- National
- 50 હજારની ભેંસ બની 'VIP', સુરક્ષા માટે તૈનાત થઇ પોલીસ; રાતભર પહેરો શા માટે?
50 હજારની ભેંસ બની 'VIP', સુરક્ષા માટે તૈનાત થઇ પોલીસ; રાતભર પહેરો શા માટે?
આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુથલાપટ્ટુ મંડળમાં આવેલા થિમ્મીરેડ્ડીપલ્લી ગામમાં મેળા દરમિયાન અધિકારીઓએ ભેંસની બલિ અટકાવી. ગ્રામજનો 50 હજાર રૂપિયામાં ખરીદેલી ભેંસની બલિદાન આપવાની તૈયારીમાં હતા, ત્યારે જ ત્રણ યુવાનોએ કેન્દ્રીય પશુપાલન મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા વહીવટીતંત્રને સુચના આપવામાં આવી અને પોલીસે બલિ અટકાવવા માટે રાતભર દેખરેખ રાખી. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે.
ચિત્તૂર જિલ્લામાં એક ભેંસને પોલીસ સુરક્ષાની જરૂરિયાત પડી ગઇ. થિમ્મીરેડ્ડીપલ્લીલ ગામમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિદ્વાનો સાથે પરામર્શ કર્યા પછી ગામના વડીલોએ 'અમ્માવરી જાતારા'નું આયોજન કર્યું હતું. મેળાના ભાગ રૂપે એક ભેંસની બલિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો, અને ગ્રામજનોએ મળીને ₹50 હજારમાં એક ભેંસ ખરીદી હતી.
જોકે, આ વાતની જાણ થતા ત્રણ સ્થાનિક યુવાનોએ પશુ બલિનો વિરોધ કર્યો અને કેન્દ્રીય પશુપાલન મંત્રાલયને ભેંસના ફોટા સાથે ઇમેઇલના માધ્યમથી ફરિયાદ કરી. ફરિયાદ મળ્યા બાદ કેન્દ્રીય અધિકારીઓએ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી. જિલ્લા કલેક્ટરના આદેશો બાદ, પુથલાપટ્ટુના મામલતદાર ઉદય સતીષ ગામમાં પહોંચ્યા અને બલિ રોકવા માટે પગલાં લીધાં. સાથે જ, જિલ્લા SP તુષાર દુદીના નિર્દેશો હેઠળ પોલીસે ગામમાં સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
અધિકારીઓ અને પોલીસે ભેંસને બાંધેલી જગ્યા પર ચોવીસ કલાક નજર રાખી હતી, અને આ રીતે તેમણે પશુ બલિ અટકાવી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ લગભગ 40 વર્ષ પછી ગામની સુખાકારી માટે બલિ આપવા માંગતા હતા, પરંતુ સત્તાવાર હસ્તક્ષેપને કારણે આ કાર્યક્રમ અટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ ગ્રામજનોએ પરંપરાગત કુંભનું આયોજન કર્યું અને પૂજા-અર્ચના કરી. મેળો પૂરો થાય ત્યાં સુધી પોલીસે ગામમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી હતી અને ખાતરી કરી હતી કે કોઈ પણ પ્રકારની પશુ બલિ ન આપવામાં આવે.

