાં હેન્ડલ કરવામાં આવે છે.
કોર્ટે કલેક્ટર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાને ફગાવી દીધો, જેમાં નોંધ્યું કે 2012ના નિયમો પહેલાં પણ, એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટકો નિયમો 2008ના નિયમનકારી કાર્યક્ષેત્રને આધીન હતું. જૂના એકમો માટે સલામતી ધોરણોને અવગણી શકાય નહીં. કોર્ટે એ પ્રશ્ન કર્યો કે, શું રાજ્યએ અગાઉના અહેવાલો પર કોઈ કાર્યવાહી કરી હતી, જેમાં ઉલ્લંઘનો જાહેર થયા હતા. સોગંદનામામાં આ નિવેદન અસ્પષ્ટ છે, કારણ કે તે સ્પષ્ટ કરતું નથી કે કયું એકમ નિર્ધારિત સલામતી ધોરણોનું પાલન કરી રહ્યું નથી. એવું લાગે છે કે રેકોર્ડ પર કે જિલ્લા કલેક્ટરના સોગંદનામામાં એવું કંઈ નથી જે દર્શાવે કે 19 માર્ચ, 2025 અને 23 માર્ચ, 2026ના અહેવાલો પર જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી.
કોર્ટે અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા નવા અહેવાલ અંગે શંકા વ્યક્ત કરી, કારણ કે તે કોઈપણ યોગ્ય સમજૂતી વિના ઉલ્લંઘનો અંગેના અગાઉના તારણોનો વિરોધાભાસ કરે છે. આ ઉપરાંત, કોર્ટે રાજ્યના વકીલની આટલી અસ્પષ્ટ સોગંદનામા દાખલ કરવા બદલ ટીકા કરી. કોર્ટે કહ્યું, 'તમે અધિકારીઓના મુખપત્ર નથી. આવા સોગંદનામા દાખલ કરીને, તમે અધિકારીઓ માટે મુખપત્ર બનો છો, જ્યારે તમે ખુદ એક વકીલ છો.'
કોર્ટે કહ્યું, 'અમે ધીરજ રાખી રહ્યા છીએ એટલે એનો અર્થ એ નથી કે તમે અમને હળવાશથી લઈ શકો છો. જ્યારે વકીલે સોગંદનામું પાછું ખેંચવાની અને નવું સોગંદનામું દાખલ કરવાની પરવાનગી માંગી, ત્યારે કોર્ટે ઇનકાર કર્યો. કોર્ટે કહ્યું, 'અમે તમને સોગંદનામું પાછું ખેંચવાની મંજૂરી એમ જ કંઈ નથી આપવાના.' મુખ્ય મુદ્દો ફક્ત કયા નિયમો લાગુ પડે છે તે જ નહોતો, પરંતુ વિસ્ફોટકોના સંગ્રહ માટે નિર્ધારિત સલામતી ધોરણોનું ખરેખર પાલન થઈ રહ્યું છે કે કેમ તે હતો.
ત્યારપછી કોર્ટે અંકલેશ્વરના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સમયાંતરે અમલમાં રહેલા નિયમોને ધ્યાનમાં રાખીને પ્રતિવાદી એકમોનું નવું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કલેક્ટરને આ તારણોની સ્વતંત્ર રીતે તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો. જો કોઈ ઉલ્લંઘન જોવા મળે, તો કાર્યવાહીના અહેવાલ સાથે નવું સોગંદનામું દાખલ કરો. આ કેસની આગામી સુનાવણી જૂનમાં થશે.

