- National
- ભ્રષ્ટ અધિકારીઓની ભલામણો નહીં ચાલે; CM ફડણવીસે કડક થઈ પવાર જૂથની માંગણી ફગાવી
ભ્રષ્ટ અધિકારીઓની ભલામણો નહીં ચાલે; CM ફડણવીસે કડક થઈ પવાર જૂથની માંગણી ફગાવી

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે એક મોટો નિર્ણય લેતા સ્પષ્ટ કર્યું છે કે, તેઓ મંત્રીઓના ઇશારે કોઈપણ ભ્રષ્ટ પર્સનલ આસિસ્ટન્ટ (PS) અને સ્પેશિયલ ડ્યુટી ઓફિસરની નિમણૂકોને મંજૂરી આપશે નહીં. કૃષિ મંત્રી અને DyCM અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા માણિકરાવ કોકાટેના નિવેદનનો વિરોધ કરતા, CM ફડણવીસે કહ્યું કે, ગમે તેને નારાજ થવું હોય તો થાય, પરંતુ તેઓ એવા અધિકારીઓને મંજૂરી નહીં આપે જેમના પર ભ્રષ્ટાચાર અથવા ખોટા કાર્યોનો આરોપ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માણિકરાવ કોકાટેએ સોમવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, હવે મંત્રીઓના PA અને OSDની નિમણૂક પણ CM દ્વારા નક્કી કરવામાં આવી રહી છે, જેના કારણે તેમની પાસે પોતાના નિર્ણયો લેવાનો કોઈ અવકાશ નથી. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. આના જવાબમાં CM ફડણવીસે કહ્યું, 'CM પાસે રાજ્યમાં મંત્રીઓના PA અને ખાસ અધિકારીઓની નિમણૂક કરવાનો અધિકાર છે. કોકાટે સાહેબ કદાચ જાણતા નથી કે, આ કોઈ નવી પરંપરા નથી. મેં કેબિનેટ બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, મંત્રીઓ તેમના સૂચનો મોકલી શકે છે, પરંતુ જો તેમના પર ખોટા કામોનો આરોપ લાગેલો હશે તો હું તેને મંજૂરી આપીશ નહીં.'
CM ફડણવીસે જણાવ્યું હતું કે, મંત્રીઓ દ્વારા કુલ 125 નામો મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 109 નામોને લીલી ઝંડી આપવામાં આવી હતી, પરંતુ જે શંકાસ્પદ હતા તેમને મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે સ્પષ્ટ કહ્યું, 'મેં બાકીના નામોને મંજુર કર્યા નથી, કારણ કે તેમની સામે આરોપો છે અને કેટલાક કિસ્સાઓમાં તપાસ પણ ચાલી રહી છે. કોઈ ગુસ્સે થાય કે ખુશ, હું આવા નામો પાસ નહીં કરું.'
આ દરમિયાન, મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ અને શિંદે જૂથના શિવસેના નેતા નીલમ ગોર્હે દ્વારા ઉદ્ધવ ઠાકરે પર કરવામાં આવેલી ટિપ્પણીઓ અને ત્યાર પછી સંજય રાઉતના વળતા હુમલાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો. આ અંગે CM ફડણવીસે કહ્યું કે, આવા રાજકીય નિવેદનોથી બચવું જોઈએ. તેમણે કહ્યું, 'સાહિત્ય સંમેલનમાં પણ નફરત દેખાઈ રહી છે. ત્યાં PM નરેન્દ્ર મોદીથી લઈને ઉદ્ધવ ઠાકરે સુધી બધા પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. પરંતુ શું રાજકારણ માટે આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો યોગ્ય છે?' CM ફડણવીસે એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ સાહિત્યિક મંચો પર સંયમ રાખવો જોઈએ. તેમણે સૂચન કર્યું કે, જો રાજકીય નેતાઓ સાહિત્યિક પરિષદોમાં હાજરી આપે છે, તો તેમણે તેમના રાજકીય વક્તવ્ય પર પણ નિયંત્રણ રાખવું જોઈએ.
દરમિયાન, રાજ્યના CM ફડણવીસે ખેડૂતો માટે રાહતની જાહેરાત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, હવે રાજ્ય સરકાર પોતાના તરફથી 6,000 રૂપિયાને બદલે 9,000 રૂપિયા આપશે. આ દ્વારા ખેડૂતોને વાર્ષિક કુલ 15,000 રૂપિયા મળશે, જે તેમને આર્થિક રીતે મદદ કરશે.