- Lifestyle
- સમય પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે: ધીરજ રાખો રાહ જુઓ રસ્તો નીકળશે
સમય પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે: ધીરજ રાખો રાહ જુઓ રસ્તો નીકળશે
(ઉત્કર્ષ પટેલ)
આપણું જીવન સતત બદલાતી ઋતુઓ જેવું છે. ક્યારેક આપણા જીવનમાં વસંતની જેમ સુખના ફૂલો ખીલે છે તો ક્યારેક શિયાળાના ધુમ્મસ જેવી મુશ્કેલીઓ ઘેરાઈ આવે છે. જ્યારે જીવનમાં અચાનક કોઈ મોટી સમસ્યા કે આપત્તી આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે જાણે આભ તૂટી પડ્યું છે. અંધકાર એટલું બિહામણું હોય છે કે આપણને આગળનું એક પણ પગલું ભરવામાં બીક લાગે. આવા સમયે આપણું મન નિરાશાથી ભરાઈ જાય છે અને આપણે હાર માની લેવાનું વિચારીએ છીએ. પરંતુ જીવનનો એક નિયમ છે કે "સમય પાસે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે." આ વાત માત્ર એક આશ્વાસન નથી પરંતુ કડવું સત્ય છે.
જ્યારે આપણે કોઈ સમસ્યાના વમળમાં ફસાઈ જઈએ છીએ ત્યારે આપણી દ્રષ્ટિ સીમિત થઈ જાય છે. આપણને માત્ર અને માત્ર સમસ્યા જ દેખાય છે તેનો ઉકેલ નહીં. આપણે એ ભૂલી જઈએ છીએ કે રાત ગમે તેટલી અંધારી કે બિહામણી હોય અને લાંબી હોય બીજા દિવસની સવાર થવાની જ છે. સમય એ એક એવી શક્તિ છે જે પ્રકૃતિને પણ બદલે છે તો પછી આપણી જીવનની સમસ્યાઓને કેમ ના બદલે ?? જે વિષય આજે આપણને ખૂબ જ જટિલ અને ઉકેલવા માટેઅગરો લાગે છે તેને સમયની ધીમી ગતિ ઉકેલી નાખે છે. સમય આપણને નવી દ્રષ્ટિ આપે છે નવી સમજણ આપે છે અને પરિસ્થિતિને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ પણ આપે છે.

આ પ્રક્રિયામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે તે છે 'ધીરજ'. ધીરજ એટલે માત્ર ચુપચાપ બેસી રહેવું તે નહીં પરંતુ પૂરા વિશ્વાસ અને આશા સાથે રાહ જોવાનો ગુણ છે. ધીરજ એ નિષ્ક્રિયતાનું નામ નથી પરંતુ એક સક્રિય અને સશક્ત માનસિકતા છે. જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ ત્યારે આપણું મન શાંત થાય છે. ઘબરામણ અને ભયના કારણે આપણી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે પરંતુ શાંત મનથી આપણે એવા રસ્તા શોધી કાઢીએ છીએ જે આપણને પહેલા દેખાતા જ નહોતા. કહેવાય છે કે જ્યારે ઈશ્વર કોઈ દરવાજો બંધ કરે છે ત્યારે બીજી કોઈ બારી ખોલી દે છે પણ તે દરવાજો જોવા માટે આંખોમાં આશા અને હૃદયમાં ધીરજ હોવી જરૂરી છે.
કુદરત તરફ જોશો તો સમય અને ધીરજનું ઉત્તમ ઉદાહરણ મળે છે. શિયાળામાં ઝાડના પાન ખરી પડે છે અને ઝાડ સુકાયેલું તથા નિર્જીવ લાગે છે. એવું લાગે છે કે હવે તેમાં ક્યારેય જીવન આવશે નહીં. પરંતુ જોશો તો ધીરજ રાખીને સમય પોતાનું કામ કરે છે વસંત ઋતુ આવે છે અને તે જ સુકાયેલા ઝાડમાં નવા પાન અને ફૂલો ખીલી ઊઠે છે. આપણું જીવન પણ આ વૃક્ષ જેવું જ છે. મુશ્કેલીઓનો સમય આપણને અંદરથી હલાવી નાખે છે પરંતુ સમયની વસંત ફરીથી આપણા જીવનમાં નવી આશો અને નવી ઊર્જા લઈને આવે છે જ. તેથી પ્રતિકૂળ સમયમાં ઘભરાવું નહીં માત્ર રાહ જોવી.
ઇતિહાસ અને આપણા શાસ્ત્રો આપણને અનેક એવા કિસ્સાઓ શીખવે છે જ્યાં મહાન વ્યક્તિઓએ પોતાના જીવનની સૌથી મોટી મુશ્કેલીઓમાં ધીરજનો માર્ગ અપનાવ્યો હોય. ભગવાન રામને વનવાસ મળ્યો અને મહાભારતના પાંડવોને અજ્ઞાતવાસ તથા અનેક યાતનાઓ ભોગવવી પડી પરંતુ તેમણે સમય પર વિશ્વાસ રાખ્યો અને ધીરજથી કામ લીધું. પરિણામ એ આવ્યું કે અંતે ધર્મ અને સત્યનો વિજય થયો. આજે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી હોય અને ભલે તે આર્થિક હોય કે પારિવારિક કે સ્વાસ્થ્યને લગતી કે કરિયર સંબંધિત તો એકવાર આ વાતને હૃદયથી સ્વીકારી લો કે "આ સમય પણ પસાર થઈ જશે."

"રાસ્તો નીકળશે" આ વાક્યમાં એક અદ્ભુત સમજ છુપાયેલી છે. જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ કે રસ્તો નીકળશે ત્યારે આપણું અવચેતન મન તે દિશામાં કામ કરવાનું શરૂ કરી દે છે. આપણે નવા વિકલ્પો શોધવા લાગીએ છીએ અને નવી તકો આપોઆપ આપણી તરફ આકર્ષાય છે. હાર માની લેનાર માટે કોઈ રસ્તો નથી હોતો પરંતુ જે ટકી રહે છે અને જે સમયને પોતાના પર હાવી થવા દેતો નથી તેના માટે બ્રહ્માંડ પણ નવા દરવાજા ખોલી દે છે.
અંતે એટલું જ કહી શકાય કે જીવનમાં આવતી દરેક મુશ્કેલી એક પથ્થર સમાન છે જેને આપણે અડચણરૂપે જોઈએ કે પગથિયાંરૂપે તે આપણા હાથમાં છે. સમય પાસે દરેક દુઃખની દવા અને દરેક પ્રશ્નનો જવાબ હોય છે. તમે બસ પોતાના કર્મ કરતા રહો હૃદયમાં આશાનો દીવો પ્રગટાવી રાખો અને સમયને પોતાનું કામ કરવા દો. યાદ રાખજો કે અંધારું ગમે તેટલું ઘેરું હોય સવારના સૂરજને રોકવાની કોઈની હિમ્મત નથી. તેથી ધીરજ રાખો પ્રેમ અને વિશ્વાસ સાથે રાહ જુઓ ચોક્કસપણે તમારી સમસ્યાનો ઉકેલ આવશે જ.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

