- National
- નેતાના ઘરે EDના દરોડા, 12 કરોડ રોકડા, 6 કરોડની જ્વેલરી મળી, પૈસા ગણવા મશીન લાવવા પડ્યા
નેતાના ઘરે EDના દરોડા, 12 કરોડ રોકડા, 6 કરોડની જ્વેલરી મળી, પૈસા ગણવા મશીન લાવવા પડ્યા
સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થયાના એક દિવસ બાદ જ, એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટક કોંગ્રેસના નેતા કે.સી. વીરેન્દ્રના ઘરથી 12 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. રોકડ ઉપરાંત EDએ 6 કરોડ રૂપિયાની જ્વેલરી પણ જપ્ત કરી છે. EDએ ચિત્રદુર્ગા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય કે. સી. વીરેન્દ્ર અને અન્ય લોકો સામે ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીના મામલે કેસ નોંધ્યો હતો.
EDએ દેશભરમાં 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્રદુર્ગા જિલ્લો, બેંગ્લોર, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવા શામેલ છે. ગોવામાં પાંચ કેસિનો- પપ્પી'સ કેસિનો ગોલ્ડ, પપ્પી'સ કેસિનો પ્રાઈડ, ઓશન રિવર્સ કેસિનો, ઓશન 7 કેસિનો અને બિગ ડેડી કેસિનો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી સાઇટ્સ King567, Raja567 વગેરે નામની ઘણી ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવતો હતો. આ ઉપરાંત આરોપીનો ભાઈ કે.સી. થિપ્પાસ્વામી દુબઈથી 3 કંપનીઓ ચલાવે છે- ડાયમંડ સોફ્ટેક, TRS ટેક્નોલોજીસ અને પ્રાઇમ9 ટેક્નોલોજીસ. આ કંપનીઓ કોલ સેન્ટર સેવાઓ અને ગેમિંગ બિઝનેસ સાથે જોડાયેલી છે. અન્ય એક ભાઈ કે.સી. નાગરાજ અને તેમના પુત્ર પૃથ્વી એન. રાજ પણ આ કામમાં સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દરોડા દરમિયાન EDને લગભગ 12 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, જેમાં 1 કરોડ રૂપિયાની વિદેશી મુદ્રા, લગભગ 6 કરોડ રૂપિયાનું સોનું, 10 કિલો ચાંદી અને 4 લક્ઝરી કાર મળી છે. આ ઉપરાંત 17 બેન્ક ખાતા અને 2 લોકર પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. દરોડા દરમિયાન EDને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા પણ મળ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર કમાણીને અલગ-અલગ લેયરિંગ દ્વારા સફેદ બતાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.

