- Lifestyle
- દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે
દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે
(ઉત્કર્ષ પટેલ)
દીકરી એટલે પિતાના જીવની ધબકાર. જ્યારે ઘરમાં નાનકડી દીકરીનો જન્મ થાય છે ત્યારે પિતાના હૃદયમાં એક નવો જ જીવનરસ ઉમેરાય છે. તેના પ્રથમ હાસ્યથી લઈને પ્રથમ પગલાં સુધી દરેક ક્ષણ પિતા માટે અમૂલ્ય બની જાય છે. દીકરી પિતાની આંખોનું તેજ, હૃદયનું સુખ અને જીવનનું સૌંદર્ય છે. તેની માસૂમ નજરમાં પિતા પોતાનું સુખ જોવે છે અને તેના નાનકડા હાથમાં પોતાનું ભવિષ્ય અનુભવે છે.
પરંતુ દીકરી માત્ર સ્નેહનું પ્રતીક નથી તે પિતા માટે જીવનભરની જવાબદારી પણ છે. પિતા તેની દીકરીને મજબૂત બનાવવા માટે રાતદિવસ મહેનત કરે છે. તેના સપનાઓને પાંખો આપવા તેને શિક્ષણ આપીને સ્વાવલંબી બનાવવા અને સમાજની દરેક વિપરીત પરિસ્થિતિમાં તેનું રક્ષણ કરવા માટે પિતા પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. દીકરીના લગ્નના દિવસે પિતાની આંખોમાં આનંદની સાથે અલગ થવાનું દુઃખ પણ હોય છે કારણ કે તે જાણે છે કે તેની જવાબદારી હવે અન્ય કોઈના ખભે સોંપાઈ રહી છે. તેમ છતાં પિતાનું હૃદય હંમેશા તેની દીકરી માટે ધડકતું રહે છે.

આજના સમયમાં દીકરીઓ પોતાની ક્ષમતાઓથી વિશ્વને જીતી રહી છે. તે ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક અને નેતા બનીને પિતાના સપનાઓને સાકાર કરે છે. દરેક પિતા જવાબદારી છે કે દીકરીઓને સમાન અવસર આપે, તેમને મજબૂત બનાવે અને તેમની પાંખને ક્યારેય કાપે નહીં કારણ કે દીકરી જ્યારે ઉડે છે ત્યારે પિતાનું આખું આકાશ રોશન થઈ જાય છે.
દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે. આવો આપણે સૌ મળીને દીકરીઓને પ્રેમ, સમાનતા અને સ્વતંત્રતા આપીએ જેથી તેમનું જીવન સુખમય અને સફળ બને. बेटी बचाओ, बेटी पढ़ाओ કારણ કે દીકરી જ સુસંસ્કૃત સમાજનું ભવિષ્ય છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

