- Lifestyle
- ઘર સંભાળવું 'કંઈ ન કરવું' નથી... આ પણ એક હુનર છે અને એક મોટી જવાબદારી છે
ઘર સંભાળવું 'કંઈ ન કરવું' નથી... આ પણ એક હુનર છે અને એક મોટી જવાબદારી છે
(ઉત્કર્ષ પટેલ)
આજે પણ જ્યારે કોઈ સ્ત્રીને પૂછવામાં આવે છે "તમે શું કરો છો?" ત્યારે ઘણીવાર જવાબ આવે છે "કંઈ નહીં, હું તો ઘરે જ છું." આ "કંઈ નહીં" ના બે શબ્દોમાં કેટલી બધી મહેનત, કેટલું બધું સમર્પણ અને કેટલી બધી કુશળતા છુપાયેલી છે તે ક્યારેય કોઈ ધ્યાને લે છે ખરું?! પરંતુ આજે આ લેખ દ્વારા દરેક ઘર સંભાળતી બહેનો માતાઓને કહેવા માંગું છું તમે તો એક આખું સામ્રાજ્ય ચલાવો છો!
સવારના પાંચ વાગ્યે ઊઠીને રસોડામાં પ્રવેશ કરવો, દરેક સભ્યના સ્વાદને ધ્યાનમાં રાખીને ભોજન બનાવવું, બાળકોને શાળા માટે તૈયાર કરવા, ઘરની સફાઈ, કપડાં ધોવા, ઇસ્ત્રી કરવી, બજારમાંથી સામાન લાવવો, બીમાર સદસ્યની સેવા કરવી, મહેમાનોનું સ્વાગત કરવું — આ બધું શું "કંઈ નહીં" છે? જો આ બધા કામોને કોઈ બહારની એજન્સીને સોંપવામાં આવે તો તેનો ખર્ચ લાખોમાં થાય. પરંતુ સ્ત્રી આ બધું પ્રેમથી, નિઃસ્વાર્થ ભાવે અને કોઈ પગારની અપેક્ષા વિના કરે છે.

ઘર સંભાળવું એ માત્ર શારીરિક મહેનત નથી તે એક વિશેષ આવડત છે. એક ઘર સંભાળતી સ્ત્રી એક સાથે રસોઈયા, શિક્ષિકા, નર્સ, મનોવૈજ્ઞાનિક, આર્થિક સલાહકાર, ડિઝાઇનર, વ્યવસ્થાપક અને શાંતિદૂત... આ બધી ભૂમિકાઓ એક સાથે નિભાવે છે. શું કોઈ કોર્પોરેટ ઓફિસમાં કામ કરતો વ્યક્તિ એક દિવસમાં આટલી બધી ભૂમિકાઓ ભજવી શકે? ના, શક્યજ નથી. તો પછી ઘર સંભાળતી સ્ત્રીને "કંઈ ન કરનાર" કહેવી એ અન્યાયી ના કહેવાય?
સૌથી મોટી વાત એ છે કે ઘર સંભાળવું એ માત્ર કામ નથ તે એક ભાવનાત્મક જવાબદારી પણ છે. ઘરના દરેક સભ્યના મોઢા પરનું સ્મિત, દરેકના હૈયાની શાંતિ, પરિવારનું એકતા આ બધું એક સ્ત્રીના હાથમાં હોય છે. જ્યારે ઘરમાં ઝઘડો થાય ત્યારે તે જ શાંતિ સુલેહ કરે છે. જ્યારે કોઈ નિરાશ હોય ત્યારે તે જ હિંમત આપે છે. જ્યારે બાળક રડે ત્યારે તેના ખોળામાં જ દુનિયાની સૌથી મોટી હૂંફ મળે છે. આ ભાવનાત્મક શ્રમ કોઈ પેસ્લિપમાં નોંધાતો નથી પરંતુ તેના વિના આખું ઘર વિખેરાઈ જાય.
સમાજે હવે સમજવાની જરૂર છે કે ઘર સંભાળવું એ કોઈ મજબૂરી નથી તે એક પસંદગી પણ હોઈ શકે છે અને જો કોઈ સ્ત્રીએ આ પસંદગી કરી છે તો તેનો આદર થવો જોઈએ, તેની મજાક નહીં. દરેક કાર્યનું મૂલ્ય હોય છે પછી તે ઓફિસમાં થાય કે ઘરમાં. એક CEO નું કામ મહત્વનું છે તો એક ગૃહિણીનું કામ પણ એટલું જ મહત્વનું છે. બંને પોતાની જગ્યાએ સમાજનું ચક્ર ચલાવે છે.

બહેનો, માતાઓ, પત્નીઓ અને દીકરીઓના હાથમાં જે કળછી છે તે કોઈ સાધારણ વસ્તુ નથી જેનાથી તમે એક ખાલી મકાનને ઘર બનાવો છો. તમારા પગના ઝાંઝર જેવા પગલાં ઘરમાં ગુંજે છે ત્યારે તે ઘર ધબકે છે. તમારા હાથના સ્પર્શથી દીવાલોમાં પણ જીવન આવે છે. તમે "કંઈ નથી કરતી" આ વાત હવે ક્યારેય સ્વીકારશો નહીં. તમે તો દુનિયાનું સૌથી અગરું, સૌથી સરસ અને મહત્વનું કામ કરો છો.
તમારી જાતને ઓળખો, તમારા કામને ગર્વથી ઓળખાવો. જ્યારે કોઈ પૂછે "તમે શું કરો છો?" ત્યારે ગર્વથી કહો "હું એક ઘર સંભાળું છું, હું એક પરિવાર ઊભો કરું છું, હું ભવિષ્યની પેઢી ઘડું છું." કારણ કે ઘર સંભાળવું એ કોઈ નાનું કામ નથી તે દુનિયાનું સૌથી મોટી આવડત છે, સૌથી મોટી જવાબદારી છે અને સૌથી મોટી સેવા છે.ગર્વ કરો તમારી જાત પર, કારણ કે તમે ખરેખર અસાધારણ છો!
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

