- National
- લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે CM યોગી આદિત્યનાથને એક ખુલ્લો પત્ર લખીને જણાવ્યું છે કે, આ ઘટનામાં તેમના જેવા નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે તેમની જવાબદારીઓ ખુબ મર્યાદિત છે. કમલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે કોઈપણ ઇમારતને ફાયર ક્લિયરન્સ આપવાનો કે મોટા પાયે સલામતી ધોરણો લાગુ કરવાનો અધિકાર નથી.
કમલેન્દ્ર સિંહે એમ પણ કહ્યું હતું કે, આ સંદર્ભમાં પ્રાથમિક જવાબદારી લખનૌના CFOની છે, જે શહેરની ફાયર સેફ્ટી સિસ્ટમ અને ઇમારતો માટે ફાયર ક્લિયરન્સ માટે જવાબદાર હોય છે. કમલેન્દ્રએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે, જે ઇમારતમાં આગ લાગી હતી તેનો વર્ષોથી વ્યાપારી હેતુઓ માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે તેને એક રહેણાંક મકાન તરીકે મંજૂરી આપવામાં આવી હતી, જે હકીકતની CFOને ખબર હોવી જોઈતી હતી.
કમલેન્દ્રએ જણાવ્યું હતું કે, આગ લાગ્યા પછી તેને ઓલવવામાં વિલંબ CFOની બેદરકારી દર્શાવે છે. આવી સ્થિતિમાં, તેમના જેવા નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે, આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી CFO પર નક્કી થવી જોઈએ. સાથે જ તેમની સામે કડક વિભાગીય કાર્યવાહી પણ થવી જોઈએ. કમલેન્દ્રએ આ પત્ર લખીને CM યોગી આદિત્યનાથને તેમના સસ્પેન્શન પર ફરીથી વિચાર કરવા વિનંતી કરી હતી.
22 જૂનના રોજ, લખનૌમાં 3 માળની ઇમારતમાં આગ લાગી હતી, જેમાં વિદ્યાર્થીઓ સહિત 15 લોકો માર્યા ગયા હતા. અન્ય 9 આ ઘટનામાં ઘાયલ થયા હતા. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અધિકારીઓને ભોંયરામાં એર કન્ડીશનીંગ યુનિટમાં શોર્ટ સર્કિટ થઇ હોવાની શંકા છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, આ ઘટના પછી 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 4 સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા લોકોમાં ઇમારતના માલિક રામ કૃષ્ણ ઉપાધ્યાય, વીરેન્દ્ર પ્રસાદ શુક્લા અને તુષાર કૃષ્ણ જયસ્વાલનો સમાવેશ થાય છે. ચોથા આરોપી સુરેશ કુમાર સાહુની પણ પોલીસે ધરપકડ કરી છે.
યોગી સરકારે ઘટનાની જવાબદારી નક્કી કરતી વખતે, વહીવટી કાર્યવાહીના ભાગ રૂપે 4 સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર (કલેક્શન) ગૌરવ કુમાર, FSSO કમલેન્દ્ર કુમાર સિંહ, આસિસ્ટન્ટ એન્જિનિયર અનિલ કુમાર અને જુનિયર એન્જિનિયર પ્રમોદ પાંડેનો સમાવેશ થાય છે.

