- National
- ગડકરી કેમ ગુસ્સે થયા? અધિકારીઓને કહ્યું- 'શું તમને કોન્ટ્રાક્ટર પાસેથી હપ્તો મળે છે?'
ગડકરી કેમ ગુસ્સે થયા? અધિકારીઓને કહ્યું- 'શું તમને કોન્ટ્રાક્ટર પાસેથી હપ્તો મળે છે?'
મધ્યપ્રદેશમાં બેતુલ અને ઇટારસી વચ્ચેનો રસ્તો, જે એક સમયે વિકાસને વેગ આપવા માટે બનાવવામાં આવ્યો હતો, તે હવે લોકો માટે પીડાનું કારણ બની ગયો છે. વર્ષોથી, આ 73 કિલોમીટરના મુસાફરીના માર્ગમાં ખાડાઓ, અધૂરા પુલ અને ખરાબ રસ્તાની સ્થિતિથી જનતા પીડા સહન કરી રહી છે. પરંતુ જ્યારે આ જ પીડા દેશના માર્ગ પરિવહન મંત્રી, નીતિન ગડકરીએ જાતે અનુભવી, ત્યારે તેમણે સ્ટેજ પરથી NHAI અધિકારીઓને આડે હાથ લીધા.
28 ઓક્ટોબરના રોજ એક નિવેદનમાં, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, 'બેતુલ અને ઇટારસી વચ્ચેનો 8 કિલોમીટરનો રસ્તો જંગલને કારણે 6-7 વર્ષથી બંધ છે, અને બેતુલથી આગળ રસ્તાની ગુણવત્તા પણ નબળી હતી. જ્યારે મેં PD અને ROને ફોન કરીને બોલાવ્યા અને તેમને પૂછ્યું કે, તમને ગુણવત્તા કેમ દેખાતી નથી... મેં તેમને પૂછ્યું કે, શું તેમને કોન્ટ્રાક્ટર તરફથી મહિને હપ્તો મળી રહી છે? તેઓએ તેને કેમ સરખું કેમ ન કર્યું...'

હકીકતમાં, 25 ઓક્ટોબરના રોજ, નીતિન ગડકરીએ તેમના પરિવાર સાથે સતપુરા ટાઇગર રિઝર્વની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન, તેઓ બેતુલ-ઇટારસી હાઇવે પરથી પસાર થયા હતા. અધિકારીઓને આ વિશે પહેલાથી જ માહિતી મળી ગઈ હતી.
તેથી, ગડકરીની મુલાકાત પહેલા, ભારે વરસાદ દરમિયાન પણ રસ્તાનું સમારકામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો એક વીડિયો જોઈ શકાય છે. પરંતુ આ બધું કર્યું હોવા છતાં, રસ્તાની ખરાબ સ્થિતિ નીતિન ગડકરીની નજરે ચઢ્યા વગર ન રહી.
ગડકરીનો ગુસ્સો માત્ર રોષ નહોતો, પરંતુ તે વાસ્તવિકતાનું પ્રતિબિંબ હતું, જેનો જનતા વર્ષોથી સામનો કરી રહી છે. આ હાઇવે પર, જ્યાં રસ્તો બની ચુક્યો છે, ત્યાંની હાલત પણ એટલી ખરાબ છે કે, રસ્તાના ડામરની નીચેથી કપચી પણ બહાર આવી ગઈ છે.

આ તસવીર રસ્તા પર રમત રમતા વાહનોની નથી, પરંતુ ખાડાઓના કારણે ઉછળ કૂદ કરતા વાહનોની છે. જો તમે એવું સમજતા હોવ કે આ રસ્તો ગામડાનો છે, તો અમે તમને જણાવી દઈએ કે, આ ગામડાનો રસ્તો નથી, પરંતુ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલને મહારાષ્ટ્રના નાગપુર સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગનો છે.
બેતુલથી ઇટારસી સુધીના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ભાગ કેટલીક જગ્યાએ વન વિભાગની પરવાનગી ન મળવાને કારણે અટકી ગયો છે, જ્યારે અન્ય કેટલાક સ્થળોએ, હાઇવે બન્યા પછી પણ, મોટા મોટા ખાડાઓને કારણે ત્યાંથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
જ્યારે મીડિયા સૂત્રોની ટીમ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહોંચી, ત્યારે સ્થિતિ ભયાનક હતી. મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર જતી આ ભારે ટ્રકની કમાન રસ્તા પર પડેલા એક મોટો ખાડાને કારણે તૂટી ગઈ હતી. એટલું જ નહીં, આના કારણે ટ્રકનું ટાયર પણ ફાટી ગયું હતું, જેના કારણે ડ્રાઇવર અને હેલ્પર જંગલની વચ્ચે કોઈ મદદ મળે તેની રાહ જોઈ રહ્યા હતા.

એટલું જ નહીં, ઘણી જગ્યાએ, ખાડા એટલા લાંબા છે કે, મીડિયા સૂત્રોની ટીમને ચાલતા ચાલતા રસ્તો પસાર કરવો પડ્યો હતો.
ખાડાઓથી ભરેલા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તમારી મુસાફરી મફત તો નથીજ, તેના બદલે, તમારી પાસેથી ભારે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. બેતુલ અને ઇટારસી વચ્ચેના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુંડી ટોલ પ્લાઝા આવેલો છે જ્યાં, કાર/જીપ માટે રૂ. 85 એક-તરફના અને રૂ. 130 બંને તરફના, હળવા ધંધાકીય વાહનો માટે રૂ. 140 એક તરફના અને રૂ. 210 બંને તરફના, બસ/ટ્રક માટે રૂ. 295 એક તરફના અને રૂ. 445 બંને તરફના, ત્રણ-એક્સલ ટ્રક માટે રૂ. 320 એક તરફના અને રૂ. 485 બંને તરફના, જ્યારે ભારે વાહનો માટે રૂ. 465 એક તરફના અને રૂ. 695 બંને તરફના છે.
આટલો ભારે ટોલ ચૂકવ્યા પછી પણ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉછળતા કુદતા મુસાફરી કરનારા મુસાફરોને શું શું સહન કરવું પડે છે તે તમને બતાવી દઈએ...

મુસાફરી કરતા રાજા ધુર્વે કહે છે કે, આશરે 70 કિલોમીટરના માર્ગ પર ત્રણ જગ્યાએ રસ્તો અધૂરો છે. બે જગ્યાએ પુલ નથી બન્યો. રસ્તો એટલો ખાડાઓથી ભરેલો છે કે, તેના કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે અને ઘણીવાર અકસ્માતો પણ થાય છે. જે દિવસે નીતિન ગડકરીએ મુલાકાત લીધી હતી, તે દિવસે ભારે ઉતાવળમાં ખાડાઓ ભરવામાં આવ્યા હતા. વરસાદને કારણે ખાડાઓ ફરીથી દેખાયા છે. પરિસ્થિતિ ભયાનક છે. આમ છતાં, ટોલ તો વસૂલવામાં આવી રહ્યો છે.
પુરુષોત્તમ નામના બીજા એક મુસાફર કહે છે, 'રસ્તો ખરાબ હાલતમાં છે, છતાં તેઓ હજુ પણ ટોલ વસૂલ કરી રહ્યા છે. સરકાર આ તરફ ધ્યાન આપી રહી નથી. રસ્તા પર એટલા બધા ખાડા છે કે, આપણે ધીમે ધીમે વાહન ચલાવવું પડે છે. રસ્તાની હાલત ખરાબ છે, તેથી ટોલ વસૂલવો જોઈએ નહીં.'
હકીકતમાં, પેકેજ 2 હેઠળ રૂ. 589.53 કરોડના ખર્ચે બેતુલ અને ઇટારસી વચ્ચે 73 Kmનો રસ્તો બનાવવા માટે 2018માં કામ શરૂ થયું હતું. આ કામ લોગજીયા કંપની અને જીતેન્દ્ર સિંહ એન્ડ કંપની દ્વારા ભારતમાલા યોજના હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. વધુમાં, 21 Kmના રસ્તાનું કામ જંગલ તરફથી મંજૂરી ન મળવાને કારણે અટકી ગયું છે. આમાં 7 Km બરેથા ઘાટ, 8 Km ભૌરા અને 6 Km બાગદેવ રોડનો સમાવેશ થાય છે. લગભગ 8 વર્ષ પહેલાં, NHAIએ ઓબૈદુલ્લાગંજ-બેતુલ ચાર-માર્ગીય પ્રોજેક્ટને બે ભાગમાં વિભાજીત કર્યો હતો અને ટેન્ડર બહાર પાડ્યા હતા.

ઇટારસી-ઓબૈદુલ્લાગંજ વિભાગ પર કામ સમયસર શરૂ થયું હતું, જેના પરિણામે એકદમ સરસ મજાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની ગયો હતો, પરંતુ, ઇટારસી-બેતુલ વિભાગ પર, ઘણી જગ્યાએ હાઇવેનું બાંધકામ શરૂ થયું ન હતું, અથવા જ્યાં તે શરૂ થયું હતું, ત્યાં રસ્તાની ગુણવત્તા અત્યંત ખરાબ છે.
ભોપાલ અને નાગપુર વચ્ચેના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કેટલો મહત્વનો છે એ વાતનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે, દરરોજ હજારો વાહનો અને લાખો લોકો તેનો ઉપયોગ કરે છે.
જોકે, આ અહેવાલ ફક્ત એક મંત્રીના ગુસ્સાની વાર્તા નથી, પરંતુ વર્ષોથી દરરોજ આ માર્ગ પર મુસાફરી કરતા લાખો મુસાફરોની પીડાનો પુરાવો છે. હવે, કદાચ પહેલી વાર, કોઈ કેન્દ્રીય મંત્રીએ જ્યારે પોતે આ માર્ગ પર મુસાફરી કરવી પડી ત્યારે તેમની પીડા અનુભવી છે.

