- National
- જાણો બંગાળની ખાડીમાંથી આવી રહેલા ચક્રવાતનું નામ 'અર્નબ' કેવી રીતે પડ્યું? શું ગુજરાતમાં અસર થશે?
જાણો બંગાળની ખાડીમાંથી આવી રહેલા ચક્રવાતનું નામ 'અર્નબ' કેવી રીતે પડ્યું? શું ગુજરાતમાં અસર થશે?
ચક્રવાત 'અર્નબ' ભારતનાં પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશે તેની સંભવિત અસરોનો સામનો કરવા માટે પોતાની તૈયારીઓ મજબૂત કરી દીધી છે. આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ, તેજ પવન અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે; એટલે, પ્રભાવિત થનારા વિસ્તારોમાં સમયસર ચેતવણીઓ જાહેર કરવી અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા ખૂબ જરૂરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર સર્જાયેલી હવામાન સિસ્ટમ 26 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં આંધ્ર પ્રદેશના કિનારા તરફ આગળ વધશે. ઓડિશાએ જોખમો ઘટાડવા માટે પોતાના સંસાધનો તૈનાત કરી દીધા છે, જ્યારે આંધ્ર પ્રદેશે વીજ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ વીજ પુરવઠો કોઇ પણ રુકાવટ વિના ચાલુ રાખે.
ચક્રવાત 'અર્નબ'નું નામ કોણે આપ્યું?
'અર્નબ' નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. આ નામ તે સત્તાવાર લિસ્ટમાં સામેલ છે, જેને એપ્રિલ 2020માં વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO) અને યુવાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UNESCAP)ની ટ્રોપિકલ સાયક્લોન પેનલે અપનાવ્યું હતું.
આ સૂચિમાં 13 દેશો માટે આપવામાં આવેલા નામ સામેલ છે, બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમન. દરેક દેશે 13-13 નામો સૂચવ્યા હતા, જેથી ઉત્તરી હિંદ મહાસાગરમાં આવતા ચક્રવાતો માટે કુલ 169 નામોની લિસ્ટ તૈયાર થઈ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જ્યારે વાવાઝોડાં આવે છે, ત્યારે તેમને આ લિસ્ટમાંથી ક્રમશઃ નામો આપવામાં આવે છે.
'અર્નબ' શબ્દ સામાન્ય રીતે બંગાળી ભાષામાં 'મહાસાગર' કે 'સમુદ્ર' માટે ઉપયોગ કરવામાં આવે છે. જોકે, ભારતીય હવામાન વિભાગ (IMD)ની સત્તાવાર લિસ્ટમાં બાંગ્લાદેશને આ નામનો પ્રસ્તાવ આપનાર દેશ જણાવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં તેનો કોઇ ખાસ અર્થ આપવામાં આવ્યો નથી.
ચક્રવાતોને નામ આપવાથી હવામાન સંબંધિત ચેતવણીઓને લોકો સુધી પહોંચાડવી, તેને સમજવી અને યાદ રાખવી સરળ થઇ જાય છે. આનાથી અધિકારીઓ, મીડિયા સંસ્થાઓ અને સામાન્ય જનતાને વિવિધ વાવાઝોડાં વચ્ચે ફરક કરવામાં મદદ મળે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે એકસાથે અનેક હવામાન સિસ્ટમ સક્રિય હોય. એક નક્કી નામ નામ હોવાને કારણે, પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકો હવામાનની આગાહીઓ અને ચેતવણીઓને સરળતાથી સમજી શકે છે, જેથી આપત્તિની તૈયારીઓ અને સમય રહેતા સુરક્ષાના પગલાં લેવામાં મદદ મળે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાથી ગુજરાત પર કોઈ પણ પ્રકારનો સીધો ખતરો નથી. જોકે, આ સિસ્ટમના પરિણામે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે અને રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે બેવડી ઋતુનો અનુભવ થશે.

